ઢાળ:- કીડી બાઇ ની જાન નો
આવ્યો સમય આજે શ્રાધ્ધ નો રે કરે નરશી વિચાર
મેણા મોટા ભાઇ મારતા, આપે કસ્ટો અપાર
કરવું પિતાનું મારે શ્રાધ્ધ છે...
પાંચ બ્રાહ્મણ ને બોલાવશું રે, સંગે ગોર પરીવાર
વાળી વેચી ને સિધૂ લાવશું, સાથ દેસે સરકાર
મોટો દ્વારીકા નો નાથ છે...
લાવ્યા સિધું સૌ સાથમાં રે, ઘી નહિં ઘરમાં લગાર
આપો ઊધારે આટલું, કરે નરસિ પોકાર
દેવા મારેતો પછી દામ છે...
મારે મહેતાને નાગર મેણલા રે, આજ આનંદ અપાર
આવે તેડાં જો આપના, જાવું ભક્ત કેરે દ્વાર
લેવો પ્રભૂ નો પરસાદ છે...
બોલ્યા મહેતાજી ત્યારે ભાવમાં રે, સકળ નાગર સંગાથ
આવો અમારે આંગણે, લેશું ભોજન સૌ સાથ
સાચી પ્રભૂજી ની મ્હેર છે...
નાગર કરેછે ઠ્ઠા ઠેકડિ રે, સુણી નરસિ ની વાત
સાત માણસ નું સીધું નથી, કહે જમાડું હું નાત
વાતો કરવામાં હોંશીયાર છે..
સાચો વહેવાર વંશીધરે રે, નથી નરસિ નું કામ
કેવાં ભોજન ને કેવી વાત છે, ક્યાં છે દમડી કે દામ
ફોગટ ફુલણશી ફુલાય છે...
મળ્યો મહેતા ને એક માલમી રે, આપું ઘી ના ભંડાર
દામ ન હોય દામોદર ભજો, એજ સાચા કલદાર
પછી-નરસિ નરાયણ ગાય છે...
સાદ સૂણીને જાગ્યો જાદવો રે, કિધાં સૌને ફરમાન
ભક્ત મારો ભજને ચડ્યો, નહિં રહે હવે ભાન
જાવું મહેતાજી ને દ્વાર છે...
નાગર બનીને વ્હાલો આવીયા રે, આવ્યા જુનાગઢ મોજાર
શોભે છે રૂપ નરસિ તણું, હૈયે હરખ ન અપાર
કરવાં સેવક ના મારે કામ છે...
કાન ટોપી ધરિ ભૂધરે રે, હાથ લીધી કરતાલ
ભાલે તિલક અતિ શોભતું, સંગે તંબુર નો તાલ
ગોવિંદ ગોવિંદ ના ગુણ ગાય છે..
ગોર બાપા બેઠા રૂસણે રે, નહિં આવું તારે દ્વાર
કોડીનું દાન કરતો નથી, ખોટો તારો વહેવાર
વંશીધર સાચા યજમાન છે...
વિપ્ર બોલાવ્યો એક વિટ્ઠલે રે, નહિં જાણે કોઇ જાપ
પામ્યો મહેર માધવ તણી, મુખે મંત્રો અમાપ
વાણી વેદો ની જાણે ખાણ છે...
પોઠું આવી કોઇ ભાત ની રે, સંગે સાજ શણગાર
સેવક આવ્યા સૌ સાથમાં, પૂછે નરસિ ના દ્વાર
ક્યાં મહેતાજી ના મહેલ છે...
નાગર લાગ્યા સૌ જાણવા રે, ક્યાંથી આવ્યા કયું કામ
કોના સેવક ને કોના દાસ છો, શુંછે માલિક નું નામ
કેવું નરસૈયા કેરૂં કામ છે...
હરિપૂર વાસી હરજીવન, રાખે મહેતા ના માન
જાણી પ્રસંગ આજે શ્રાધ્ધ નો, એણે કિધાં ફરમાન
કરવાં મહેતાજી ના કામ છે...
નાગર બેઠાં સૌ ચીતવે રે, કિધો મોટેરો માર
ભીખ મંગાને શાની ભીડ છે, ક્યાં છે વળતો વહેવાર
નથી કંઇ લાજ કે સર્મ છે...
દ્વારે આવી ને કરે ડોકીયા રે, દિઠાં પિત્રુ પરિવાર
ભાવે ભોજન આરોગતાં, આપે આશિષ અપાર
બોલે નરસિનો જય કાર છે...
વિધ વિધ જાત ની વાનગી રે, જેની ફોરમ ફેલાય
નાગર લાગ્યા સૌ નાચવા, લ્હાવો છોડ્યો નહિં જાય
જમવું મહેતાજી ને ધામ છે...
સઘળાં કૂટુંબ સંગે આવીયા રે, નાગર નરસિ ને દ્વાર
સોના બાજોઠ બીછાવીયા, આપ્યાં સુંદર શણગાર
હીરા મોતી થી ભર્યા થાળ છે...
ભાવતાં ભોજન આવતાં રે, આવ્યાં મેવા મોહનઠાર
ખાધું પિધું ને ભાતું ભર્યું, બોલે નરસિ જયકાર
ધન્ય મહેતાજી તારી સેવ છે...
સોના રૂપા ના દાન દેવાણા, નથી પૈસા નો પાર
કૂળના ગોર ને રીઝાવીયાં, આપ્યાં અઢળક ઊપહાર
પછી-દામોદર દામાકૂંડે જાય છે...
આવ્યા નરસિ જ્યારે આંગણે રે, વાત જાણી વિસ્તાર
કિધી અરજ ક્રૂપાલને, કરો કરૂણા કિરતાર
શાને-ભૂખ્યા ભગવાન ને ભક્ત છે...
આવ્યા દામોદર દોડતાં રે, રાધા રૂક્ષમણા સંગાથ
ભાવે થી ભક્ત ને જમાડીયા, જમે દ્વારીકા નો નાથ
ભક્ત વત્સલ ભગવાન છે...
કરે ભરોંસો જે કાન નો રે, ગીત ગોવિંદ ના ગાય
કાર્ય સૂધારે એના શામળો, વાસ વૈકુંઠ માં થાય
"કેદાર" ગુણ ગાન એના ગાય છે...
No comments:
Post a Comment