કાનાના કપટ
સાખી-ઘણાં કળિયુગ ના કાના, કરે છે કામ ચોરી ના
મોહનજી ચોરતાં માખણ,
હવેના દાણ ચોરે છે..
સાખી-ઘણા કળિયુગ ના કાના, કરે છે કામ રમણગર નું
રમાડ્યા રાસ છે કાને,
હવે નટીઓ નચાવે છે..
કપટ કેવાં હરિ કરતો,
બહાના દઈ ને લીલા ના
કરાવે કર્મ સૌ પોતે,
વળી હિસાબ દેવા ના..
સભામાં જઈ ને પાંડુ ની, બચાવી લાજ અબળા ની
છુપાઈ ને લત્તાઓ માં,
છે ચોર્યા ચિર ગોપી ના..
અધિક આપે તું પાપી ને, મહેલો માન મોટર ના
ભગત જન ભ્રમિત થઈ ભટકે, નથી કોઈ સ્થાન રહેવા ના..
મહા કાયોને પણ મળતાં,
ઉદર ભરવાને આહારો
નથી મળતાં કંઈક જન ને, ભરીને પેટ ખાવા ના..
વીછણ ને વહાલ ઉપજાવ્યું, ખપાવે ખુદ ને વંશજ પર
પ્રસૂતા શ્વાન ને ભાળ્યું, ભરખતાં બાળ પોતાના..
રંજાડે રંક જનને કાં,
બતાવી બીક કર્મો ની
નથી હલતાં કોઈ પત્તાં,
જો તારી મરજી વિના ના..
દયા " કેદાર " પર રાખી,
ના કરજો કૂડ મારામાં
ગુજારૂં હું જીવન મારું,
પ્રભુ તુજ ગાન કરવામાં..
સાર:-ઈશ્વર ક્યારેક ક્યારેક એવા કામ કરેછે કે માનવ તેની લીલાને સમજી શકતો નથી, શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, એજ શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે કરેલા કર્મોના પરિણામ ભોગવવા પડેછે, હવે અહીં પ્રશ્ન એ થાયછે કે જો ઈશ્વરની ઇચ્છા વિના કશુજ બની શકતું ન હોય તો માનવ જે કંઈ કર્મ કરે તેતો ઈશ્વરની ઇચ્છા પ્રમાણેજ બનેછે, તો પાપ અને પુણ્ય ના પરિણામ માનવ કેમ ભોગવે?
૧-પાંડવોની સભામાં જ્યારે દ્રૌપદી ની લાજ લુટાવા લાગી ત્યારે દ્વારિકાધીશ જરા પણ વાર લગાડ્યા વિના નવસો ને નવાણુ ચિર પૂરવા આવી ગયા અને અબળાની લાજ બચાવી. તો એજ દ્વારકાધીશ ગોપીઓ નહાતી હતી ત્યારે લત્તાઓની પાછળ સંતાઇને તેના ચિર હરણ કરી ગયા, કેવો વિરોધાભાસ?
૨-આપણે ઘણી વાર જોઇએં છીંએ કે જગ જાહેર અધમ કર્મો કરનાર, પાપી, નિમ્ન કક્ષાના માણસ પાસે બધી જાતની સુખ સાહ્યબી હશે, મહેલો જેવા મકાનમાં રહેતો હશે, મોટરો અને ચાકરોનો તોટો નહીં હોય, જ્યારે ઘણા ધર્મ પરાયણ, ભક્તિ ભાવ વાળા અને નિષ્ઠાવાન લોકો દુ:ખી હશે, રહેવા માટે યોગ્ય જગ્યા પણ નહીં હોય.
૩-ભગવાને દરેક જીવને દરેક વસ્તુ પૂરતી અને સમયસર મળે એવી વ્યવસ્થા કરી રાખી છે, ભલે હાથી હોય કે નાનું જંતુ.
પણ ઘણા અભાગી એવા પણ હોયછે કે જેને પૂરતો ખોરાક મળતો નથી.
૪-હે ઈશ્વર આપે કેવી રચના કરીછે? વીછણ સેંકડોની સંખ્યામાં બચ્ચાને જન્મ આપેછે, તેના નિર્વાહ માટે તે પોતાની જાતને સમર્પિત કરિદેછે, બચ્ચા પોતાની માતાના શરીરને ખોરાક બનાવીને પોતાનું શરીર બચાવેછે અને માતા પોતાના બચ્ચા માટે પ્રાણ આપી દેછે. જ્યારે એનાથી બિલકુલ વિપરીત શ્વાન-કૂતરી પોતાનાજ બચ્ચાને ખાઈને પોતાનું પેટ ભરેછે.
૫-હે ભગવાન તું પામર જીવને તેના કર્મોની બીક બતાવીને શા માટે ડરાવેછે? કારણ કે તારી ઇચ્છા વિના તો એક પાંદડું પણ હાલી શકતું નથી, તો એ જીવને પાપ કે દોષ કેમ લાગી શકે?.
૬-પ્રભુ મારાપર દયા રાખજો, જાણે કે અજાણે આવું કોઇ પણ કુળ મારામાં આવવા ન દેજો, બસ એકજ અભ્યર્થના કે હું આપનું ભજન કરતો કરતો મારું જીવન પુર્ણ કરું.
જય નારાયણ.
No comments:
Post a Comment