માનવ કેરો દેહ મળ્યો છે, ચોરાશી તરવા તને
માયામાં જો મોહી રહ્યો તો, મુક્તિ ક્યારે મળશે તને...
બચપણ મહીં માં બાપની, માયા તને વળગી રહી
ભણ્યો તું ભાવ થી ભેરુ, ભગવાન ને જાણ્યો નહી
પછી આવી યુવાની, થઈ ને દીવાની, મદ થકી મળવા તને...
મળ્યા છે માન ને દોલત, મળ્યા નોકર અને ચાકર
નથી દુખી કોઈ વાતે, રહે છે મહેલ માં જાકર
મળ્યું છે મોટું નામ તુજને, ભક્તિ ક્યારે મળશે તને...
થઈ જ્યારે ઉમર તારી, થયો નિવૃત તું તન થી
સંસાર કેરા સુખ માં, ચીટકી રહ્યો મનથી
યાદ ન આવી ઈશ કેરી, ભૂલી ગયો ભગવાન ને...
અવસર તને આપ્યો હતો, કરવાને ભક્તિ ભાવ થી
સમજી શક્યો નહી સાન માં, મોકો ગુમાવ્યો હાથ થી
"કેદાર" પારખ કોક નીકળે, જાણી લે જે જગ તાત ને...
સાર-સંતો, મહંતો, શાસ્ત્રો અને વેદો પણ કહે છે કે જીવ ચોરાસી લાખ યોની
માં ભટકતો ભટકતો, અનેક કષ્ટો ભોગવતો ભોગવતો જ્યારે ભગવાન ને અનેક રીતે
રિઝાવે છે, મનાવે અને પ્રાર્થનાઓ કરે છે, ત્યારે પ્રભુ દયા કરીને આ દેવો
ને પણ દુર્લભ માનવ દેહ આપે છે. સંતો, મહંતો અને યોગીઓ પોતાના તપ ના બળે
પોતાના પૂર્વ જન્મોનું જ્ઞાન મેળવીને આ ઘટના ચક્રની વાતો જાણી લે છે, અને
બીજાને પણ જણાવીને યોગ્ય જીવન જીવવાનું માર્ગ દર્શન આપે છે. અને માનવીને
મોક્ષ મેળવવા શું શું પ્રયત્નો કરવા તે બતાવતા રહે છે, જો માનવી એ
ઉપદોશોનું પાલન કરે અને પ્રભુને ભાવ સહિત ભજતો રહે તો જરૂર મોક્ષ પામે
છે. પણ ઘણા મહા માનવો નરસિંહ મહેતાની જેમ "હરિના જન તો મુક્તિ ન માંગે,
માંગે જનમો જનમ અવતાર રે.." ની રાહે ફરી ફરી જન્મો માંગીને હરી ભક્તિ
કરવાની નેમ રાખતા હોય છે. માનવ દેહ એટલાં માટે દુર્લભ છે કે ફક્ત આ દેહ
માંજ વિચારવાની શક્તિ, વાણી, અને અનેક કર્મો કરવાની આવડત મળે છે. જેમાં
સારા કે ખરાબ કોઈ પણ કર્મો કરી શકાય છે. આ દેહ થકી સ્વર્ગ પણ મેળવી શકાય
છે, અને નરક પણ મેળવી શકાય છે. મોક્ષ પણ મેળવી શકાય છે, અને પાછો ચોરાસી
નો ફેરો પણ મેળવી શકાય છે. માટે સંતો, મહંતોએ આપેલા જ્ઞાન નો લાભ લઈને
મોહજાળમાં પડ્યા વિના મુક્તિના માર્ગે ચાલવું.
બચપણમાં મા બાપની માયા લાગે, પછી ભણતરથી જ્ઞાન મેળવવાનો સમય આવે, ત્યાર
બાદ યૌવન અને લગ્ન, અને માયાના બંધન આવે ત્યારે ભગવાનની પ્રાર્થના કરવાનો
સમય ન રહે.
પછી કામ ધંધો, માન મર્તબો, નોકર ચાકર, ગાડી બંગલા માં જીવ એવો અટવાઈ જાય
કે ભક્તિ કરવાનું યાદ પણ ન રહે અને સમય પણ ન રહે, હા ક્યારેક સમાજમાં
દેખાવ કરવા ખાતર અને પોતાને મોટા ભક્ત બતાવવા માટે હોમ હવન અને યજ્ઞનો
દેખાવ કરીને પ્રદર્શન કરવા પડે.
ત્યાર બાદ ઉમર થતાં શરીર થોડું ઘસાય, કમજોરી આવે, નજર નબળી પડે ત્યારે
નોકરી ધંધામાંથી તો નિર્વૃતિ લઈલે, પણ મના તો સદાય માયાને વળગેલુંજ રહે,
માયાપતી યાદ ન આવે.
આવો રૂળો અમૂલ્ય અવસર ઈશ્વર આપે પણ તેની જાણ જીવને ત્યારે પડે છે, જ્યારે
વૃદ્ધાવસ્થા આવે, બિમાર પડે, યમના દૂતો નજર સામે દેખાવા લાગે, શ્વાસની
શરણાઈ વાગવા લાગે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોવાથી આ સમજણ નકામી
નીવડે છે. પણ એવા પણ જીવાત્મા આ જગતમાં જન્મે છે કે જે જન્મથીજ ગર્ભમાં
ઈશ્વરને આપેલા કોલ ને યાદ કરીને પોતે તો તરીજાય છે, બીજાને પણ તારતો જાય
છે.
ઈશ્વર આ સમજ સર્વે જીવ માત્રને આપે એજ અભ્યર્થના સહ.
જય શ્રી રમ.
રચયીતા:
કેદારસિંહજી મે. જડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com
No comments:
Post a Comment