શીદ ને ફૂલાય ?
શીદ ને ફરે ફૂલાય ને, હું હું કર્યા કરે
આપેલ સઘળું ઈશ નું, મારું મારું કર્યા કરે...
આપી બુદ્ધિ અધિક છે, કે ભાવે ભજન કરે. પણ-અવળિ કરે આરાધના, ભાવિ ભૂલ્યા કરે...
દીધેલી વાણી વિઠ્ઠલે, તો એ હરિ ના ભજ્યા કરે. ભસતો ફરે છે ભાષણો, જગને ઠગ્યા કરે...
ધન દોલત સુખ સાયબી, આપ્યાં હરિવરે. કહેતો કમાણી હાથ ની, એવા ભરમે ભમ્યા કરે...
રડતાં હજારો બુદ્ધિ જન, કોઈ મુરખા મજા કરે. ધનવાનો ના ધામ માં, ક્યાંક નિર્ધન ફૂલ્યા ફરે...
જલચર સ્થલચર નભચરો, નિજ નિજ ની ક્રિયા કરે. પણ-કહેવું પડે છે માનવી ને, કે-માનવ બન્યા કરે..
આપ્યું અધિક કાં એક ને, શું કુદરત કપટ કરે ? પણ તેને-બનવું પડે છે માનવી, ત્યારે નડ્યા કરે..
આપે અધિક જો ઈશ તું, આ દીન પર દયા કરી. તો "કેદાર" કેરી કામના, તને પલ પલ ભજ્યા કરે..
સાર- ઇશ્વરે માનવીને દેવતાઓ ને પણ દુર્લભ એવો માનવ દેહ તો આપ્યો, પણ સાથે સાથે એટલું બધું આપ્યું છે કે જેનો
આપણને ખ્યાલ પણ નથી આવતો. અને આમે માનવ સ્વભાવ છે કે જે સરળતાથી મળે તેની કિંમત સમજાતી નથી.
ઇશ્વરે આપણને બાકીના જીવો કરતાં અનેક ગણી બુદ્ધિ આપી છે, જેના પ્રતાપે માનવ અવકાશ, આકાશ પાતાળ અને ભૂમિના કોઈ પણ ભાગમાં ભમવા લાગ્યો છે, મોટાં મોટાં યંત્રો બનાવતો થયો, સૂક્ષ્મ ચિપ્સ બનાવીને તેની પાસેથી મોટાં મોટાં કામ લેતો થયો છે. આટ આટલી શક્તિ હોવા છતાં ઈશ્વર ની આરાધના કરવામાં સાવ ઊણો ઊતર્યો છે.
ઈશ્વરે ફક્ત અને ફક્ત માનવીને વાણી પ્રદાન કરીને એક અણમોલ ભેટ આપી, કે જેના વડે તે ઈશ્વરના ભજન કરીને પાર થઈ શકે, પણ મોટા ભાગે માનવી ભજન કરવાને બદલે તેનો દુરુપયોગ કરી ને બિજાને છેતરવામાં આ ભેટને વેડફી નાંખે છે.
ઈશ્વરે ધન દોલત બુદ્ધિ સાથે સાથે અનેક પ્રકારની સુખ સુવિધા માનવીને આપી છે, પણ જો તેનો સાચા રસ્તે ઉપયોગ ન કરવામાં આવે તો ઈશ્વરને ગમે ખરું? અને તેથીજ ઈશ્વર તેની સજા રૂપે દર્દો, નિર્ધનતા અને એવા અનેક પ્રકારના દુઃખોથી પીડા આપે છે, જ્યારે ઘણા ધનિકો ના આવાસમાં માલિક કરતાં તેના નોકરો નિર્ધન હોવા છતાં સુખ સાહ્યબી ભોગવતા હોય છે.
ઈશ્વરે અનેક જાતના અને અનેક પ્રકારના જીવો બનાવ્યા, જેમાં જલમાં રહેનાર, જમીન પર રહેનાર અને આકાશ માં વિહરનારા વિધ વિધ ભાતના જીવો બનાવ્યા છે જે દરેક પોત પોતાની રીતે જીવન જીવ્યા કરે છે, પણ એક માનવી ભાન ભૂલીને આડા અવળાં કામ કરતો રહે છે જેથી તેને કહેવાનું મન થઈ આવે કે ભાઈ માણસ થા.
