શું માંગું ?
હવે પ્રભુ શું માંગું કિરતાર જી. હરિ તેં તો આપ્યું અપરંપાર...
મહેર કરીને માનવ કુળ માં, આપ્યો તેં અવતાર જી.
પોષણ કાજે પ્રભુ તેં આપ્યું, અન્ન અન્ન દાતાર..
જલ તેં આપ્યું સ્થલ તેં આપ્યું, વસુ નો કેવો વેપાર જી.
મેઘ રાજાની મહેર આપી તેં, વાયુનો રૂડો વહેવાર...
મુખ દીધું તેં માનવી ને, પણ એમાં એ ઉપકાર જી.
વાણી આપી વનમાળી તેં, રીઝવવા કિરતાર...
કીડી નો કરતા હાથી નો ભર્તા, વિશ્વેશ્વર તું વિરાટ જી.
મુજ ગરીબની ગરજ કેટલી, શાને કરૂં હું ઉચાટ..
આપે અઢળક અમને કે પછી આપે તું ઉત્પાત જી
તારી પ્રસાદી માની પ્રભુજી, સ્વીકારી લઉં સરકાર...
એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન"કેદાર" જી.
હરપળ હર ક્ષણ હરિ ભજી લંવ, એટલો કર ઉપકાર...
સાર-માનવી જો ઈશ્વરે જે આપ્યું છે તેનું મૂલ્ય સમજવા લાગે તો ક્યારેય ભગવાન પાંસે કશુજ માંગશે નહીં. દેવતાઓને પણ દુર્લભ માનવ દેહ, અને તેના ભરણ પોષણ માટે અન્ન,જલ અને વાયુ આપ્યા, વળી અન્ન જલ અને વાયુ ના ઉત્પાદન અને સંગ્રહ માટે વાતાવરણ, ધરતી અને સમુદ્ર. અને તે પણ નિયંત્રિત રીતે.વારે વારે વાવાઝોડાં આવતા હોય તો? વારે વારે અતિ વૃષ્ટિ થતી હોય તો? વારે વારે સુનામી આવતી હોય તો? ના, બધુંજ નિયંત્રણમાં, હા આ ક્રમમાં આપણે વિક્ષેપ કરીને સમતોલન બગાડીએ છીએ. વાયુના પરિભ્રમણથી વાદળા બને અને વરસાદ આવે, જમીનમાં એક બીજ વાવો હજારોની સંખ્યામાં ઉત્પન્ન થાય, મોટાભાગની વનસ્પતિ તો કુદરતજ ઉત્પન્ન કરે, વાવવી ન પડે. અને આ ઉત્પન્ન થયેલા પોષક દ્રવ્યોને ઉદર સુધી પહોંચાડવા માટે મુખ,તેમાં દાંત, પછી તેમાં પાચન રસ ભેળવીને ઊર્જા ઉત્પન્ન કરીને શક્તિ પેદા કરવી. અરે આમાંથી એકાદ અવયવ ન હોવાની માત્ર કલ્પનાતો કરો? હા જે કુદરતે સહજ આપ્યું છે તેની કદર નથી થતી.
મુખતો દરેક જીવને ભગવાને આપ્યુંજ છે, પણ માનવી માટે એક અનેરો ઉપકાર કરીને વાણી આપી, કે જેથી આપણે ભગવાનનાં ભજન કરી શકીએ. પણ કેટલા ટકા આ ઉપકારને સાર્થક બનાવીને તેનો બદલો વાળવાની કોશિશ કરીએ છીએ? કીડીને કણ આપનારો હાથીને મણ મોઢે ભોજન આપેછે. એ વિરાટ પાસે મારા જેવા એક પામર ની એકજ માંગછે કે હે પ્રભુ, બસ હર પલ હર ક્ષણ મને તારા નામનું ભજન શ્વાસે શ્વાસે ચાલતું રાખજે એજ અભ્યર્થના.
ફોટો ગુગલના સહયોગથી સાભાર.
No comments:
Post a Comment