રામેશ્વર જ્યોતિર્લિંગ
મિત્રો તુલસીદાસજી એ કહ્યું છે કે..
"અતુલિત મહિમા બેદ કી તુલસી કિએઁ બિચાર જો નિંદત નિંદિત ભયો બિદિત બુદ્ધ અવતાર"
કોઇ પણ સમજદાર વ્યક્તિ, કે જે કોઇ પણ પ્રકારે જાહેર જીવનમાં હોય તેણે પોતાના કાર્ય માટે કે રચનાકારે રચના માટે નિંદા કરનારાઓ ને પોતાના અંગત હિતેચ્છુ સમજવા જોઇએં, કારણ કે જો નિંદા કરનારા હોય તો જ તમને તમારા કાર્ય માં કોઇ ક્ષતિ કે ભૂલ થતી હોય તે આપને દર્શાવે, પણ એક સામાન્ય માનવી હોવાના નાતે મારું માનવું છે કે આ નિંદા કે ટિપ્પણી માં કંઈક તથ્ય હોવું જોઇએં, જે વિષય પર તમો ટિપ્પણી કરતા હો તે વિષય ના તમો થોડું ઘણું જાણકાર હોવા જોઈએં, તો જ તમને એ વિષય પર ટિપ્પણી કરવાનો હક્ક છે, નહીં તો તમે ટિપ્પણી કરવાને લાયક નથી, આ અણ મારું માનવું છે, જે પોતે વ્યાકરણ જાણતો નથી કે શબ્દનું તાત્પર્ય સમજી સકતો નથી તે કોઈ ની કાવ્ય રચના ની ટિપ્પણી કેમ કરી શકે ?
હમણાં મારી એક રચના "જ્યોતિર્લિંગ મહિમા" કે જેમાં મેં ૧૨, જ્યોતિર્લિંગ નો મહિમા વર્ણવ્યો છે, અને શ્રી રામેશ્વરજી ની સ્થાપના શ્રી રામજી એ લંકા પતિ રાવણ દ્વારા કરાવેલી એવું મેં વર્ણવ્યું છે, જે ના પર મારા એક મિત્ર એ ટિપ્પણી કરતાં લખ્યું કે આ પ્રસંગ પર તેમણે "ગુગલ" પર ખૂબ સર્ચ કર્યું પણ કોઇ તથ્ય આ બાબત જાણવા મળ્યું નથી. ત્યાર બાદ મેં પણ ગુગલ ખંખોળી જોયું મને પણ ન મળ્યું, પણ હું નથી માનતો કે ગુગલ માં ન મળે તે સત્ય હોય જ નહીં, બની શકે કે આપણી શોધ યોગ્ય રસ્તે ન પણ હોય, કે યોગ્ય સ્પેલિંગ ન લખતા હોઇએં, કારણ આ તો ગુગલ છે ! તે ને મગજ થોડું છે ? જે આપ્યું હશે તે પરત આપશે ! અને દરેક બાબત ગુગલ માં હોય જ, તે હું નથી માનતો, આ ગુગલ છે, કોઈ વેદ-પુરાણ તો છે નહીં કે બધું જ મળે, આપણા આવા અમૂલ્ય સાહિત્ય માં થી શોધી ને કદાચ ગુગલ બન્યું હશે, તો આપણે તેના પર શા માટે આટલો આંધળો ભરોંસો કરવો ? આપણા શાસ્ત્રો પર કેમ નહીં ? હજુ ક્યાં સુધી ગુલામી ના ગર્ત માં ડૂબેલા રહેશું ? જો મારો અવાજ માનનીય મોદી સાહેબ સુધી પહોંચે તો હું જરૂર કહેવા માંગું કે આપણે ઈસરો દ્વારા દુનિયામાં નામ કાઢ્યું છે, શું આપણે ગુગલ જેવી એપ ન બનાવી શકીએ ? જે આપણાં શાસ્ત્ર ના આધારે વિશ્વને જાણકારી પહોંચાડી શકે ? કદાચ મોદી સાહેબ ના મનમાં આ વાત ચાલતી પણ હોય !
