Friday, October 10, 2025



 ૧૫૯, હરિ સરણમાં જાવું

તા. ૨.૧૦.૨૫.

ઢાળ:- પુ. નારાયણ બાપુએ ગાયેલ ભજન "મારે સામે કિનારે જાવું." જેવો.


મનવા મારે હરિ સરણમાં જાવું, 

મોહ મયાના કૂપમાં ડુબાડ્યો તેં, મંડૂક મારે નથી થાવું...


ખખડી ગયો છે મારો ખટારો, માલ ભર્યો નહીં સારો. 

કર્મનો કચરો પાપના પોટલાં, છુટી જાય ગાંઠ ગંઠાવું..મારે


માયા કેરો વરસાદ થયો છે, કરમે કીચડમાં ફસાયો. 

ભોમિયો સાચો કોઈ ભાળ બતાવે, વિકટ આ વાટ વટાવું..મારે..


ઊબડખાબડ અવરોધ ઘણાં છે, માર્ગ ખૂટે નહીં મારો. 

વારે વારે ઉબેટ બહુ અઘરા, કેમ કરી પાર લગાવું....મારે


જ્ઞાની જન કોઈ માર્ગ બતાવે, લક્ષ્ય સમજાવે સાચો, 

નારાયણ જેવા મહા માનવ મળે તો, ગોવિંદ ગાન લગાવું...મારે


"કેદાર" કરુણાનિધિ કરુણા કરો હવે, ભાર સહ્યો નથી જાતો, 

મહેર કરો મહારાજ જો મુજ પર, ઠાલે ઠાલા થઈ જાવું..મારે


હે પ્રભુ, આપે આ જીવને માનવ બનાવીને આ જગતની માયા રુપી કૂવામાં ધકેલી દીધો છે, પણ મારે એ કૂવાનો દેડકો નથી બનવું, મારે તો હરિ ભજન કરીને શિવ તત્વમાં પાછું ફરવું છે, પણ હવે આ કાયા જીર્ણ થવા લાગી છે, એમાં પણ જુના ખટારામાં જેમ ભંગાર માલ ભરીને જેમ તેમ દોરડા બાંધીને નીકળતા એમ નીકળી પડ્યો છું. ચારે બાજુ તારી માયાનો વરસાદ અને મારા કુકર્મોનું કીચડ થઈ ગયું છે, આમાં માર્ગ પણ દેખાતો નથી, તો મંજિલ કેમ મળશે?

  તેં સંસાર એવો બનાવ્યો છે કે કોઈને કોઈ લાલચમાં ફસાઈ જવાય છે, અનેક પ્રકારની અડચણો આવ્યા કરે છે, કોઈ સાચો ભોમિયો પણ મળતો નથી જે માર્ગ બતાવે, નારાયણ જેવો કોઈ સાચો ગુરુ મળે તો તારા ભજન કરતાં કરતાં જગતના સર્વે કર્મોનો ભાર ખાલી કરીને તારા સુધી પહોંચાડીદે. બસ એજ અપેક્ષા છે.


No comments:

Post a Comment