વિરહીણી
એક દિ' રજની રડવા લાગી, ચાંદની પાંસે જઇ
ઘોર અંધારાં ખુબ ઉલેચ્યા, પણ- ભાનુ ને ભાળ્યો નઇ...
સાંભળ્યું છે મેં સાહ્યબો મારો, સોનલા રથડો લઇ
જગ બધાને દે અજવાળું, હુંજ અંધારી રઇ...
રોજ સજાવું આંગણુ મારૂં, આકાશ ગંગા લઇ
તારા મંડળ ના સાથિયા પુરૂં, તોય ડોકાણો નઇ...
દુખીયારી એવો દિન ન ભાળ્યો, કે સુરજ સાથે રઇ
વદ્ગે ઘટે પણ વ્હાલમો તારો, તને-વેગળી રાખે નઇ...
એક અમાસે અળગો રહે ત્યાં, હાંફળો ફાફળો થઇ
આગલી સાંજે દોડતો આવે, કેળથી બેવળ થઇ...
હારી થાકીને સાહેલી સાથે, સોમ ને શરણે ગઇ
આશરો લઇ ને આંખમાં એની, કાજળ થઇ ને રઇ...
આભ તણી અટારીએ બેઠી, ઓલી "કેદાર" કાળી જઇ
અરૂણોદય ની આશ જાગી ત્યાં, આખીએ ઓગળી ગઇ
No comments:
Post a Comment