નર નારાયણ
નર નારાયણ હોવે,
યા તો કરલે સંત જન સેવા, યા હરિજન હોવે...
એક અપરાધી પાપી પારધી, સંત સમાગમ હોવે
છોડ કપટ મહા ગ્રંથ રચાયા, હરિ અનુરાગી હોવે...
બિલ્વમંગલ સુરદાસ કહાવે, જબ નિજ નજરેં ખોવે
રાસ વિહારી રાહ દિખાવે, ઘટ ઘટ દર્શન હોવે..
તુલસીદાસ મન મોહ અનેરા, નારી વશ પત ખોવે
એક શબ્દ મેં સત્ય સમજ કર, સંત શિરોમણી હોવે...
કામ ક્રોધ મદ છોડ દે બંદા, ક્યું માયા વશ હોવે
દીન " કેદાર " હરિ નામ સુમરલે, હોની હો સો હોવે...
સાર- ૧,- વાલિયો લુટારો, લૂંટ માર,શિકાર કરીને જીવન ગુજારતો, એક વખત નારદ મુનિનો સંપર્ક થયો ત્યારે નારદ મુનિએ પૂછ્યું કે તું જે આ કર્મો તારા પરિવાર માટે કરશ તે પરિવાર તારા પાપ ના ભાગીદાર છે? પણ પરિવાર આમાં ભાગીદાર ન હોવાનું જણાવતાં તે નારદજી ના ચરણોમાં પડી ગયો અને રસ્તો બતાવવા કહ્યું,બોધ મળતાં તે રામ નામમાં લીન બન્યો અને વાલ્મીકિ મુનિ બનીને રામાયણ જેવા મહા ગ્રન્થ ની રચના કરી.
૨, સુરદાસજી વિષે અલગ અલગ કથા મળે છે, એક જગ્યાએ તેમને જન્મથી જ અંધ છે એવો ઉલ્લેખ છે, જ્યારે મેં એક આધારભૂત સૂત્રો દ્વારા સાંભળવા મુજબ તેનું નામ બિલ્વમંગલ હતું, તેના કોઈ સારા કર્મો ના આધારે તેને વલ્લભાચાર્ય જેવા ગુરુ મળ્યા અને તેને સદ માર્ગે ચાલવા સમજાવ્યા. એક વખત એક ગામના પાદરે એક પાણી ભરી ને જતી સ્ત્રી પર તે મોહ પામ્યા અને તેની પાછળ પાછળ તેના ઘર સુધી ચાલ્યા ગયા, પણ સદ ભાગ્યે તેમને તેના ગુરુ ની યાદ આવતાં તેણે તે સ્ત્રી પાસે સોય મંગાવી ને પોતાની બન્ને આંખો ફોડી નાખી અને કૃષ્ણ ભજન માં લાગી ગયા.
એમની ભક્તિ એટલી પ્રબળ બની કે ખુદ કૃષ્ણ ભગવાન બાળક નું રૂપ લઈને તેમને માર્ગ બતાવતા. સુરદાસજી પણ સમજવા લાગેલા કે મને લાલો જ માર્ગ બતાવે છે, તેથી મન માં મનમાં હંસતા અને કહેતા "લાલા તું મને છેતરે છે પણ મને હવે બધી જ ખબર છે કે આ લાલો કોણ છે. હૂંતો મારા ઘટ ઘટ માં તારાં દર્શન કરૂં છું."
સુરદાસજી એ અમુક સંખ્યામાં પદો લખવાની ટેક રાખેલી, પણ એ પહેલાં જ તેમની જીવન યાત્રા સમાપ્ત થઈ જતાં ખુદ ભગવાને તેમના પદો પુરા કર્યા. સુરદાસજી પોતાના પદ ના અંતે "સુરદાસ" લખતાં જ્યારે જે પદો ભગવાને લખ્યા તેમાં " સુર શ્યામ" લખ્યું છે.
આ પ્રસંગે મને એક કોઈ સંત ના મુખથી સાંભળેલી એક સરસ વાત યાદ આવી જે લખવા નું મન થાય છે.
સુરદાસજી અને તુલસીદાસજી એક વખતે એક જંગલ માં થી પસાર થતા હતા ત્યારે કોઈ એ બૂમ પાડી કે રસ્તામાંથી હટી જાવ કોઈ હાથી ગાંડો થયો છે, તુલસીદાસજી તો પોતાની મસ્તી માં ચાલતા રહ્યા પણ સુરદાસજી લાલા ની મૂર્તિ લઈ ને એક બાજુ જતા રહ્યા. જ્યારે હાથી પસાર થઈ ગયો ત્યારે તુલસીદાસજી એ પૂછ્યું કે આપના જેવા સંત ને ભગવાન પર એટલો ભરોંસો નથી કે આપ એક બાજુ જતા રહ્યા, ત્યારે સુરદાસજીએ કહ્યું કે આપના આરાધ્ય તો ધનુષધારી છે એને હાથી નો શો ડર, પણ મારો લાલો તો હજુ નાનો છે એને તો મારેજ સાંચવવો પડે. આવી છે સંતો ની વાતો.
૩, તુલસીદાસજી ને પોતાની સ્ત્રી માટેનો મોહ અનહદ હતો, ધોધમાર વરસાદ માં પિયર ગયેલી પત્ની ને મળવા એક મુડદા ને લાકડું સમજી ને નદી પાર કરી, પણ પત્ની એ ટકોર કરી કે જેટલી મરા પર પ્રીતિ છે તેટલી પ્રભુ પર હોત તો બેડો પાર થઈ જાત, બસ આ એક જ શબ્દે તુલસીદાસ રામ મય બન્યા વાલ્મીકિ ની જેમ સરળ શબ્દો માં લોકો આસાની થી સમજી શકે તેવા રામ ચરિત માનસ ની રચના કરી અને અનેક પદો પણ લખ્યા.તુલસીદાસજી ને વાલ્મીકિ મુનિ ના અવતાર ગણવામાં આવે છે.
ઉપર નું દરેક લખાણ મારું અંગત મંતવ્ય છે જે કદાચ ખોટું પણ હોઈ શકે, તો કોઈ એ આનો આધાર લઈ ને કોઈ કાર્ય ન કરવું.
No comments:
Post a Comment