ધન્ય એની જાત ને
જન્મ ધરી જેણે જાદવ જપિયા, ધન્ય એની જાત ને
હરિ ભજન જેને હૈયે રમતું, જપે સદા જે જગ તાત ને...
સુવાડે શ્યામ ને સમરી, કથા જે કૃષ્ણ ની કરતી, કરાવે પાન અમૃત નું, રટણ નિત રામ નું કરતી
ગળથૂથી માં જેણે ગોવિંદ ગવડાવ્યો, વંદન એવી માત ને...
ભણ્યો જે ભાવ થી ભૂધર, રચ્યો નિત રામ માં રહેતો, ન લાગ્યું મનડું માયા માં, કશી ના કામના કરતો
દીન દુખી ને દેતો દિલાસા, સાંભળી એની વાત ને...
કરે નિત સંત ની સેવા, ભળે જે ભક્ત ના ભેળો, ભજન નો ભેખ પહેરી ને, લગાવે નામ નો નેડો
પરજન કેરી પીડ પિછાણી જે, જાણે દુખી નિજ જાત ને...
ન આવે યમ તણા તેડા, સિધાવે સ્વર્ગ માં સીધો, રહે ના જન્મ ના ફેરા, સફળ અવતાર એ કીધો
" કેદાર " આવા કરમી જન તો, તારીદે સઘળી નાત ને...
સાર-ચોરાસી લાખ યોની માં ભટકતો ભટકતો જીવ જ્યારે માનવ યોની માં પહોંચે છે, ત્યારે તેને શિવ સુધી પહોંચવા નો મોકો મળે છે, અથવા તો ફરીને પાછો ચોરાસી નો ફેરો ફરવા જવું પડે તેવું પણ બને છે. જેવા કર્મો કરે તેવું ફળ મળે, કારણ કે ફક્ત માનવ યોની માં જન્મનાર જીવ પાસે સમજ, બુદ્ધિ, અને વાચા જેવી અલભ્ય શક્તિ પ્રભુ પ્રદાન કરે છે, અને માનવ ને આ ફેરા માંથી છૂટવા માટેની તક આપે છે.
-પણ મારા મનમાં એક શંકા થયા કરે કે આપણા શાસ્ત્રો એવું પણ કહે છે કે ઈશ્વર ની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, સંસાર ની એક એક ક્ષણ ઈશ્વરે ઘડ્યા મુજબ ના નિયમો પ્રમાણે ચાલે છે, પ્રભુએ અવતારો ધર્યા તે પણ પૂર્વ યોજિત તેમના નિયમો અને કોઈને આપેલા વચનો પાળવા માટેજ ધર્યા, જેમકે સ્વાયંભુવ મહારાજ મનુ અને તેમના રાણી શતરૂપા ને તેમને ત્યાં પુત્ર તરીકે જન્મ લેવાના વચન આપ્યા મુજબ રામ તરીકે જન્મ લીધો. નારદજી ને કામ વિજય કર્યાના આવેલા અભિમાન ને દૂર કરવા રચેલા વિશ્વ મોહિની ના લગ્ન ના કપટ માં મળેલા વાનર જેવા મુખથી નારદજીએ આપેલા શ્રાપ વશ પણ રામ અવતાર ધરવો પડ્યો.
પ્રભુ ના દ્વારપાળ જય અને વિજય, કે જેને પ્રભુનાજ બનાવેલા નિયમ મુજબ બ્રાહ્મણો ને ઉચિત સમય ન હોવાથી હરિ સમક્ષ જતાં રોક્યા, અને તેથી તેને બ્રાહ્મણો દ્વારા રાક્ષસ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ મળ્યો. દ્વાર પાળો ભગવાન ને અરજ કરવા લાગ્યા કે "પ્રભુ અમે તો અમારી ફરજ બજાવી, આપને આ સમયે વિક્ષેપ ન થવો જોઇએ એમ માની ને અમોએ આ વિપ્રોને અંદર જવાની અનુમતિ ન આપી, તો હે પ્રભુ અમને આવો શ્રાપ યોગ્ય નથી લાગતો" ત્યારે પ્રભુએ બ્રાહ્મણો નો શ્રાપ મિથ્યા તો ન થઈ શકે પણ જો તે પ્રભુ ને ત્રણ અવતાર સુધી વેર ભાવે ભજે તો શ્રાપનું નિવારણ થઈ જશે પણ જો પ્રેમ ભાવે ભજે તો સાત જન્મે નિવારણ થાય, એવું વચન આપ્યું. દ્વાર પાળો એ ત્રણ જન્મે જ પ્રભુ ને વેર ભાવે ભજી ને શ્રાપ મુક્ત થવાનો રસ્તો અપનાવ્યો. પહેલાં તેઓ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ રાક્ષસ તરીકે જન્મ પામ્યા, જેમને પ્રભુએ વરાહ રૂપે હિરણાક્ષ અને નૃસિંહ અવતાર ધરીને હિરણ્યકશિપુને સંહાર્યા.
