અંગદ વિષ્ટિ
લંકા પતી મથુરા પતી, વાલી બહુ બળવાન,
મદ થકી માર્યા ગયા, માનવ તજ અભિમાન.
નગર લંકા છે સોનાની, મનોહર વટિકા મધ્યે,
બિરાજ્યા માત સીતાજી શરીરે આગ વરસેછે.
ભલે હો હેમની નગરી, નથી જ્યાં રામનું શરણું,
ભલે ને મોતીડાં વરશે, સીતાને રામનું સમણું
(ઢાળ-માતાજીકે’ બીએ મારો માવોરે...જેવો.)
વાલી સુત વિષ્ટિ કરવાને આવ્યો રે, રાવણ રહે અભિમાન માં
લંકામાં ભય ખૂબ ફેલાયો રે, આવ્યોછે કપિ પાછો રાજમાં....
નૃપ થી ઊંચેરું એણે આસન જમાવ્યું
દુત રે બનીને સઘળું સમજાવે રે, સમજે જો રાવણ સાનમાં રે...
ભ્રમર વંકાતાં સારી સૃષ્ટિ ક્ષય પામે
પ્રેમે વરસેતો વસંત ખીલાવે રે, એવીછે શક્તિ રામમાં...
છટ છટ વાનર તારા, જોયા વનવાસી
સીતાના વિરહે વન વન ભટકેરે, બનીને પાગલ પ્રેમ માં...
નવ નવ ગ્રહો મારા હુકમે બંધાણાં
સમંદર કરે રાજના રખોપા રે, વહેછે વાયુ મુજ માનમાં...
શિવ અંસ જાણી હનુમો, પરત પઠાવ્યો
અવરતો પલમાં પટકાઈ જાશે રે, આવશે જો રણ મેદાનમાં..
ભરીરે સભામાં અંગદે પગને પછાડ્યો
ચરણને આવી કોઈ જો ચળાવે રે, મુકીદંવ માતને હોડમાં...
કેદાર ન કોઈ ફાવ્યા, ઉઠ્યો ત્યાં દશાનન
કપીએ શિખામણ સાચી આપીરે, નમાવો શીશ હરિ પાયમાં..
લંકામાં હનુમાનજી સીતા શોધ અને લંકા દહન કરી આવ્યા પછી યુધ્ધ તો અનિવાર્ય બની ગયું, છતાં રામજીના સલાહકારોએ લંકાના નિર્દોષ લોકોને ક્ષતિ ન પહોંચે તે માટે રાવણને સમજાવવાનો એક મોકો આપવા માટે ચતુર અંગદને દૂત બનાવીને મોકલવાનો નિર્ણય કર્યો, પણ હનુમાનજીના ભયથી કાંપેલા લંકા વાસીઓ અંગદને જોઈને ફરી હનુમાનજી લંકામાં આવ્યા સમજીને કાંપવા લાગ્યા.
નિયમ અનુસાર કોઈ પણ દૂતને યોગ્ય આસન આપીને તે લાવેલો સંદેશો લેવો અને તેનો પ્રત્યુત્તર આપવો, અને તેને સુરક્ષિતપરત મોકલવો જોઇએં, પરંતુ લંકામાં અંગદને યોગ્ય આસન ન મળતાં તે પોતાના પુચ્છથી રાવણની સામેજ એક મોટું આસન બનાવીને બેસી ગયા, તેમજ શ્રી રામ વિષે અને તેમના સૈન્ય વિષે માહિતી આપીને સમજાવવા લાગ્યા, કે હે રાજન તમને કદાચ ખબર નથી કે રામની શક્તિ કેવી છે? જો તેમની ભ્રુકુટિ ફક્ત વંકાય તો આખી સૃષ્ટિ નાસ પામે અને જો તેમનો પ્રેમ મળે તો ઋતુ ન હોવા છતાં વસંત ખીલી ઊઠે. આમ અનેક પ્રકારે રાવણને સમજાવ્યા છતાં તેને કોઈ સમજ ન આવી ઊલટો કહેવા લાગ્યો કે હે વાનર જોયા તારા રામને, જે સીતાના વિયોગમાં પાગલ બનીને ઝાડ પાનને પૂછતા ફરેછે કે મારી સીતા ક્યાં છે?
તને કદાચ મારી શક્તિનો પરિચય નથી, નવે નવ ગ્રહો મારા તાબામાં છે, મારા હુકમ વિના તેઓ કોઈ કાર્ય કરી શકતા નથી, અને વાયુદેવ મારી અનુકૂળતા પ્રમાણે વાયછે, અને એમ ન માનજે કે હનુમાન અમારાથી છટકીને પાછા આવ્યાછે, એતો શિવાંસ હોવાથી અને શિવ મારા આરાધ્ય હોવાથી મેં જવા દીધાછે, બાકી રામનો દરેક સૈનિક જો રણ મેદાનમાં આવશે તો એક ક્ષણમાં રોળાઇજશે.
અંગદ સમજી ગયા કે રાવણ માનશે નહીં અને હવે યુદ્ધ અનિવાર્ય છે, ત્યારે તેણે રામ દૂતની શક્તિ બતાવવા માટે પોતાનો પગ ભરી સભામાં ધરતી પર પછાડીને પડકાર ફેંક્યો કે હે અભિમાની રાવણ, જોઇલે કે રામના સૈન્યમાં શું તાકત છે, જો તારા રાજ્યનો કોઈ પણ બળવાન માનવ મારા પગને ધરતીથી હટાવી દેશે તો હું સોગંદ ખાઈને કહુંછું, હું સીતા માતાને હારીને રામના સૈન્ય સહિત લંકા છોડીને જતો રહીશ.
રાવણના અનેક યોદ્ધાઓ અંગદના પગને હટાવવાની કોસીશ કરી પણ કોઈથી તલ માત્ર પણ પગ હટ્યો નહીં ત્યારે રાવણ ઊઠ્યો અને અંગદના પગને સ્પર્શ કરવા ગયો ત્યાં ચતુર અંગદે પોતાનો પગ હટાવીને કહ્યું કે "હે રાવણ મારા પગમાં નમવા કરતાં શ્રી રામજીના ચરણને સ્પર્શ કરિલો તો પ્રભુ પ્રસન્ન થઈને માફ કરી દેશે."
No comments:
Post a Comment