Monday, October 9, 2023
પીર રામદેવજી
કળિયુગ ના કપૂતો.
કળિયુગ ના કપૂતો.
તા. ૨૫.૯.૨૩
ઢાળ;-સાધુ વો નર હમ કો ભાવે...જેવો
સાખી-નાટક ચેટક નખરા કરે, કળિયુગ ના સંતાન
એને ધર્મ તણું નહીં ધ્યાન, દિલ ની વ્યથા આ "દીન" ની...
માતા થી નહીં મેળ, ભાઈ ભાગીદાર લાગતો
પણ સાળા સાથે સ્નેહ, દિલ ની વ્યથા આ "દીન" ની...
પિતા થી નહીં પ્રેમ, સાસરી સગપણ રાખતો
બહેની વલખે કેમ. દિલ ની વ્યથા આ "દીન" ની....
કળિયુગ આજે, કેવા કેવા ખેલ કરાવે...ટેક.
સપૂત સંતાનો નજરે ચડે નહીં, કપૂતો નો પાર ન આવે...
માત પિતા બન્ને કરીને મજૂરી, પુત્ર ને ખૂબ ભણાવે
સાહેબ બન્યા પછી આવે શરમ એને, અભણ ને કેમ ઓળખાવે...
બાપ બનીને ફરે બેટાજી, મા ને મજૂરી કરાવે
ભાઈ બહેન ની ભાળ ન લે પણ, મિત્રો મોજ મનાવે....
બેની બીચારી કદી આંગણે ન આવે, સાળી સંગે બહુ ફાવે
સગા ભાઈ નો સાથ ગમે નહીં, સાળો મન લલચાવે ...
બાવડું ઝાલે નહીં બૂઢા પિતાનું, પર દુખ પીડ બતાવે
માત-પિતાને પૂરું ખાવા મળે નહીં, મંદિર ભોગ ધરાવે......
આવે બુઢાપો ત્યારે બેટો હડસેલે, ખૂણામાં ખાટલો ઢળાવે
"કેદાર" કાનુડો કોઈનું કરજ ન રાખે, ન્યાય ના ત્રાજવે તોળાવે....
ભાવાર્થ :- સાખી-આજના સંતાનો ધર્મ માં જરાએ ધ્યાન આપતા નથી, સિનેમા ને નાચ નખરામાં બધું ભૂલી ગયા છે. માતા-પિતા પર પ્રેમ નથી, ભાઈ મિલકત નો ભાગીદાર લાગે છે, બહેન ભાઈ ના પ્રેમ ને વલખે છે, પણ સાસરી પક્ષે બધુંજ સારું છે. આ મારા દિલ ની વેદના છે. (બધા સંતાનો આવા નથી હોતા, પણ એને શોધવા પડે એવો જમાનો આવી ગયો છે.)
આજે કળિયુગ ચાલી રહ્યો છે ત્યારે એનો પ્રભાવ એટલો બધો વર્તાઈ રહ્યો છે કે આજના ઘણાં સંતાનો પોતાની ફરજ ચૂકી રહ્યા છે. માતા પિતાએ પોતાના થી બનતી બધી મહેનત કરીને બાળકોનો ઉછેર કર્યો હોય, એને ભણાવ્યા હોય અને મોટા હોદ્દો અપાવ્યો હોય, પણ જ્યારે એ સાહેબ બની જાય પછી આવા માતા-પિતા ની ઓળખ આપતા એને શરમ આવે છે, પોતાના મિત્ર વર્ગ માં આવા અભણ લોકો એને જાણે ઓછપ લાગે છે. પોતે જ્યારે મોટા હોદ્દા પર બેસી જાય પછી માતા-પિતાને ઘર કામ કરાવે, એક ખૂણામાં ગોંધી રાખે, અને મિત્રો સાથે મોજ મજા માણે, પોતાના ભાઈ બહેન સાથે મન દુખ રાખે, પણ સાળો કે સાળી સાથે અનહદ પ્રેમ હોય. દેખાવ ખાતર બીજાના દુખમાં દુખી થાય પણ ઘરમાં મા-બાપ ની સેવા કરવા સમય ન હોય, કોઈ મંદિર માં જાય તો પોતાનું માન વધારવા મોટા મોટા દાન કરતો હોય, આમ મહારાજ રીઝે નહીં.
પણ પછી જ્યારે પોતાને બુઢાપો આવે ત્યારે એના સંતાનો પણ એજ રસ્તો અપનાવે, કારણ કે જેવું એણે જોયું હોય એવું વર્તન કરે એમાં કોઈ નવાઈ નથી, જેવું વાવો એવું લણો ! આ તો ઈશ્વર નો ન્યાય છે, એમાં કોઈ ફરક આવતો નથી. માટે સમજી વિચારીને જીવન જીવવું જોઇએં.
રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.