બીજા અવતાર માં રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ પામ્યા, અને તેમનો મંત્રી ધર્મરુચિ વિભીષણ તરીકે જનમ્યો. રામ અવતારમાં રામે રાવણ અને કુંભકર્ણને સંહાર કરી ને વિભીષણને લંકાનો રાજા બનાવ્યો.
ત્રીજા અવતાર માં તે શિશુપાલ અને દંતવક્ર નામે જનમ્યા, જેનો કૃષ્ણ અવતાર માં પ્રભુ એ સંહાર કર્યો.
આમ અનેક એવા પ્રસંગો મળે છે કે જે પ્રભુ દ્વારા પૂર્વ યોજિત હોય, તો પછી જેમને જેમને દોષ કર્યો તે પણ પ્રભુ ની યોજના જ હોય એવું નથી લાગતું? પ્રભુની ઇચ્છા વિના જય વિજય કશું કરી શકે? બ્રાહ્મણોને રોકી શકે? અને રોક્યા તો તેણે ફરજ બજાવી હતી, તેના તો શાબાશી મળવી જોઈએં શ્રાપ નહીં, છે ની બધી ઊપર વાળાની લીલા? તો પછી આપણા કર્મોની જવાબદારી આપણી કેમ હોઈ શકે? -
જો ઈશ્વર વધારે દયા કરે તો એવી માં ના ઊદરે જન્મ મળે જે બાળક ને ગળથૂથી માંજ ગોવિંદ નાં ગુણ ગાન કરવાનાં સંસ્કાર આપે, અમૃત સમાન ઈશ્વર ભજન નું પય પાન કરાવે, હરિ રસનાં હાલરડા ગાઈ ને મોટો કરે, જે સદા ઈશ્વરના સ્મરણ માં રત રહેતો ઓય, અહર્નિશ પ્રભુ ભજન કે મંત્ર જાપ,કે પછી આપણા શાસ્ત્રો માં વર્ણવેલી નવ પ્રકારની ભક્તિ માંથી કોઈ પણ પ્રકારની ભક્તિ માં રચ્યો પચ્યો રહેતો હોય, પારકા દુખે દુખી થાય, આવો કોઈ વિરલો બને તો પછી તેને આ ચોરાસીના ફેરા ફરવાનો વારો ન આવે, જલારામ બાપા અને નરસિંહ મહેતા જેવા સંતોના કર્મોના પ્રતાપે આજે તેમની પુરી નાતને લોકો અહોભાવથી જોવા લાગ્યા છે, કે ભાઈ આતો જલાબાપા નો કે નરસિંહ મહેતાની નાતનો છે.
જય શ્રી રામ, અને રામ ભક્તો.
ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.
ખોટો નાતો
સાખી.
માનવ ભજી લે રામ ને, શાને તું ઝોકા ખાય છે. ખબર ક્યાં છે ઉમર તારી, કઈ પળ થી પૂરી થાય છે..
કરી લે રટણ શ્રી રામ નું, ફોગટ ના ફેરા ખા નહી. ભજી લે ભાવથી ભૂધર, અવર સંગ આવે નહી..
જેને રામ થકી નહી નાતો, મૂર્ખ જન ફોગટ ફેરા ખાતો..
કાવાદાવા થી કરતો કમાણી, મનમાં મેલ ન માતો
પદ મેળવવા પર ને પીડતો, લેશ નહી એ લજાતો...
ભક્ત જનોના ભાવ ન જાણે, અવળાં કરે ઉત્પાતો
સંત સભામાં આતંક આણી, ફૂલણશી છે ફુલાતો...
ધર્મ ના નામે ધતિંગ રચીને, અવળો અવરથી થાતો
મીઠી મધુરી વાણી વદી ને, ઠગતો જગત ના ઠગાતો..
ખબર નથી રઘુનાથની પાંસે, પળ પળ પાડો મંડાતો
ભૂત બનીને પડશે ભટકવું, મુક્તિ માર્ગ ના કળાતો...
ચેત ચેત નર સંત સેવા કર, કર નારાયણ નાતો
દીન "કેદાર" દામોદર ભજી લે, શીદ ભમે ભટકાતો..
