કેવટ પ્રસંગ.
મેં તો જાણી લીધો ભેદ તમારો, સીતાના સ્વામી,પ્રેમે કહો પાવલાં પખાળો....
ભવ સાગર ભર તારણ હારો, માંગે આજ આશરો અમારો
નાવ માંગે હરિ પાર ઊતરવા, કેવટ મનમાં મૂંઝારો...સીતાના સ્વામી...
મર્મ તમારો જાણું હું ભગવંત, જાણું અવતાર તમારો
પ્રથમ પહેલાં પાય પખાળું, પછી કરૂં પાર કિનારો....સીતાના સ્વામી..
રાત વેળા એ કરતા લક્ષ્મણ, નૃપ સંગ વેદ ના વિચારો
વેદ નો ભેદ મેં એક જ જાણ્યો, જાણ્યો ચરણ ચમકારો.. સીતાના સ્વામી...
રજ તમારી પડી પથ્થર પર, પ્રગટ્યો ત્યાં દેહ દમકારો
જો રજ પરસે નાવ અમારી, તૂટે ગરીબ નો ગુજારો...સીતાના સ્વામી...
શીદ ગંગાજળ શુદ્ધ ગણાતું, શીદ શુદ્ધ ગંગા કિનારો
શીદને ભક્ત ગણ ભાગીરથી સેવે, જાણી લીધો વેદ વરતારો..સીતાના સ્વામી...
ગંગા કિનારે જીવન વિતાવ્યું, -તેથી- આવ્યો સમય આજ સારો
ભવ સાગરનો માલમ મોટો, કહે મને પાર ઉતારો....સીતાના સ્વામી...
આજ કિનારે બીજી ન નાવડી, અવર ઊતરવા ન આરો
પગ પખાળી પછી પાર ઉતારૂં, માંગું નહિ આપથી ઉતારો..સીતાના સ્વામી...
જો તેં જાણી લીધું નીર ગંગાનું, જાણી લીધો વેદ વરતારો
શીદ પખાળે પછી પાવલા મારાં, કરે નહિ ગંગ થી ગુજારો..સીતાના સ્વામી...
જળ ગંગા એ નીચ જન તાર્યા, કીધો હશે કૈકનો ઉગારો
અધમા અધમ હું અતિ અધમ નો, નહી કરે નીર ઉદ્ધારો..સીતાના સ્વામી...
પ્રેમ પિછાણી રઘુવીર રીઝ્યા કહે, તું જીત્યો ને હું હાર્યો
ચરણામૃત લઈ મેલ્યું મુખ માંહી, ત્યાં તો રોમે રોમ ઊજિયારો..સીતાના સ્વામી...
પરભવ કેરો કચ્છ કેવટ રિઝાવી, તાર્યા કુટુંબ પરીવારો
પાર ઉતરી પૂછે પ્રભુજી હવે, આપું તને કેવા ઉપહારો..સીતાના સ્વામી...
આજ પ્રભુજી મને શું શું ન મળ્યું, અનહદ કર્યા છે ઉપકારો
અવર ન આશ પણ એટલું માંગું, કરજો હવે એક દિ’ ઉતારો.......સીતાના સ્વામી......
આજ ગંગાજળ પાર મેં કરાવ્યાં, આવે અંત આયખો અમારો
લખ ચોરાસીના લેખા ન લેજો, દેજો મને આશરો તમારો..સીતાના સ્વામી...
દીન " કેદાર "નો દીન દયાળુ, ભક્ત કેરા ભાર હર નારો
છળ કપટ છોડી રામ જે રિઝાવે, પામે એ તો મોક્ષ નો કિનારો..સીતાના સ્વામી...
No comments:
Post a Comment