ફોટો-ગુગલ ના સહયોગ થી
કૃષ્ણ-સુદામા
108, કૃષ્ણ-સુદામા
તા.૨૬.૯.૨૩
ઢાળ:-છે મંત્ર સદા મંગલકારી ૐ નમ: શીવાય ૐ નમ: શીવાય...જેવો.
બે બાળ સખા બહુ ટાણે મળ્યા, સુખ દુખની વાતો વિગતે કરે
વર્ષોના વાણા વીતી ગયા, સાંદીપની આશ્રમ યાદ કરે....
દેવી સુશીલા દ્રવિત ઘણી, ફિકર કરે બહુ બાળ તણી
છે મિત્ર મુરલીધર દ્વારિકાના ધણી, દામોદર દુખ ના કેમ હરે...
જો સમણામાં પણ શ્યામ મળે, ભવ ભવની ભાવટ પળમાં ટળે
શાને મિત્ર સુદામો ભુખ્યો ફરે, સામળિયો સદાયે ન્યાય કરે...
તમે દ્વારિકા જઈ મેળાપ કરો, અજાચી રહો ના માગ કરો
મન મોહનનો વિશ્વાસ કરો, શ્યામસુંદર સૌ સારું કરે....
એ તો હેમના મહેલમાં રહેનારો, સુદર્શન ચક્રનો ધરનારો
ગરુડધ્વજ રથનો ચડનારો, મોરલી મનોહર અધર ધરે...
પીતાંબર પહેરી ફરનારો, મોર મુકુટ મન હરનારો
અક્ષૌહિણી સૈન્યનો સરદારો, અમ રંકની ઝોળી ભરપૂર ભરે.....
સુશીલાના સંકટ સમજી કરી, મોહનને મળવા હામ ધરી
દ્વારિકાને મારગ પગલી ભરી, ચપટી ચોખા લઈ કાંધે ધરે...
નારાયણ કદી ના નિરાસ કરે, દોસ્તને મળવા દોટ ભરે
બાથમાં જકડી વહાલ કરે, પટરાણીઓ અચરજ ઉરમાં ધરે...
સ્નાનાદિક પુષ્પની માળ ધરે, ભાલે ચંદનનું તિલક કરે
વિધ વિધ ભોજનના થાળ ધરે, વિગતે બેસીને વાતો કરે...
વ્યવસાયમાં હાલે શું ચાલી રહ્યું, નિર્વાહ કુટુંબનું કેમ કર્યું
ચોરેલા ચણાનું વૃત્તાંત કર્યું, દ્વારિકેશ એ દિવસો યાદ કરે...
મિત્રની મનસા ધ્યાને ધરી, મૂઠી ભર તાંદુલ મુખમાં ભરી
ઝૂંપડીને ઠેકાણે મહેલ કરી, ભવે ભવની ભાવઠ દૂર કરે...
ઘણાં દિનના વાણા વીતી ગયા, વિપ્રના દિલમાં ઉચાટ થયા
મારાતો અહિં બહુમાન થયા, પરિવારનું પોષણ યાદ કરે...
અંતરની દુવિધા નજરે ચડી, મોહનના મનમાં ફાળ પડી
વસમી વિદાય પળ આવી ચડી, વનમાળી વિપ્રને વિદાય કરે....
જ્યાં પાવન પગલાં સુદામ ધરે, મંગળકારી મારી ભૂમિને કરે
મારા નગર જનોના ભંડાર ભરે, સંત ચરણ રજ અભરે ભરે....
સુશીલાનું સંકટ સઘળું હર્યું, સુદામાએ તૃણના કરમાં ધર્યું
હરિ નામનું હરદમ ગાન કર્યું, જીવનભર જગપતિ જાપ કરે.....
"કેદાર" કનૈયો કપટ કરે, પણ- ભક્તની અરજી ઉરમાં ધરે
વિઠ્ઠલ ના કદીય વિલંબ કરે, દામોદર દુખડાં દૂર કરે...
ભાવાર્થ :- દ્વારિકાનો નાથ બન્યા પછી અને સાંદીપની ઋષિનો આશ્રમ છોડ્યા પછી, શ્રી કૃષ્ણ અને બાળ સખા સુદામા વર્ષો બાદ પહેલી વખત મળ્યા ત્યારે જુની વાતો યાદ કરે છે.
સુદામાજી ગરીબ છે, તેમના પત્ની સુશીલાજી પોતાના બાળકોના પોષણ માટે ખૂબ દુખી રહે છે, તેથી સુદામાજીને વીનવે છે કે આપ કહો છો કે દ્વારિકાના નાથ આપના મિત્ર છે, તો આપ એક વાર એને મળવા તો પધારો! એ આપણું દુખ જરૂર દૂર કરશે. કહેવાય છે કે ભગવાન સ્વપ્નમાં પણ મળે તો બેડો પાર થઈ જાય, આપ કહો છો કે કૃષ્ણ ભગવાન છે અને આપના મિત્ર છે, તો એ આપનું દુખ કેમ નહીં સમજે? આપ દ્વારિકા પધારો અને કૃષ્ણને મળો, મને ખબર છે, આપ માંગતા નથી, તો હું આપને કંઈ માંગવાનું નથી કહેતી. એ બધું સમજી જશે, તમારે માંગવું નહીં પડે.