એક આધાર
એક આધાર તમારો અંબા..
જાણી નિજ બાળ સ્વીકારો, હવે મારો કે પછી તારો....
મેં પાપ કર્યાં બહુ ભારી, મતિ મૂંઢ બની’તી મારી
હવે આપો શુદ્ધ વિચારો.....
હું માયા માં છું ફસાયો, મદ મોહ થકી ભરમાયો
નથી અવર ઊગરવાનો આરો......
મેં શરણ ગ્રહ્યું છે તમારું, બીજું શું જોર છે મારું
શરણાગત જાણી સ્વીકારો....
તમે અધમ ઉધાર્યા ભારી, આવી ઘડી આજ છે મારી
કરો મુજ અધમનો ઉદ્ધારો...
માં દીન "કેદાર" ઉગારો, મુજ પાપ નો ભાર ઉતારો
કરે વિનંતી દાસ તમારો.....
શા કામનું
જન્મ ધરી ને કંઈ ન કીધું, જીવન તારું શા કામ નું
હવે દેખી બુઢાપો કરે બળાપો, હવે સમજ્યે શા કામ નું...
જુવાની જોશમાં ગુજરી, નચાવ્યા નાચ નટીઓ ના
કર્યા નાટક અને ચેટક, ન જાણ્યા જાપ જતિઓ ના
મોહ માયા માં જીવન વિતાવ્યું, નામ લીધું નહી રામ નું...
કરી ના સંત ની સેવા, ગયો નહી જ્ઞાન ને લેવા
ભજન માં ભાગ ના લીધો, મેળવ્યા માન ને મેવા
રંક જનો ને ખૂબ રંજાડ્યા, ધન સંઘર્યે શા કામ નું...
બનાવ્યા બંગલા મોટા, ભર્યા ભંડાર મોતી ના
હવે-ઊઘાડો એકલો સબડે, પડ્યા સાંસા છે જ્યોતિ ના
યમ દૂતો જ્યારે દ્વારે દેખાયા, જોખમ લાગ્યું જાન નું...
હવે ના હાથ હાલે છે, શરણાઈ વાગે શ્વાસ ની
સુતો જે સેજ શય્યા પર, પડ્યો પથારી ઘાસ ની
યાદ આવી હવે ઈશ કેરી, લાધ્યું રટણ શ્રી રામ નું...
હજુ છે હાથ માં બાજી, હરિ હુકમ નું પાનું છે
સુધારે સામળો સઘળું, ગતિ ગોવિંદ ની ન્યારી છે
"કેદાર" હરપળ હરિ જપી લે, સ્મરણ કરી લે શ્યામ નું...
ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.
ભરોંસો
તારે ભરોંસે નાવ છે, પ્રભુ તાર તાર તું
ડૂબે ના મારી બેડલી, સાચો સુકાની તું...
સંસાર ના ભવ સાગરે, ભટકે છે મારી નાવડી
સૂઝે દિશા ન શામળા, એથી ઉગાર તું...
વાયુ ભરાયો વહેમ નો, સંયમ ના સઢ મહી
છટકે સુકાન હાથ થી, એને સંભાળ તું...
મારું હલેસા હાથ થી, મોજાં મટે નહિ
પાણી ભરાયા પાપ ના, એને ઉલેચ તું...
ભાળું નહિ ધ્રુ તારલો, શાથી દિશા સૂઝે
માયા વમળ થી માધવા, આવી ઉગાર તું...
સોંપ્યું સુકાન શ્યામ ને, ભૂધર ભરોસા પર
"કેદાર" દીન ની નાવડી, કાંઠે લગાડતું...
ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.
દુવિધાકેમ રે ભરોંસો તારો આવે, દેવકી ના જાયા..કેમ રે...
ખોટાં ખોટાં વચનો તારાં, ખોટા તારા વાયદા
ખોટાં ખોટાં ખેલ કરાવે...
પાંચાળી કેરાં પ્રીતમ, પટ પૂરાં પૂરિયા
ગોપીઓ ના ચીર ને કાં ચોરાવે....
ગીતાના જ્ઞાન ગોવિંદ, પાર્થ ને પઢાવ્યા
પણ-રણ છોડી રીતો કાં ભુલાવે...
ટિટોડી કેરાં કેશવ, ઈંડા ને ઉગાર્યા
પણ-કાળ યવન કપટે કાં મરાવે....
સૃષ્ટિ ના સર્જન હારા, હાની મરણ [તારા] હાથમાં
તો- દ્વારિકા ને દરિયો કાં ડુબાવે...
