એક અરજી
નંદ લાલા એક અરજ તું સાંભળ મારી
નિશ દિન તારાં નામ જપું હું સેવા કરૂં તમારી..
પ્રાત:સમય જ્યાં જાગું નીંદરથી, લેજો શરણ લગાડી
ગોવિંદ ગોવિંદ ગાન કરૂં હું, પ્રીતમ પાય પખાળી...
માયા માં મન રહે ભટકતું, રાગ દ્વેષ લત લાગી
મોહ વશ મારી મતિ મૂંઝાણી, લેજો હવે તો ઉગારી...
દીન દુ:ખી ને આપું દિલાસા, સમજુ પીડ પરાઈ
જાણે અજાણે કોઈના દિલ ના દુભાવું, રાખો શુભ મતિ મારી...
સાચું ખોટું તું જ સુઝાડે, ભય લાગે તો એ ભારી
સર્વે કર્મો મારાં અર્પણ તુજ ને, માટે-કરજો વાત વિચારી...
અંત સમય જ્યારે મારો આવે, મનમાં નાચે મોરારી
વિઠ્ઠલ વિઠ્ઠલ જપતાં પડજો, કાયા "કેદાર" મારી...
સાર-હે ઈશ્વર, સવાર સવારમાં મારી આંખ ખૂલે, ત્યાં આપ મારા મનને આપના સ્મરણમાં લીન કરીને આપના ભજનમાં પરોવી દેજો. પ્રભુ આપે એવી મોહ માયા સંસારમાં બનાવી છે કે મારું મન સદા તેમાં ભટકતું રહે છે, પણ મારી મતિને સદ માર્ગે વાળજો. કોઈ દીન દુખિયાની તકલીફ સમજીને તેને કામ આવું, અજાણતાં પણ કોઈના દિલને ઠેંસ ન પહોંચાડું, એવી સદ્બુદ્ધિ આપજો. જોકે પ્રભુ માનવ જે કંઈ પણ કરે છે, તે તો આપનીજ ઈચ્છા થી થાય છે, આપજ બધું કરાવો છો, આપની ઇચ્છા વિનાતો પાંદડું પણ હલતું નથી, માટે હે ઈશ્વર હવે આપ મારા દ્વારા જે કંઈ કરાવો તેની જવાબદારી પણ આપેજ લેવી પડશે, માટે સમજી વિચારીને મને કર્મો કરાવજો પ્રભુ.
પણ એક ખાસ વિનંતી, જ્યારે મારો અંત સમય આવે ત્યારે હું અવિરત આપના જાપ કરતો કરતો આ જન્મ પૂરો કરું અને ફરીને માનવ અવતાર મેળવું, ફરી ને તારો ભક્ત બનું એજ અભ્યર્થના.
ફોટો ગુગલના સહ્યોગથી સાભાર.
જાણે અજાણે કોઈના દિલ ના દુભાવું, રાખો શુભ મતિ મારી...
ReplyDelete