ભક્ત બોડાણો
આજે જન્માષ્ટમી ના પાવન પર્વ પર વધુ એક રચના ભગવાન કાળિયા ઠાકોરના ભક્તો ને ભાવ સહ.
નામ,વજેસંગ,પત્નિ-ગંગા બાઈ, સંવત,૧૨૧૨,ઈસ.૧૧૫૬, ૬૦ વરષ સુધી દર કાર્તીકી પુનમે દ્વારકા ગયા, ૮૦ વરષ ની ઉમરે આ પ્રસંગ બન્યો. હાથમાં જવારા વાવે. અષાઢી ૧૧ રવાના થાય,
ઢાળ:- કીડી બાઈ ની જાન ને મળતો.
સાખી-સંત મહંત કે જ્ઞાની જન, ભક્ત, વિરક્ત, નિષ્કામ
ભાગ્ય વિણ મળતા નથી, ભલે ભટકો ઠામો ઠામ.
ભક્ત ઉદ્ધારણ ભૂધરો રે, રાખે ભક્તો ની નેમ. પણ બધા એ એના પાળતો, રાખે બાળક ની જેમ
ભોળા ભક્તો નો ભગવાન છે..
ડાકોરે વસે એક દૂબળો રે, જેણે રાખેલી ટેક. પૂનમે દ્વારિકા આવતો, નહી કરતો મીનમેખ
દર્શન કરવાની એને નેમ છે..
ઘણા વખત ના વાણા વાયા, નહી તોડેલી ટેક. પણ-શરીર સૂકાણું સમય જતાં, ખૂટ્યાં મનના આવેગ
પહોંચી જરાની હવે પીડ છે..
આવતી પૂનમે કેમ પહોંચાશે, લાગે છેલ્લી છે ખેપ. સાંભળો અરજ મારી શામળા, કરૂં વિનંતી હરિ એક
તારે ભરોંસે મારી નાવ છે...
કાયા મારી શા કામની રે, જો ના પણ ને પળાય. દેહ પડે જો તારે દેવળે, માન મારું રહી જાય
દોરી તમારે હાથ છે..
દોડી દામોદર આવ્યાં રે, ઝાલ્યો બોડાણા નો હાથ. રહું સદા તારા સંગ માં, કદી છોડું નહી સાથ
ભક્ત થકી ભગવાન છે..
ઠાકોર ચાલ્યાં સંગમાં રે, બેસી બોડાણા ની સાથ. ગૂગળી ગામમાં ગોતતા, ક્યાં છે દ્વારિકા નો નાથ
નક્કી બોડાણા નો હાથ છે...
વાર ચડી જાણી વિઠ્ઠલે રે, કિધી બોડાણા ને વાત. મૂકીદે મુજને વાવમાં, પછી આવે છે રાત
તારો ને મારો સંગ છે..
ગોતી ગોતી ને ગયા ગૂગળી રે, નહી મળ્યા મહારાજ. ઠાકોર પહોંચ્યા ડાકોર માં, રહ્યાં બોડાણા ને કાજ
છોડ્યા સૌ રાજ ને પાટ છે..
જાણી સૌ ગૂગળી આવ્યાં રે, આવ્યાં ડાકોર મોજાર. આપો અમારો ભૂધરો, કીધાં આવી પોકાર
બોડાણો દ્વારિકા નો ચોર છે..
નથી હું ચોર કે નથી ધુતારો, પાળ્યો પ્રભુનો આદેશ. કહ્યું કાનુડા નું મેં કર્યું, ગુનો મારો નહી લેશ
ખોટું તમારું આળ છે..
જાણી બોડાણા ને દૂબળો રે, રાખે ગૂગળી વિચાર. હરિ બરાબર હેમ દ્યો, તોજ તારો કિરતાર
પ્રભુ ભજવાની જો હામ છે..
કહે કાનુડો કાનમાં રે, રાખ વાળી સંગાથ. તુલસી નું પાન પધરાવજે, નહી નમે તારો નાથ
તારી તે લાજ મારે હાથ છે..
તુલે તુલા ની ભાળ મંડાણી, નથી નમતું આમાં કોય. ગૂગળી પડ્યા હરિ પાય માં, પ્રભુ છોડું નહી તોય
એક તમારો આધાર છે..
એક પૂજામાં આવું દ્વારિકા, એક ડાકોર મોઝાર. આપ્યું વચન વનમાળી એ, ગુણ ગાતો " કેદાર "
ધન્ય બોડાણા તારી ટેક છે..