"કેદાર" કનૈયા તારી, લીલા ને શું જાણશે
મથી મથી મનડા ને મૂંઝાવે..સાર-ભક્તો ઈશ્વરની આરાધના તો અનેક પ્રકારે કરતાજ હોય છે, પણ માનવી અલગ અલગ ભગવાન ને અલગ અલગ રીતે ભજતો હોય છે. કોઈ દેવાધી દેવ શિવ ને ભજે, કોઈ પૂર્ણ પુરુષોત્તમ રામ ને ભજે, એજ રીતે વૈશ્નવો અને ગોપીઓ કૃષ્ણને ભજે છે, પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરે છે કાના પર, છતાં કૃષ્ણ તો સોળ કળાના છે ને? અનેક કાવા દાવા કરે, અનેક ખેલ જાણે, રાસ પણ રમાડે અને યુદ્ધ પણ કરે, એનો કોઈ ભરોંસો થાય નહીં, કારણ કે એ કદમ ના જાડ પર ચડી ને ગોપીઓના વસ્ત્રો નુ હરણ પણ કરે, અને જ્યારે પાંચાળી પોકાર કરે ત્યારે અખૂટ વસ્ત્રો નો ભંડાર પણ હાજર કરીદે.
કુરુક્ષેત્રમાં અર્જુન ને વિરાટ રૂપ બતાવીને ગીતાના જ્ઞાન આપે અને યુદ્ધના નિયમો પણ સમજાવે. યુદ્ધ ભૂમિમાં ટિટોડીના ઈંડાને હાથીના ગળે લટકતો ઘંટ ઢાંકીને ઊગારનાર કાળયવન ને કપટથી મરાવી પણ શકે. જ્યારે કાળયવન નામનો યવન યાદવો સાથે ભયંકર યુદ્ધ કરતો હતો, કૃષ્ણ ને લાગ્યું કે આ યવન સીધી રીતે હાર પામશે નહીં, ત્યારે તેઓ યુદ્ધ ભૂમિમાંથી ભાગવા ભાગ્યા છે એવો દેખાવ કરીને એક ગુફામાં સંતાઈ ગયા, એ ગુફામાં મુચકુંદ નામનો રાજા સૂતો હતો, કૃષ્ણ ભગવાને પોતાનું વસ્ત્ર તેના પર ઓઢાડી દીધું, કાળયવન સમજ્યો કે કૃષ્ણ ઢોંગ કરીને સુતા છે, તેથી તેણે મુચકુંદ રાજાને લાત મારી, મુચકુંદ રાજાએ ક્રોધ ભરેલી દ્ગષ્ટિથી જોયું. મુચકુંદના કોપાગ્નિથી કાલયવન તરત જ બળીને ભસ્મ થઈ ગયો. જ્યારે જરાસંઘ સાથે યુદ્ધ થયું ત્યારે હરેક રણ નિતી જાણનાર કૃષ્ણ ને રણ માંથી ભાગવું પણ પડેલું, અને તેથી તેઓ રણછોડ કહેવાયા.
સમગ્ર સૃષ્ટિ નું સર્જન કરનાર, અને "દૃષ્ટિ વિલાય, સૃષ્ટિ લય હોઈ" જેની ફક્ત આંખ ત્રાંસી થાય ત્યાં સમગ્ર સૃષ્ટિ ઓગળીને નાશ પામે એવા કૃષ્ણે પોતાના માટેજ સ્થાપિત કરેલી સોને મઢેલી દ્વારિકા નગરી ને સમુદ્ર ડુબાવી શકે ખરો?
આ છે નટખટ નંદલાલ, માખણ ચોર, ગોપીઓ ની મટકી ફોડનારો, ગાયો ચરાવનાર, રાસ રચયિતા, રમણગર, બલી રાજાનો પહેરેદાર, અને પાર્થ નો સારથી, વિરાટ ભગવાન કૃષ્ણ, એની લીલાને મારા જેવો પામર પ્રાણી શું સમજી શકે?
બસ બોલો જય શ્રી કૃષ્ણ.
ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.
સ્વાર્થ ની સગાઈ
સાખીઓ
સગા ને સ્નેહીઓ સઘળા, સ્વાર્થ મહીં ગરકાવ છે. સંબંધ છે શ્વાસ સાથે નો, પછી ક્યાં યાદ રાખે છે
રડે સૌ રાગ તાણી ને, મલાજો મોત નો કરવા. સમય જાતાં વિસારી દે, પછી ક્યાં યાદ રાખે છે....
