પ્રભુજી મને પાર કરો.
ઢાળ-ફિલ્મી ગીત ’મહેલો કા રાજા મિલા, રાની બેટી રાજ કરે.’ જેવો.
તારા શરણે હું આવી ગયો, પ્રભુજી મને પાર કરો.
હૂંતો ભવ રણમાં ભટકી ગયો,............
જન્મ આપ્યો તેં મને, માનવ કુળમાં, માર્ગ ભૂલીને મેં તો રોળ્યો છે ધૂળમાં
મોહ માયામાં લપસી ગયો.....પ્રભુજી મને પાર કરો.
કાશી મથુરા ગોકુળ ગયો નહિ, શબ્દ સંતોનો કોઈ કાને ધર્યો નહિ.
નીર ઝાંઝવા ને ઝપટે ચડ્યો....પ્રભુજી મને પાર કરો.
ગીતા રામાયણ ગાન કર્યું નહિ, હેતે હરી મેં તારું ધ્યાન ધર્યું નહિ.
તારા ભજનો પર ભાવ ના થયો.....પ્રભુજી મને પાર કરો.
પિંજર પીખાયું હવે પંખી ઊડી જાશે, શ્વાસમાં શરણાઈ વાગે, સુર ના સંધાશે
હવે સરગમ નો સાથ ગયો.... પ્રભુજી મને પાર કરો.
કઠપૂતળી બનીને રમુ હુંતો તારા તાલમાં, થીરકે "કેદાર"ખેંચે દોરી તારા હાથમાં
તું નચાવે તેમ નાચી રહ્યો.....પ્રભુજી મને પાર કરો.
ભાવાર્થ.= હે ઈશ્વર, મારા પર તેં અનેક ઉપકારો કર્યા, પણ મેં આ જીવન અમૂલ્ય જીવન નો લહાવો ન લીધો, પણ હવે હું તારા શરણે આવ્યો છું, માટે મને માફ કરી દેજે, અને આ ભવ સાગર માંથી પાર કરી દેજે. દેવોને પણ દુર્લભ એવું માનવ શરીર તેં મને આપ્યું, જેના વડે આ જીવ શિવ સુધી પહોંચી શકે, પણ હું સંસારના મોહમાં એવો ફસાયો કે અવસર ચૂકી ગયો.
આ શરીર થકી પ્રવાસ તો મેં ઘણાં કર્યા, પણ જેમ તરસ્યા હરણાઓ ઝાંઝવાનાં નીરને જોઈને તેની પાછળ દોડે છે, તેમ હું આ સંસારના મોહ/ માયાના સપના જોતો તેને પામવા દોડતો રહ્યો, પણ પામ્યો કશું જ નહિ. ક્યારેક સારા મિત્રોના સંગમાં ધાર્મિક પ્રસંગોમાં જવાનો મોકો મળ્યો, અરે ભજનો પણ ગાયા, પણ તેમાં સંગીત સમજી ને રાગ, તાલનું ધ્યાન રાખ્યું, પણ તારા તરફ ધ્યાન ન ગયું, તેથી ભજનોના નામે ગીતો ગાયા, ભાવ ભર્યું ભજન ન થયું. આસ્થા શ્રદ્ધા અને ભક્તિ તો સંગીત તાલ અને સુર સાથે સંતાકૂકડી રમવા ચાલી ગયાં.
હે ઈશ્વર, હવે તો ઘડપણની છાયા હેઠળ આ શરીર રૂપી પિંજર જીર્ણ થઇ ગયું છે, ક્યારેક આ જીવડો તો ઊડી જશે ? શ્વાસ લેતાં મૂકતાં જાણે ફાટેલા -બેસૂરા રાગે હવે પીપુડી વાગે છે, ધૃજતી કાયા એ સુરનું ઠેકાણું રહેતું નથી, માત્ર પ્રાસ સાથ બની ને વહે છે ત્યાં સરગમ ની તો વાત જ ક્યાં કરવી, સૂર મેળ તો હોય જ ક્યાંથી ?
હે પ્રભુ, ભાવે કે કભાવે મને કે ક મને - માંહ્યલાએ કીધું એટલે મેં ધાર્મિક પ્રસંગોમાં ભાગ લીધો છે, અને એટલું તો સમજ્યો છું કે આ જીવન મંચમાં અમે બધા તો તારા પૂતળાં છીંએ, કઠપૂતળી સમા- તેથી જે પાત્ર ભજવવા માટે તું અમને મોકલે છે તે અમારે ભજવવાનું હોય છે, તું જેમ આંગળીમાં રાખેલી ડોરથી અમને નચાવે તેમ નાચવાનું- તેથી અમે તો નિમિત્ત અને કર્તા વિશ્વનિયંતા આપ છો! અમે જે કંઈ કરીએ તે તો નક્કી થયેલું પૂર્વ નિયોજિત હોય છે, અમે તો કંઈ કરતા જ નથી, છતાં અહંકાર, મદ અને મમત્વ ક્યાંથી આવી ને ટપકે છે? સમજાતું નથી પ્રભુ, આમાં અમારો શો દોષ? આ તો તારી જ માયા અને તારી જ લીલા છે?, માટે એક જ આશા છે કે તારા શરણે લઈને મને આ જીવન થી પાર કરી દે.
ફોટો-ગુગલના સહયોગ થી.
No comments:
Post a Comment