Sunday, June 3, 2018

સંત સમાગમ


                                                              સંત સમાગમ

એક સમય ની વાત છે,
તુલસીદાસજી અને સુરદાસજી બન્ને સમકાલીન, તુલસીદાસજી રામ ના મહા ભક્ત, રામાયણ ના રચયિતા, કહેવાય છે કે ખુદ હનુમાનજી બેસીને રામાયણ લખાવતા હતા. સુરદાસજી કૃષ્ણ ભક્ત, અનેક પદો લખ્યા, તેમણે પણ લીધેલું કે તેઓ અમુક સંખ્યામાં પદો લખશે, પણ તે પહેલાં તેઓનું જીવન પૂર્ણ થતાં તેઓ આ ટેક પુરી ન કરી શક્યા. પણ ભગવાને તેમની ટેક પુરી કરવા પોતે બાકીના પદો લખ્યા અને તેમાં "સુર શ્યામ" નામે પોતાની શાખ પુરી. આજે સુરદાસજીના જે ભજનો ગવાય છે તેમાં નામામાં "સુરદાસ" ઉપરાંત "સુર શ્યામ" નો ઉલ્લેખ જોવા મળે છે, આ સુરશ્યામ એટલે ખુદ કૃષ્ણ ભગવાને લખેલા પદો. 

ઘણી વખત સુરદાસજી અને તુલસીદાસજી એક બીજાને મળતા ત્યારે પોત પોતાના આરાધ્ય દેવના નામે મીઠી નોકઝોંક કરીને આનંદ માણતા, બન્નેને પોત પોતાના ભગવાન ની પૂજા તો સાથેજ હોય, ગમે ત્યાં હોય પણ સમય પર પૂજા પાઠ કરવાનું ચૂકે નહીં.

એક વખતની વાત છે, બન્ને સંતો મળીને પોત પોતાના આરાધ્ય દેવની મૂર્તિઓ સાથે લઈ ને પ્રવાસ કરી રહ્યા હતા, અનેક પ્રકારનો સત સંગ ચાલી રહ્યો હતો, વાતોમાં અને વાતોમાં બન્ને એક જંગલના રસ્તે ચડી ગયા, ધીરે ધીરે જંગલ ગાઢ બનવા લાગ્યું, હવેતો ક્યારેક ક્યારેક જંગલી જાનવરો ના અવાજો પણ આવવા લાગ્યા, પણ તેઓ તો હરિ રસમાં એવા મશગૂલ હતા કે કંઈજ ધ્યાન ન રહ્યું, એવામાં અચાનક માનવીઓનો કોલાહલ સંભળાવા લાગ્યો, કદાચ નજીકમાં કોઈ વસ્તિ હશે, એમ માની બન્ને આગળ વધતા રહ્યા. થોડી વારમાં અવાજો સ્પષ્ટ થવા લાગ્યા કે " આઘા રહેજો એક હાથી ગાંડો થયો છે, આઘા રહેજો, માર્ગમાં હો તો માર્ગ છોડી દેજો." 
તુલસીદાસજી તો જાણે કંઈ બન્યુંજ ન હોય તેમ પોતાની મસ્તીમાં ચાલતા રહ્યા, પણ સુરદાસજીએ પોતાના લાલા (કૃષ્ણ)ને સંભાળ પૂર્વક લઈને દોડતા એક બાજુ જતા રહ્યા. મદ મસ્ત બનેલો હાથી ચિત્કાર કરતો અને વચ્ચે આવતા ઝાડી ઝાંખરાંને રગદોળતો તુલસીદાસજીની બાજુ માંથી પસાર થઈ ગયો. 
સુરદાસજી પોતાના ઇષ્ટને લઈને પાછા તુલસીદાસજી પાસે આવી ગયા અને જાણે મોટી આફત ટળી હોય તેમ તુલસીદાસજી ની ખબર પૂછવા લાગ્યા. તુલસીદાસજીને ખૂબ નવાઈ લાગી, આશ્ચર્ય ચકિત થઈને પૂછવા લાગ્યા કે "આપ તો સંત છો, વળી આપ કહોછો કે મારો લાલો તો હર પળ મારી સાથેજ હોય છે, તો પછી આપ હાથી ના ડરથી આમ ભયભીત બન્યા તે મને સમજાયું નહીં, આપને હાથીનો શો ડર? શું આપનો વિશ્વાસ ડગી ગયો? આપની આ ચેષ્ટા મને સમજાઈ નહીં, કૃપા કરી ને વાસ્તવિકતા બતાવો." ત્યારે સુરદાસજીએ કહ્યું કે " આપના ઇષ્ટ તો ધનુષધારી રામ છે, ખાલી ફણા વગરનું બાણ મારી ને મારીચને ગાઉના ગાઉ સુધી ફગાવી દીધો હતો, પણ મારો ઇષ્ટ તો મારો લાલો છે, બાળક છે, એની રક્ષા તો મારે કરવી પડે, મને મારી ચિંતા ન હતી, પણ મારા લાલાને વગાડી દે તો? એટલે મારે ભાગવું પડ્યું.
આ છે સંતોની લીલા, જે ઈશ્વરને સાક્ષાત્ હાજર સમજીને સેવા કરે છે, જ્યારે આપણે મંદિરોમાં ગોતવા નીકળીએ છીએ, પણ આપણા અંદર રહેલો કે અન્ય જીવમાં રહેલો લાલો શોધી તો નથી શકતા.

કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
મેઈલ:-kedarsinhjim@gmail.com 
બ્લોગ-kedarsinhjim.blogspot.com
ફોન-વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫/ ૮૧૬૦૬૩૦૪

No comments:

Post a Comment