Sunday, February 2, 2014

મિત્રો, એક સ્નેહીજનની મદદથી હું કોમ્પ્યુટર નો ઉપયોગ આવા શુભ કાર્ય માટે શીખ્યો અને આ માધ્યમથી મારી રચનાઓ અહીં મૂકવા લાગ્યો, ત્યાર બાદ ઘણા સમય પછી પણ મિત્રો જોડાયા જેમને પહેલાં મૂકેલી રચનાઓ વિષે જાણ ન હોઈને તે વાંચવા ન મળી હોઈ તેઓ માટે પણ આજથી મારી ભજનાવલી
 "દીન વાણી" ના આરંભથી અહીં નવેસરથી રચનાઓ અને લખાણો મૂકવા જઈ રહ્યો છું ત્યારે આપનો સહકાર અને પ્રોત્સાહન ની આશા રાખું છુ.
૧.૨.૧૪
                                                             બે બોલ

સુજ્ઞ મિત્રો અને સ્નેહીઓ, 
માતાજી ની અસીમ કૃપાથી આપના હાથમાં આ "દીન વાણી" મૂકતાં હર્ષ અનુભવું છું, છતાં હું મારી જાત ને કવિ રૂપે આપની સમક્ષ રજૂ કરવા નથી માંગતો. કરણ કે "રામ ચરિત માનસ" જેવા મહા ગ્રંથ ના રચયિતા, સંત શિરોમણિ તુલસીદાસજી મહારાજ પણ લખતા હોય કે "કવિ હું ન મેં ન ચતુર કહાવું, મતી અનુરૂપ હરિ ગૂન ગાઉ" તો પછી મારી શી વિસાત ? છતાં માતાજી ની કૃપા થી મારા થકી જે કંઈ લખાયું છે તે આપના હાથમાં ભક્તિ ભાવ સાથે ધરતાં આનંદ અનુભવું છું.

બચપણ થી મને ગાવા નો શોખ, રાજકોટ આકાશવાણી પર પણ મારાં શિક્ષક મનુભાઇ રાવળ ના નેતૃત્વ હેઠળ ગાયેલું, અને સ્કૂલ કૉલેજો માં ફિલ્મના ગીતો પણ સ્ટેજ પરથી ગાયેલા, પરંતુ મારા માતુશ્રી ના ભક્તિ ભાવે મને ગરબાઓ તરફ વાળ્યો. પણ મારા કાવ્ય લેખન ની શરૂઆત અનોખી રીતે થઈ.

ઘણા વખતથી હું ગાંધીધામ માં ઓસ્લો સોસાયટી ના "નવદુર્ગા ગરબી મંડળ માં ગરબાઓ ગવડાવતો. (માનદ સેવા આપતો) જ્યારે ગરબા ની રંગત જામે ત્યારે ઘણા ફાસ્ટ લય ના શોખીનો તરફ થી હાલાજી તારા હાથ વખાણું જેવા શૌર્ય ગીતો અને અર્થ વિનાના જોડકા જેવા ગરબાઓ ગાવાની ફરમાઇશ થતી. પરંતુ મને માતાજી ના ગરબાઓ માં આવી ભેળસેળ કરવાનું રુચતું નહિ, છતાં સર્વે શ્રોતાઓ ને ખુશ કરવા ખાતર મેં એજ ઢાળ પર "શું વખાણું" કાવ્ય જેવું જોડકણું બનાવી ને રજૂ કર્યું, જે ફાસ્ટ લય ના શોખીનો ને લય અને ઢાળ ના હિસાબે ગમ્યું, પરંતુ જે  જ્ઞાની લોકો શબ્દો માં પણ ભારોભાર રસ લેતાં હતાં તેમને પણ ગમ્યું. એમાં એ આ મંડળ ના પ્રમુખ અને ભક્તિ ભાવ થી ભરેલા શ્રી મોહનભાઇ ઠક્કરે આ રચના ના એક એક શબ્દ ને તોલ્યો, માપ્યો અને માણ્યો, સાથોસાથ મને પ્રોત્સાહન પણ આપ્યું.

