જલારામ બાપા
સાખી-સંત સેવક કે ભક્ત જન, ચોથા અન્ન દાતાર
હરિ હૈયે અવિરત વસે, નજર હટે ના લગાર...
સાખી-અન્નદાની વીરપુર વસે, એ ની ફોરમ જગ ફેલાય
હૈયે હરખની હેલી ચડે, જ્યાં નામ જલા નું લેવાય..
વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં
દાતા તમે આવ્યા જલા ના વેશ માં....
માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા
સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં..
અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાઘડી, ઓલિયો લાગે છે કેવો ખેસ માં.
લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઈશ નો કરતાં
ગંગા ને યમુના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં...
પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના પહેરવેશમાં
રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત, મૂર્તિ રૂપ મંડાણા
હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઈ ભકતના વેશમાં..
રામના નામની ધૂણી ધખાવી, ભૂખ્યાને અન્નજલ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં
અવળાં ઉત્પાત કોઈ અંતર ના આણતાં, બોલે ભલેને કોઈ દ્વેષ માં
દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો
હેતે હરિજન દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો
એક અધેલો ચડેના ચડાવો, કોઈ પણ દાણ ના પ્રવેશ માં...
દીન " કેદાર " પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હૃદયે હરજી, એવી મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઊડે પંખેરુ મારું, આવું તારે દ્વારે શુદ્ધ વેશ માં
જલારામ જયંતિની બધાને શુભ કામના
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365
No comments:
Post a Comment