Wednesday, December 8, 2021

દીન દયાળ દયા સાગર


                                              દીન દયાળ દયા સાગર

ઢાળ- બ્રહ્મ લીન નારાયણ બાપુએ ગાયેલ ભજન-"અબ સોંપ દીયા ઈસ જીવન કા".જેવો.


દીન દયાળ દયા સાગર, વરસાવો અમ પર વહાલ ઘણું

અમે ફૂલ તમારા બાગ તણા, બની માળી માધવ કરો જતન ઘણું....


આપી ભૂમિ બહુ બદબૂ ભરી, અંકુર ત્યાં આવે કેમ કરી

ફણગો ફૂટવા નહીં યોગ્ય જરી, વરસાવ્યું વહાલ ત્યાં આપ તણું...  


નયનો ના નેહ થી નીક ભરો, નીત પ્રેમ તણું પ્રભુ ખાધ પૂરો

આશિષ ઔષધ છંટકાવ કરો, ભક્તિ રસ પ્રસરે અણુ એ અણુ....


જે બાળ તને બહુ યાદ કરે, કોઈ દુખની ના ફરિયાદ કરે

હરદમ હરી રસનું પાન કરે, વરસાવો વિઠ્ઠલ ત્યાં વહાલ ઘણું....


પ્રભુ એક અરજ સરકાર કરૂં, ગદ ગદ થઈ ગોવિંદ ગાન કરૂં

હર રંગમાં રાઘવ ધ્યાન ધરું, શ્વાસો માં સમરણ આપ તણું...


 "કેદાર" ને ક્યારી એવી મળી, ભવ સાગર તરવા નાવ મળી

સુકાન રહે સદા તવ કર માં,   લક્ષ્ય રહે તવ શરણ તણું... 


ભાવાર્થ-

   હે ઈશ્વર આ જગત આપની ફૂલવાડી છે અને આપના બગીચાના સુગંધી ફૂલો આ જગતને ફોરમ ફેલાવવા માટ આપે અમારું નિર્માણ કર્યું હોય એવું લાગે છે. પણ હે નાથ આપે આ કાર્ય માટે માળી બની ને દેખરેખ રાખવી પડશે.

   હે નાથ, આ શિવ તત્વથી અલગ કરેલા જીવ ને જન્મ આપવા માટે તેં માતા ના ગર્ભ માં જે સ્થાન આપ્યું છે તે અનેક જાતની ગંદકી થી ભરેલું છે, ત્યાં તેનો વિકાશ કેમ થાય ? તેમાં કુંપળ કેમ આવે ? પણ આપે દયા કરી છે, આપના વહાલ રૂપી વરસાદ કરીને તેને આપ અંકુરિત કરો છે.  

   આપે શિવ તત્વને જીવ બનાવી માતાના ગર્ભમાં સ્થાપિત તો કર્યો, પણ હવે તેને ફરી શિવ શરણમાં પહોંચાડવા માટે આપની અમી દ્રષ્ટી-પ્રેમ અને આપનીજ માયા રૂપી જાળમાંથી છૂટવા માટે યોગ્ય ઔષધ નો છંટકાવ કરવો પડશે, જ્યારે એ જીવ ના રોમે રોમ માં ભક્તિ નો સંચાર થશે તોજ જીવ શિવ તરફ ગતિ કરી કસશે. 

   આપ આખા જગતના સર્જન હાર-પાલનહાર અને સંહારક પણ આપજ છો, છતાં જીવ જે કર્મો કરે છે તેને પાપ કે પુણ્ય લેખાવીને તેને દોષ આપો છે, આ આપની રમત રમવાની એક બાઝી હોય એવું લાગે છે, અને અમે જાણે પ્યાદાં હોઈએ, પણ નાથ, જે આપનું સ્મરણ-ભજન- ગાન કે સ્તવન કરે એને આપે આપની માયા ના જંજાળ માંથી રાહત આપવી જોઈએં.