સાર-ડાકોરમાં બોડાણા નામે એક ભક્ત થઈગયા, કહેવાયછે કે આગલાં જન્મની અંદર તેઓ વિજયાનંદ નામે બાળ કૃષ્ણના સખા હતા, કોઈ કારણસર તેઓ ભગવાનથી રિસાઈ ગયેલા, ભગવાને પોતાના સાચા રૂપનું દર્શન કરાવ્યું ત્યારે વિજયાનંદે હાથ જોડીને કૃષ્ણની ભક્તિ આપવાની માંગ કરી ત્યારે ભગવાને આગલાં જન્મની અંદર મહાન ભક્ત બનીને જન્મ લેશે અને મોક્ષ પામશે એવું વચન આપ્યું.
ભગવાને આપેલ વચન મુજબ કળિયુગમાં વિજયાનંદનો જન્મ ડાકોર ગામ માં વિજયસિંહ [વજેસંગ] બોડાણાનાં નામે રાજપૂત કુળમાં થયો. તેમના પત્ની નું નામ ગંગાબાઇ હતું. સમય જતાં આગલાં ભવના સંસ્કારે મન ભક્તિ તરફ વળવા લાગ્યું. ધીરે ધીરે દર અષાઢી ૧૧ ના દ્વારિકા જવા રવાના થાય અને કાર્તિકી પુનમે પહોંચે, હાથમાં જવારા/ કે તુલસી વાવેલું કુંડું લે, અને પગ પાળા નીકળી પડે. એમ કરતાં કરતાં ૬૦ વર્ષ વિત્યા ત્યાં સુધી આ નિયમ જાળવી રાખ્યો, પણ ધીરે ધીરે શરીર સુકાવા લાગ્યું, સંવત,૧૨૧૨,ઈસ.૧૧૫૬,ની આ વાત, હવે તો ઉંમર પણ ૮૦ વર્ષ થઈ ગઈ હતી, આ વખતની ખેપ છેલ્લી સમજીને બોડાણાએ ભગવાનને પ્રાર્થના કરી કે નાથ, હવે ચલાતું નથી, બસ એક વખત તારા દર્શન કરી લઉં પછી માફ કરજે, હવે મારાથી અવાશે નહીં. પણ ભગવાન એમ ભક્તની ટેક અધુરી રહેવાદે? પ્રભુએ બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું કે બોડાણા, આ વખતે બળદ ગાડું લઈને આવજે, પણ બળદ કે ગાડું ક્યાં? મહા મહેનતે લોકોને સમજાવીને ગાડાની વ્યવસ્થા કરી.
જેમ તેમ બોડાણા દ્વારિકા પહોંચ્યા. થાક્યા પાક્યા રાત્રે દર્શન કરીને પોઢ્યા ત્યાં ભગવાને સ્વપ્નમાં આવીને કહ્યું કે"ભક્ત ઊભો થા, મંદિરમાં પધરાવેલી મારી મૂર્તિ લઈને તારા ગાડામાં પધરાવીદે, મારે તારી સાથે ડાકોર આવવુંછે, અને જલદીથી રવાના થઈજા" પણ અહીંતો મંદિરમાં પહેરો હોય? મૂર્તિ કેમ લેવી? પણ ભગવાન પોતે જેને સહાય કરે તેને શું નડે? મંદિરના દ્વાર ખુલ્લાં પડેલા, બોડાણા દ્વારકેશના ભરોંસે મૂર્તિ ગાડામાં પધરાવી ને રવાના થઈ ગયો.
સવાર થતાં મંગળા આરતી વખતે ભગવાન ની મૂર્તિ ન જોતાં પૂજારી ગૂગળી બ્રાહ્મણો શોધ ખોળ કરવા લાગ્યા, તપાસ કરતાં દરેક વખતે હાજર રહેતા બોડાણાની ગેરહાજરી જોતાં તેના પર શક ગયો. મંદિરમાં રહેતાં રખેવાળો સાથે બોડાણાની ભાળ લેવા તેની પાછળ દોડ્યા, અશક્ત બળદો કેટલું ભાગે? ઉમરેઠ ગામ નજીક જતાં એક વાવ આવેછે, ભગવાને બોડાણાને કહ્યું કે ભક્ત મને આ વાવ માં મૂકીદે, [ભગવાને બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું તેતો ઘણા ભક્તો સાથે બન્યું છે, પણ અહિં જાગ્રત બોડાણાને કેમ કહ્યું હશે? એની લીલા એ જાણે] આમ ભગવાનને વાવમાં પધરાવી દીધા. ગૂગળી તપાસ કરીને નિરાસ વદને પાછાં ફર્યા. આજ પણ એ વાવની પાળે ઊભેલા લીંબડાની એક ડાળ મીઠી છે એમ કહેછે.