હવે મારી વાત લખું, ભગવાન શ્રી રામ જ્યારે લંકા પર ચડાઈ કરી ને રાવણ નો વધ કરવા પધારતા હતા ત્યારે તેમણે અનેક ઋષિ મુનિઓ ને આમંત્રણ આપી ને સમુદ્ર કિનારે શિવજી ની સ્થાપના કરીને રાવણ પર વિજય અપાવવા માટે ના આશીર્વાદ દેવાધિદેવ પાસે થી મેળવવાની નમ્ર વિનંતી કરી, પણ બધા મુનિઓ એ કહ્યું કે રાવણ શ્રી મહાદેવ નો અનન્ય ભક્ત છે, અમારી કોઈની એટલી ક્ષમતા નથી કે અમો મહાદેવની પ્રતિષ્ઠા કરાવી ને પ્રભુ પાસે રાવણ વધ ના આશીર્વાદ અપાવી શકીએ, પણ ફક્ત લંકા પતિ રાવણ એક એવો બ્રાહ્મણ છે જે મહાદેવને કોઈ પણ કાર્ય માટે મનાવી શકે છે, પણ શું તે પોતેજ પોતાના મૃત્યુ માટે આવું પૂજન કરાવવા રાજી થાય ખરો? ત્યારે પ્રભુ રામજીના આગ્રહ થી આમંત્રણ મોકલવામાં આવ્યું અને એક બ્રાહ્મણ ના નાતે તેણે સ્વીકાર પણ કર્યો, ત્યારે મંદોદરીજીએ તેમને રોકતાં કહ્યું કે "નાથ આપ આ શું કરવા જઈ રહ્યા છો?" રામ યુદ્ધમાં વિજય માટે આ યજ્ઞ કરે છે, અને યજ્ઞ ના અંતે આપની પાસે આશીર્વાદ માંગશે ત્યારે શું આપ વિજય ભવ: વચન આપશો? અને આપે આપેલું વચન વ્યર્થ જવાનું નથી તો તેનું ફળ શું હશે ? આમાં મારે શું ભોગવવાનું આવશે તેનો વિચાર કર્યો છે ? આવી અનેક ચર્ચાઓ પછી રાવણે સમજાવ્યું કે "હે પ્રિયે, તને તો ખબર છે કે મને જે શ્રાપ મળ્યો છે તેનું નિવારણ કરવા માટે મારે ત્રણ જન્મ ભોગવવાના છે, માટે આ જન્મ જેટલો જલદી પૂર્ણ થાય તેટલો જલદી મને મોક્ષ મળે અને હું પાછો પ્રભુ ચરણોમાં જઈ શકું ! કોઈ અન્ય કારણે મારું મૃત્યુ થાય અને કદાચ કોઈ દોષ રહી જાય, અને કદાચ મારો આ જન્મ એ શ્રાપ માંથી મુક્તિ માટે નો માર્ગ ગણવામાં ન આવે તો ? પણ આતો સાક્ષાત્ ઈશ્વર ના હાથે મારે મરવાનું છે, અને તને તો ખબર છે કે હરી ના હાથે હણાયેલો કોઈ પણ જીવ અવશ્ય મોક્ષ પામે જ છે, માટે મારા માટે તો આ અલભ્ય અવસર સામે ચાલીને મારા રામે મોકલ્યો છે, એને હું કેમ જતો કરું ?" અને રાવણે રામેશ્વરમાં દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરાવી, એટલુંજ નહીં પણ ભોળા નાથ ને મનાવી ને જ્યોતિર્લિંગ ની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાવી.
મારી જે રચના પર આ બધી ચર્ચા ચાલી તે જાણવા ની આપને પણ લગન હોયજ, માટે અહીં તે રજૂ કરું છું, આપ પણ મારી આવી કોઈ પણ રચના પર સમજદારી પૂર્વક ની ટિપ્પણી કરશો તો મને જરૂર ગમશે.
જય નારાયણ,
જય માતાજી.
જ્યોતિર્લિંગ મહિમા
સાખી-દિવ્ય તેજ દિવ્ય પુંજ, સ્થંભ બની નટરાજ, વિષ્ણુ બ્રહ્મા મદ હર્યો, દેવાધી દેવ મહારાજ...
સ્થંભ પ્રતીક સમ લિંગ, જ્યોતિર્લિંગ સ્થપાય, નિજ તેજ અપાર ભર્યું, જગ જન હિત સુખાય..
શિવજી તારો મહિમા અપરમ પાર.
જ્યોતિર્લિંગ હરી તેજ અનેરૂં, હું તો વંદુ વારંવાર.....
પરથમ જ્યોતિ લિંગ તમારી, સોમનાથે સરકાર. ચંદ્ર તણા સૌ સંકટ કાપી, શિર ધર્યો સર તાજ...
૧
મલ્લિકર્જુન મહેર ઘણેરી, નંદી પર નટરાજ. મહાકાલેશ્વર ઓમકારેશ્વર, ઓમ પર્વત આકાર...
૨ ૩ ૪
બૈદ્યનાથ સિદ્ધનાથ શિવાલય, ભીમાશંકર ભવ તાર, રતનાકર તટ ઋચા રાવણ મુખ, રામેશ્વર સાકાર
૫ ૬ ૭
નાગેશ્વર દાસ્કાસુર હંતા, દ્વારિકા વન મોજાર, વિશ્વનાથ કાશીમાં બિરાજે, સંતો સેવે અપાર...
૮ ૯
ત્રંબકેશ્વર ત્રિદેવ સ્વરૂપે કેદારનાથ કિરતાર, ઘૂશ્મેશ્વર પ્રભુ દયા દરશાવો, "કેદાર" કરજો પાર...
૧૦ ૧૧ ૧૨
જય નારાયણ.
જય માતાજી.
કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
મેઈલ:-kedarsinhjim@gmail.com
ફોન-વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫/ ૮૧૬૦૬૩૦૪
તા. ૨૯.૫.૧૯.