     હે નાથ, મારી બસ એકજ અરજી છે કે આ તારી માયા ખૂબ ગૂઢ છે, મને શક્તિ આપજે કે હું એમાં ફસાયા વિના સદા આપનું ધ્યાન ધરતો રહું અને શ્વાસે શ્વાસે તારું સમરણ કરતો રહું.  

      હે નાથ આપનો ઉપકાર છે કે આપે મારા જીવ નું રોપણ એવી ક્યારીમાં કર્યું (ભક્તિ સભર મારી માતા નું ઉદર) કે ત્યાંથીજ મને આ ભવ સાગર પાર કરીને તારા અનંત તેજમાં ભળી જવાનો માર્ગ મળ્યો છે, બસ મારા જીવનમાં ક્યારેય હું ભક્તિ માર્ગ થી ભટકું નહીં, મારું લક્ષ્ય સદા આપનું શરણ રહે એજ અભ્યર્થના. 


ફોટો-ગુગલ ના સહયોગ થી


રહેજો સદા હૃદય માં


                                                      રહેજો સદા હૃદય માં

૨૧.૯.૨૧

ઢાળ:-જીવનનાં સુર ચાલે, છે એક તાર દિલમાં-બ્રહ્મ લીન નારાયણ બાપુએ ગાયું છે એવો..


માંગું હરિ હું એવું, રહેજો સદા હૃદય માં, ભૂલો કરું ભલેને, આણો ન દોષ ઉર માં...


કેવી બનાવી દુનિયા, તારી માયા બધે ફેલાણી,  જકડાઈ જાતો જીવડો, ફોગટ આ તારા ફંદમાં...


મન લાગે નહીં મોહન માં, ચીતડું ચકરાવે ચડતું, ભક્તિ ન ભાવે ભૂધરા, ભટકું સદાએ ભ્રમ માં...


ધન દોલત દિલ ને ભાવે, મળે ભાવે કે કુભાવે, સંઘરું સદા સંદૂકમાં, દમડી ના બાંટું દીન(ગરીબ) માં... 


ચીતડું સદાએ મારું, માયા ના ઘોડે ચડતું, મને આપો લગામ એવી, રાઘવ રહે હૃદય માં


કેશવ "કેદાર" તારો, ભવ રણ માં રહે ભટકતો. હવે એવા વિચાર આપો, હર પલ રહું ભજન માં..


ભાવાર્થ:- હે ઈશ્વર હું તારી પાસે બસ એકજ માંગ કરુ છું કે તું સદા મારા હૃદય માં વાસ કરજે, અને હું કોઈ ભૂલ કરું તો એ તારી હાજરીમાં કરુ છું માટે મને કોઈ દોષ ન દેજે. હે ઈશ્વર તેં એવી માયાવી દુનિયા બનાવી છે કે જાણે અજાણે પણ હું એમાં ફસાઈ જાવ છું, મારું મન તારા ભજનમાં લાગતું નથી, તારી માયાના ચકરાવામાં હું ભ્રમિત થઈ ને ભમતો રહુ છું. મારું મન ધન દોલત પાછળ એવું દોડે છે કે તેને કોઈ પણ ભોગે પ્રાપ્ત કરવા મથતો રહુ છું અને સંગ્રહ કરતો રહુ છું, એમાં થી એક પણ પાઈ ગરીબ કે જરૂરત મંદ લોકો માટે વાપરતો નથી. તારા માયા રુપી અશ્વ પર સવાર થઈને ભાન ભૂલી જવાય છે, પણ મને એવી લગામ આપો કે હું એ અશ્વને કાબુમાં રાખી શકું અને આપ મારા મન મંદિરમાં બિરાજમાન રહો.

   હે નાથ હું તો તારો દાસ છું છતાં તારી માયામાં લપેટાતો રહું છું, પણ હવે મને એવા વિચારો આપો કે હું સદા તારા ભજન માં રાચતો રહું.  


રચયિતા-

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ

૯૪૨૬૧૪૦૩૬૫

ફોટો-ગુગલ ના સહયોગ થી