બોડાણાને જવાતો દીધા, પણ ગૂગળી લોકોને શંકાતો હતીજ તેથી અમુક ગુપ્તચરને તેની પાછળ મોકલ્યા. બોડાણાએ ઘરે આવીને પોતાના સામર્થ્ય મુજબ ભગવાનની સેવા પૂજા કરીની પધરામણી કરી. ગુપ્તચરોએ આવીને આ સમાચાર ગૂગળીઓને આપ્યા ત્યારે બધા મંદિરના રખેવાળોના કાફલા સાથે ડાકોર આવી પહોંચ્યા, અને તે વખતે જે કોઈ આગેવાનો કે ગામના સત્તાધીશો હશે તેને ફરિયાદ કરી કે આ તમારો બોડાણો અમારા ભગવાનને ચોરી લાવ્યોછે.
સર્વે સત્તાધીશોએ કહ્યું કે અમો બોડાણાને બચપણથી જાણીએ છીએ, તે ચોરી ન કરે, બોડાણાએ પણ બનેલી ઘટના કહી સંભળાવી, પણ ગૂગળી માનવા તૈયાર ન થયા, પછી બોડાણાની આર્થિક સ્થિતિ જોતાં ગૂગલી લોકોએ એક શર્ત રાખી કે જો બોડાણા પર ભગવાન આટલા ખુશ હોય તો બોડાણો અમને આ મૂર્તિની ભારો ભાર સોનું આપીદે તો અમો સાચું માની લઈએ અને જતા રહીએ.
બોડાણા પાંસેતો ફૂટી કોડી પણ ન હતી, પણ આતો દ્વારિકાધીશ, ગંગાબાઈ પાસે એક સોનાની વાળી કેમે કરીને રહી ગયેલી, ભગવાને પ્રેરણા કરીને ગૂગળી લોકોની શર્ત બોડાણાએ માન્ય રાખી,
ગામના ચોકમાં બધા જોવા ભેગા થઈ ગયા કે હવે શું થાશે? ત્રાજવા મંગાવવામાં આવ્યા, તેમાં એક બાજુ ભગવાનની મૂર્તિ પધરાવી અને બીજી બાજુ ગંગાબાઈની વાળી, પણ તલભાર મૂર્તિ વાળું ત્રાજવું નમતું રહ્યું, ગૂગલી લોકો સમજી તો ગયા કે આ ઈશ્વરનો ચમત્કારજ છે, પણ ભગવાનને છોડવા ન માંગતા ગૂગળીઓ માટે આ એક બહાનું હતું કે મૂર્તિ હજુ નમતી છે, ત્યારે ભગવાને ફરી બોડાણાને પ્રેરણા કરી અને બોડાણાએ કહ્યું કે ભૂદેવો, બ્રાહ્મણોને દક્ષિણા આપતી વખતે સાથે તુલસી પત્ર પણ પધરાવવું પડે, જ્યાં સોનાની વાળી સાથે તુલસીનું પત્ર પધરાવ્યું ત્યાંતો જાણે ચમત્કાર થયો, બન્ને છાબડા સમાંતર થઈ ગયા, સર્વે સભાજનોએ બોડાણા અને દ્રારિકાનાથનો જય જય કાર બોલાવ્યો.
ગૂગળી બ્રાહ્મણો પ્રભુના ચરણમાં આળોટી પડ્યા કે નાથ અમારો શો ગુનો? બોડાણાને તો આપે ધન્ય કર્યો પણ અમો આપ વિના કેમ રહી શકીએ? ત્યારે ભગવાને ગૂગળી બ્રાહ્મણોને વચન આપ્યું કે ગોમતી નદીમાં તપાસ કરજો ત્યાં તમને મારી મૂર્તિ મળી આવશે, તેને મંદિરમાં પધરાવીને તમો પૂજા કરજો.
પણ બ્રાહ્મણો માન્યા નહીં, કે પ્રભુ આપ અહિં બિરાજો તો ખાલી મૂર્તિની પૂજા કરવાથી શો ફાયદો? ત્યારે ભગવાને પ્રસન્ન થઈને વચન આપ્યું કે હું એક પૂજામાં દ્વારિકા રહીશ અને એક પૂજામાં બોડાણા પાસે ડાકોરમાં. આજે પણ કહેવાય છે કે દ્વારિકા અને ડાકોરમાં એક પૂજામાં મૂર્તિમાં તેજ લાગે અને એક પૂજામાં થોડું ઓછું તેજ લાગે, જોકે આતો કોઈ વિરલા ભ્ક્તોને જ ખબર પડતી હશે.
જય રણછોડ.
જય જય ભક્ત બોડાણા
No comments:
Post a Comment