એ દ્વારિકા જેવી સ્વર્ણની નગરીનો રાજા છે, જેની પાસે અક્ષૌહિણી સૈન્ય છે, સુદર્શન ચક્ર છે, ગરુડધ્વજ જેવો રથ છે, પીતાંબર વસ્ત્રો પહેરે છે, મોર પીંછ વાળો મુકુટ ધારણ કરે છે, એ આપણું ભલું કરશે.
સુશીલાજીના દુખને સમજીને અને મિત્રને મળવાની આશાએ થોડા પૌવાની ભેટ આપવા દ્વારિકાના માર્ગ પર જેમ બાળક ચાલતા શીખતો હોય તેમ સંકોચ સાથે મળવા જવાની કે માંગવા જવાના સંકોચ સાથેની પહેલી પગલી ભરી. પણ આ તો નારાયણ, નામ સાંભળતાં જ દોટ દીધી, બાથ ભરીને એવા ભેટ્યા કે બધી રાણીઓ વિચારવા લાગી કે આ કેવો પરમ મિત્ર છે? સ્નેહ થી સ્નાન કરાવ્યું, નવું પીતાંબર પહેરાવ્યું, ગળામાં પુષ્પની માળા પહેરાવી, કપાળમાં ચંદનનું તિલક કર્યું અને વિધ વિધ ભાતના ભોજન જમાડ્યા પછી ખબર અંતર પૂછવા લાગ્યા. ટીખળ કરતાં ભગવાન પૂછે છે કે વ્યવસાય કેમ અને કેવો ચાલે છે? આશ્રમમાં હતા ત્યારે તું આપણાં ભાગના ચણા ચોરીને એકલો ખાઈ ગયેલો, શું હજુ આવી ટેવ છે ખરી? તું આવો જ્ઞાની છો તો તારા પત્ની શાણા જ હશે, મારા માટે કોઈ ભેટ તો આપી જ હશે. આમ બધું જાણીને ભગવાને સુદામા લાવેલા તે પૌવા મુખમાં પધરાવ્યા અને સુદામાના બધા દુખ દૂર કર્યા. જ્યાં સુદામાજીની ઝૂંપડી હતી ત્યાં મહેલ બનાવી દીધો.
ઘણાં દિવસ વીત્યા પછી સુદામાજીને ચિંતા થઈ કે મનેતો કનૈયો ખૂબ સારી રીતે રાખે છે, પણ મારા પરિવારનું ગુજરાન કેમ ચાલતું હશે? આ ભાવ જાણીને ભગવાને ભારે હૈયે વિદાય આપી. ભગવાન સુદામાને રથમાં બેસાડીને વળાવવા ન ગયા પણ ખુલ્લા પગે ચલાવીને નીકળ્યા ત્યારે કોઈ ભક્તએ કહ્યું કે પ્રભુ આપ મર્યાદા ચૂકો છે, આવા મહેમાન, અને એ પણ આપના મિત્ર! ખુલ્લા પગે? ત્યારે પ્રભૂએ ધીરેથી કહ્યું કે આવા સંતના પગલાં મારી દ્વારિકાની ભૂમી પર પડે, અને એ રજ ચોમેર ફેલાય તો મારા નગરજનો પણ પાવન બની જાય, માટે પગે ચલાવીને વળાવવા નીકળ્યો છું.
ભગવાને સુશીલાદેવીના તો સર્વે સંકટો દૂર કર્યા પણ સુદામજીએ એમાંથી તણખલાભાર પણ સ્વીકાર્યું નહી, કહ્યું આ મેં નથી માંગ્યું, તમારી પ્રાર્થના સાંભળીને દ્વારિકાનાથે તને અને બાળકો માટે આપ્યું છે, આમાં મારો કોઈ હક્ક નથી, હું તો ઝૂંપડીમાં મારું જીવન બસ એના ગુણગાન કરીને વિતાવીશ. આવા સંત હ્રદય વિપ્રને મલવા વાલો ખુલ્લા પગે દોડે. આ છે દ્વારિકાના નાથ, બસ ભક્તિ કરો, કંઈ માંગો નહીં તોપણ ભંડાર ભરીદે, માટે નિષ્કામ રહીને ભજન કરો અને બધું એના પર છોડી દો.
જય શ્રી કૃષ્ણ.
સ્નાનાદિક= નહાવું; ધોવું વગેરે.


