Wednesday, September 16, 2015

ગણેશા

                     ગણેશા
સાખી-
સૌથી પહેલાં સમરીએ, ગિરજા નંદ ગણેશ.  દીન "કેદાર"ની વિનતિ, રહો હૃદય માં હંમેશ
ગણ નાયક ગણ ઈશ તું, ભજે ભક્ત ગણ દેવ. દીન "કેદાર"દિન દિન ભજે, કરે તમારી સેવ
ગાઉં ગુણલા ગણેશ ના, રટું નિરંતર નામ. કરો કૃપા "કેદાર"પર, સમરૂં ઠામો ઠામ         

ગજાનન પહેલા પધારો રે ગણેશા,   શિવ ગૌરી ની શાખે
પુજા અર્ચન પ્રેમે કરું હું,        ભક્ત સૌ દીલથી દાખે...

ગુઢ ગહન પ્રભુ રૂપ તમારૂં, જન અચરજમાં નાખે 
અંગે અંગમાં મર્મ ભર્યોછે, (જેથી) સહજ સમજ સૌ રાખે...

કાન ધરી ને શાંભળે સૌનું,  વાત ઉદરમાં રાખે
જીણી નજરે જોનારા તમે, કાર્ય સુખમય ભાખે...

સમતા ધરવી ક્રોધ ન કરવો, દ્વેશ ન દીલમાં દાખે
ઉંચ નિચ સૌ સરખા ગણે તેથી, મુષક વાહન રાખે... 

ધીર ગંભીર બની કાર્ય સુધારે, ભક્ત નિર્ભય કરી નાખે
વિઘનો હરી સૌ સંકટ કાપે,    સકળ જગત સુખ રાખે...

જડ ચેતન ના અધિપતિ દાતા, કેદાર દીલમાં દાખે
ભક્તિ કરે જે ગણ નાયક ની, અમુલખ આનંદ ચાખે...

  ક્યારેક આપણે સામાન્ય બોલ-ચાલમાં ભગવાન ગણેશજીને ગજાનંદ કહીએ છીએ, મારી સમજ પ્રમાણે ગજ એટલે હાથી, અને એના નંદ એટલેકે હાથીના પુત્ર, પણ ગણેશજી હાથીના પુત્ર નથી, સાચું નામ છે "ગજાનન." ઉલ્લેખ છે કે ભગવાન શિવ અનંત કાળ સુધી સમાધિમાં લીન રહેતા ત્યારે માતા પાર્વતીજીને એકલતા લાગતી. એક વખત માતાજી સ્નાન કરવા પધાર્યા ત્યારે સુરક્ષા માટે કોઈ હોવું જોઈએં એમ વિચારીને જેમ કન્યાઓ માટીના રમકડા બનાવે છે એમ હાથનો મેલ ઉતારીને એક બાળકની મૂર્તિ બનાવી, આ તો જગત જનની, એ મૂર્તિમાં પ્રાણ પુરીને પોતાના રક્ષણ માટે દ્વાર પર પહેરો કરવા બેસાડી દીધા. ભગવાન શિવજી જ્યારે પધાર્યા ત્યારે એમને પણ રોકવામાં આવ્યા ત્યારે શિવજીએ ક્રોધે ભરાઈને અજાણતાં પોતાનાજ બાળકનું મસ્તક કાપી નાંખ્યું. જ્યારે સાચી વાતની ખબર પડી ત્યારે હાથીના બચ્ચાનું મસ્તક લગાવીને ગણેશજીને સજીવન કરવામાં આવ્યા અને દેવતાઓના અનેક આશીર્વાદ પણ મળ્યા. 
    આવા મસ્તક વાળો પુત્ર કોઈને ગમે ખરો? પણ આ એક પ્રતીક છે. ઝીણી આંખે બધું ધ્યાન આપીને અવલોકન કરવું, લાંબું નાક= દરેક કાર્યની ઊંડાણથી જાણકારી રાખવી, (ગંધ લેવી.) મોટા કાન= દરેકની વાત ધ્યાન દઈને સાંભળવી અને મોટા પેટમાં પધરાવીને પચાવવી, બહુ બોલ બોલ ન કરવું, દંતૂશળ=મહાકાય હોવા છતાં દુશ્મન માટે હથિયાર અને બળનું પ્રદર્શન, નાનું મસ્તક બુદ્ધિશાળી હોવાનું પ્રતીક છે, વાહન ઉંદર= નાનામાં નાના જીવનો આદર કરીને એને યોગ્ય માન-સ્થાન આપવું, આ છે લંબોદર ભગવાન ગણપતીજીના રૂપનો મહિમા.
જય ગજાનન.  

શાખે=સાક્ષી; સાખ.  ભાખે=ભવિષ્ય કહેવું.  દાખવવું=જણાવવું; કહેવું; દેખાડવું. 
ફોટો ગુગલના સહયોગ થી

No comments:

Post a Comment