સ્વાર્થ તણી છે સગાઈ, જગત માં બધી.....
સ્વાર્થ ની સાસુ સ્વાર્થ ના સસરા, સ્વાર્થ તણી કોઈ કોઈ માઇ....
૧-પુત્ર કમાણી કરી ઘર લાવે તો, દીપક કુળ ગણાઈ
શરીર ઘટે કે રોગ સતાવે તો, બોજ બને ઘર માંઈ......
૨-માત પિતાની સેવા કરતો-કેમકે-, થઈ નથી ભાગ બટાઈ
વારસો મળતાં વસમા લાગે, હવે ડોસો ને ડોશી છે ગંધાઈ...
૩-હરખે સ્વામી હાર ઘડાવે તો, સેવા કરતી સવાઈ
ભાગ્ય ફરે ને ભૂખ સતાવે તો, નિશ દિન કરતી લડાઇ...
૪-પુત્રી કેરાં પાય પખાળે તો, વહાલો લાગે જમાઈ
જો સૂત નારી સંગે હસે તો, લાજ કુટુંબ ની લૂંટાઈ...
૫-દીન "કેદાર"પર દયા દરશાવી મારી, અળગી કરો અવળાઈ
સ્વાર્થ સઘળા મારા મનથી મટાડી, પ્રેમ થી લાગુ હરિ પાઇ....
સાર-આ જગતમાં મોટા ભાગે બધી સગાઈ સ્વાર્થ થીજ ભરેલી હોય એવું આપણને દેખાઈ આવે છે. એ પણ ત્યાં સુધી કે કોઈ કોઈ જનેતા પણ સ્વાર્થ થી ભરેલી દેખાય છે. સાસુને તો પોતાની પુત્રી પ્રત્યે સ્વાર્થ હોય, તે સહજ માનવ સ્વભાવ ગણાય. પણ મા? ક્યારેકતો બે પુત્રોમાં પણ મા ની અલગ અલગ લાગણી દેખાયછે.
૧-પુત્ર ને સારી નોકરી કે ધંધો હોય, સારી આવક હોય, બધા માટે ભેટ સોગાદો લાવતો હોય, તો તેના વખાણ કરવામાં કશી કમી રહેતી નથી. એજ પુત્ર ને સંજોગો વસાત, કે કોઈ રોગ વસ નોકરી કે ધંધામાં આવક બંધ થાય, દેણું થવા લાગે કે સારવાર નો ખર્ચ વધે તો તે ઘરમાં તો બોજ બનેજ, પણ આ હળાહળ કળિયુગમાં કોઈ કોઈ માં પણ પુત્રને તરછોડવા લાગે છે.
૨-પૈસાપાત્ર ઘર હોય, મા બાપ પાસે સારો એવો ધન નો ભંડાર હોય, અને એથી પણ વિશેષ કે મિલકત માં ભાઈઓનો ભાગ ન પડ્યો હોય,ત્યાં સુધી પુત્રો અતિશય પ્રેમ થી માં બાપ ની સેવા કરે, પણ જેવો ભાગ પડી જાય, હિસ્સો વહેંચાય જાય, પછી કોઈ મા બાપ ને સાંચવવા પણ તૈયાર થતા નથી.
૩-પતી પોતા માટે ઘરેણા ઘડાવી લાવે, સારી સારી ભેટ સોગાદો લાવે, કે પડ્યો બોલ ઉઠાવતો હોય તો પત્ની અર્ધાંગની બની ને રહે છે. પણ ભાગ્ય વશ નાણાભીડ આવે, માગણીઓ સંતોષી શકાય નહિ, તો પછી એજ પત્ની કર્કશા નારી બનીને ઘરને નરક બનાવીદે છે.
૪-જમાઈ એવો મળ્યો હોય કે પોતાની પુત્રીના પડ્યા બોલ પાળતો હોય, સ્વાસ્થ્ય બગડે તો સારવાર કરવામાં કોઈ કચાશ રાખતો ન હોય, તો આવા જમાઈ મળવા બદલ ભગવાન નો પાળ માને છે.પણ જો આજ લક્ષણ પુત્રમાં દેખાય, તો પત્ની નો ગુલામ ગણી ને ઉતારી પાડવામાં આવે છે.
૫-પણ હે પ્રભુ, આવી કોઈ પણ સ્વાર્થ ની ભાવના મારામાં ન આવે, નિઃસ્વાર્થ ભાવે જગત ને જોઇ ને તારા ગુણગાન કરતો રહું એજ આશા રાખું છું.
ફોટો ગુગલના સહયોગથી સાભાર.