Friday, June 27, 2025

152, લંપટ નેતાને જાણો

    લંપટ નેતાને જાણો            
તા. ૨૨.૬.૨૫.
અવદશા આજ આ કેવી, નેતા થઈ જનને લૂટે છે
સેવા કે સાદગી નામે,  કમાણી કરવા આવે છે...

બનાવી મંડળી મોટી, શપથ લઈ ઈશની ખોટી
વાણીમાં પ્રેમ વરસાવે, પ્રજાને  મૂર્ખ માને છે

પહેરી દેખાવની ખાદી, કરે છે ખૂબ બરબાદી
ભલે હો દેશની હાની, તિજોરી તર એ રાખે છે... 

બનાવે બંગલા મોટા, કરીને ખેલ સૌ ખોટા
ખજાનો ખૂબ ભરવાનો, ઇરાદો એ જ રાખે છે... 

કહું કર જોડી મતદાતા, વિચારો રાખી મન સાતા
ના ખોટા ભ્રમમાં ભટકાતા, ભારત માતા તમારી છે...

હજુ છે હાથમાં બાઝી, ના કરશો લાલસા જાજી
"કેદાર" ના ટળશે બરબાદી, ટાણું ક્યાં રોજ આવે છે...

ભાવાર્થ:-મિત્રો,ભારતમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી ચાલતીહે છે, એટલે લખાયું કે ભારતનું બંધારણ કેવું છે ? તમે પોતે તમારા રાજા નિયુક્ત કરી શકો છો, અને એ પણ પાંચ વરસ માટે, જો એ બરાબર ન લાગે તો પછી પાછા બીજાને લાવી શકો. પણ છતાં ભ્રષ્ટ, અયોગ્ય નેતા કેમ ચૂંટાઈ આવે છે? અને આપણે છાજિયાં લેતા રહીએ છીંએ, આ ભૂલ કોની છે? અમુક તો છાપેલ કાટલાં, દેશ વિરોધી કાર્યો કરે, જાહેર મંચ પર દુશ્મનોને સાથ આપવાની વાતો કરે, ગુંડાઓ છાકટા બનીને ફરે, આપણને દબાવીને પૈસા પડાવે, બહેન દીકરીઓની લાજ ખુલ્લે આમ લૂંટાય, પાછા એમના સંતાનો એનાથી પણ સવાયા દાદાગીરી કરે અને આપણે રડીએ કે આ દેશ હવે રહેવા જેવો રહ્યો નથી. અરે ભાઈ આ બધું મત આપતાં પહેલાં કેમ ન વિચાર્યું? થોડી લાલચમાં કે ભ્રમમાં કેમ ફસાયા? સૌથી પહેલાંતો તમે જવાબદાર છો. તમે દેશ દ્રોહી છો, આજે ઈમાનદાર લોકો રાજકારણમાં આવતા નથી કે ચૂંટાતા નથી, ચૂંટાય તો ભ્રષ્ટ લોકો સુખે કામ કરવા દેતા નથી. જો ઇમાનદાર લોકો ચૂંટાશે તો સરકારી નોકરો પણ ફરજિયાત ઈમાનદાર બનશે, અત્યારેતો લાંચ લેતા પકડાય તો લાંચ આપીને છુટી જાય એવો તાલ છે. આ બધા દુખનું કારણ આપણે મતદાતા છીંએ. બાકી જ્યાં રામ-કૃષ્ણ જેવાને અવતાર લેવા માટે ભારતમાં આવવું પડતું હોય એ ભૂમી રહેવા માટે યોગ્ય ન હોય?    


 

No comments:

Post a Comment