જેણે મારી માયા ને લાતો, ભરતજી, શાને ન સંત કે'વાતો..
રાજ રઘુ નું અભરે ભરેલું, યુગ સુવર્ણ નો જાતો
ઇંદ્ર જેવા ને પણ ઈર્ષા આવે, વૈકુંઠ થાતી જેની વાતો..
સ્વર્ગ સમું સૌ સુખ સવાયું, દ્વેષ ન દ્વાર ડોકાતો
એવા અવધ ની ગાદી માટે જે, લેશ ન દિલ લલચાતો..
માયા ત્યાગી મહેલો ત્યાગી, ઝૂંપડે વિતાવી રાતો
માતા માનુની મેવા ત્યાગી, વન ફળ વીણી વીણી ખાતો..
ચૌદ વરસ જેણે સાધુ બની ને, તોડ્યો જગ થી નાતો
પાદુકા કેરું પૂજન કરી ને, હૈયે અતિ હરખાતો..
ભક્ત ભરત થી મુનિ જન મોટાં, વેદ ની કરતાં વાતો
બ્રહ્માજી જેનો આદર કરતાં, "કેદાર" ગુણલા ગાતો..
સાર-મારા ગુરુ સમાન કવિ શ્રી "દાદ" શ્રી દાદુદાન ગઢવીએ લક્ષ્મણ પર એક
પુસ્તક લખ્યું છે. એ પુસ્તકમાં લક્ષ્મણ વિષે એટલી છણાવટ કરી છે કે ઘડીભર
વિચારતા કરીદે કે, લક્ષ્મણ રામથી કોઈ પણ રીતે ઉતરતા જણાતા નથી એવું લાગે.
એક મહા ભક્ત, મહા સંત,ત્યાગી,સેવાભાવી.
અયોધ્યા એક એવું રાજ્ય હતું કે જેની જાહોજલાલી, ઐશ્વર્ય ની ચર્ચા ઇંદ્ર
સભામાં પણ થતી અને કદાચ ઇંદ્રને પણ તેની ઈર્ષા થતી હશે. અયોધ્યામાં રાગ
દ્વેષ જેવા કોઈ પણ ખરાબ પરીબળો ને પ્રવેશ મળતોજ નહીં. ફક્ત સુખ.સંપતી અને
ભક્તિનોજ વાસ રહેતો. એવા અવધ ની ગાદી ની લાલચ કોણ ન કરે? પણ ભરતજીએ
ફૂટબોલ ના દડાની જેમ એ લાલચ ને લાત મારી દીધી. એટલુંજ નહીં, મહેલોનો પણ
ત્યાગ કર્યો, સઘળા સુખ સાયબી, સાત્વિક ભોજન, અરે પત્ની ને પણ મહેલમાંજ
મૂકીને નગર બહાર ઝૂંપડી બાંધીને રહ્યા. બસ એકજ વિચાર, કે મારો રામ વનમાં
કષ્ટો ભોગવતો હોય, વન ફળ વીણી વીણી ને પેટ ભરતો હોય, ત્યારે હું મહેલોમાં
એશોઆરામ ન કરી શકું,
ભરતજી જ્યારે રામજીને મળવા અને પાછા ફરવાની વિનંતી કરવા ચિત્રકૂટ
પધારેલા, ત્યારે રામજીએ ખુબજ સમજાવેલા, પણ અંતે રામજીની પાદુકા સાથે
લાવેલા. તે પાદુકાને રાજ ગાદી પર પધરાવીને તેની પૂજા કરીને, ચૌદ વરસ સાધુ
જેવું જીવન વિતાવ્યું. એ દરમિયાન અનેક સંતો મહંતો અને ઋષિ મુનિઓ ભરતજી
પાસે સત્સંગ કરવા પધારતા. અને બ્રહ્માજી જેવા પણ જેનો આદર કરતા હોય
તેનાતો ગુણ ગાન કોણ ન ગાય?
જય શ્રી ભક્ત ભરતજી.
No comments:
Post a Comment