આ હતી "દીન વાણી" ની શરૂઆત. ત્યાર બાદ તો એક પછી એક રચના બનતી ગઈ અને આ મંડળમાં રજૂ થતી રહી, અને હવે જોડકા મટીને ગરબા બનતા રહ્યા અને ગવાતા ગયા,  અને તેથી મારા ગરબાઓ માં "નવદુર્ગા ચોક"નો ઉલ્લેખ વારંવાર થતો રહે છે.
ગરબાઓ ની રચના કરતાં કરતાં મને ભજનો ની રચના કરવાની પ્રેરણા મળી અને "શું માંગું ?" થી શરૂઆત કરી.

મારી આ સફળતા માં ત્રણ વિભૂતિઓ નો ફાળો છે, જેમનો હું ઋણી છું.

પ્રથમ તો મારાં માતુશ્રી, જેમના માટે હું કોઈ પણ શબ્દ નો પ્રયોગ કરૂં તે નાનો પડશે.

બીજા છે પ. પૂ. શ્રી નારાયણ નંદ સરસ્વતી, જેઓ ભજન ગાયકી માં ભારત અને ભારત બહાર પણ એટલાંજ લોકપ્રિય છે, જેમના ગળામાં જાણે સાક્ષાત્ સરસ્વતીજી બિરાજમાન છે, એવા નારાયણ બાપુએ જ્યારે મારી રચનાઓ વાંચી ત્યારે મને પોતાના આશ્રમે તેડાવ્યો અને પ્રેમથી મારાં ભજનો સાંભળ્યા અને મને આશીર્વચન ની ભેટ સાથે પ્રોત્સાહિત કર્યો.

અને ત્રીજા છે લોક લાડીલાં કવિ શ્રી "દાદ" જેણે "કૈલાસ કે નિવાસી, અને કાળજા કેરો કટકો મારો" જેવી અમૂલ્ય રચનાઓની ભેટ આ સમાજ ને આપી છે. 
આમતો કવિ શ્રી સાથે મારે જુનો પરિચય પરંતુ ૧૯૯૧ માં કવિ શ્રી અમારું આમંત્રણ સ્વીકારી ને ૫૧૨ ગુજ. હાઉ. બોર્ડ, કે જ્યાં હું ત્યારે રહેતો, ત્યાં ગરબા ની રસ લહાણ કરવા પધાર્યા,  ત્યારે એક જ મંચ પરથી પોત પોતાની રચનાઓ રજૂ કરવાનો અમૂલ્ય મોકો મળ્યો, અને તે પણ લગાતાર નવ નવ દિવસ સુધી, એ સમય દરમ્યાન કવિશ્રીએ મારી રચનાઓ નો અભ્યાસ કર્યો. અને મને માર્ગદર્શન સાથે પ્રોત્સાહન ની અમૂલ્ય ભેટ આપી. સાથોસાથ મારી રચનાઓ પ્રકાશિત કરવા નું સૂચન પણ કર્યું.
આવા મહાન કવી શ્રી ના પ્રોત્સાહન ને લીધે જ આજે "દિન વાણી" ("દીન" મેં મારું તખલ્લુસ રાખ્યું છે.)હું પ્રકાશિત કરી શક્યો છું. જેમાં મેં પ્રભુ ના નામના પ્રચાર અને પ્રસારની આશા રાખી છે, જે આપને ભગવાન ના ભજન અને સ્મરણ કરવામાં મદદ રૂપ થશે તો હું મારી જાત ને ધન્ય ગણીશ.

એજ 
કેદારસિંહજી મે. જાડેજા
"દીન" ના જય માતાજી
ગાંધીધામ
તા.૨૫.૮.૯૨  

No comments:

Post a Comment