ક્યારેક એવો પણ વિચાર આવે કે ઈશ્વરે ફક્ત માનવી પર આટલી બધી દયા શા માટે વરસાવી હશે? પણ મને લાગે છે કે ઈશ્વરે અમુક અપવાદ સિવાય મોટા ભાગે અવતાર ફક્ત માનવ રૂપે જ ધર્યા છે, અને ત્યારે આ બધી સુવિધાઓ ભોગવવા મળે એમ વિચારીને જ આ કૃપા કરી હોય એમ લાગે છે.
હે ઈશ્વર તેં મારા પર દયા કરી ને મને અઢળક આપ્યું છે, પણ હજુ મારી એક કામના છે કે મને એવી સમજણ આપજે કે હું તને શ્વાસે શ્વાસે તારું ભજન કર્યા કરૂં અને મારા જીવનની હર એક પળ તારા ગુણ ગાન ગાવા માં વિતાવું.
જય શ્રી રામ.
માળા જપી લે
ઢાળ-એકલાં જવાના (૨) સાથી વિના સંગી વિના...ને લગતો
જપી લે જપી લે માળા હરિ હર ના નામ ની
હરિ વિના કોણ ઉતારે ગઠડી તારા ભાર ની...
જનમી જગત માં આવ્યો, ચોરાશી ફરી ને. અવસર ના મળશે આવો, ફરી રે ફરી ને
જગત ની છે માયા જૂઠી, નથી કોઈ કામ ની..
આરે સંસાર કેરું, સુખ નથી સાચું . માયાના બંધના ખોટાં, જીવન છે ટાંચું
ભજીલે ભજીલે ભૂધર, રટણા કર રામ ની...
સોના રૂપા ને હીરલા, સંઘર્યે શું થાશે. કોને ખબર છે ક્યારે, આતમ ઊડી જાશે
પૈસા ની ભરેલી પેટી, પડી રહેવા ની...
માટે-શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, પલ પલ ભજ રામ ને. જીવન ની ઝંઝટ સઘળી, સોંપી દો શ્યામ ને
ખટપટ તું ખોટી ના કર, મોભા કે માન ની...
"કેદાર" કરુણા નો સાગર, આવે જો ઉર માં. મહેકે જીવન ની વાડી, આનંદ ભરપૂર માં
ફરૂકે ધજાયું તારી, ભક્તિ કેરા ભાવ ની..
સાર-આપણા શાસ્ત્રો મુજબ જીવ શિવ તત્વ થી છૂટો પડીને ચોરાસી લાખ યોનિમાં જન્મ લે છે, નિમ્ન કક્ષા થી શરૂઆત કરીને જેમ જેમ શુભ કર્મો કરતો જાય તેમ તેમ ઉચ્ચ કોટી ની યોની પ્રાપ્ત કરતાં કરતાં અંતે દેવતાઓને પણ દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે કે જેના વડે આ ચોરાસીના ચક્ર માંથી છુટકારો મેળવીને ફરીથી શિવ તત્વ માં વિલીન થઈ શકાય છે. ચોરાસી લાખ યોની પાર કર્યા પછી માનવ દેહ મળે છે, અને દેવોને પણ દુર્લભ આ દેહ નર માંથી નરેન્દ્ર(સ્વામી વિવેકાનંદ) જેવા સંતો બની શકે છે. ઈશ્વરે આ સંસાર અતિ સુંદર બનાવ્યો છે. પણ સાથો સાથ એમાં જીવને લપટી જવા માટેનાં ઘણા બધા પ્રલોભનો પણ આપ્યા છે. મારા મતે તો આ એક સાપ સીડી જેવો કુદરત નો ખેલ છે, કેમકે શાસ્ત્રો એમ પણ કહે છે કે ઈશ્વરની ઇચ્છા વગર એક પાંદડું પણ હલી શકતું નથી, તો પછી જીવને પોતાને કર્મો કરવાની છૂટ ક્યાંથી હોય? અને તો પછી કર્મોના ફળ જીવને કેમ ભોગવવાના? આ બધા ઊપર વાળા ના ખેલ સમજવા અધરા છે, એ આંટી ઘૂંટી માં પડવા કરતાં હરિ ભજન કરતાં રહેવું, અને બનેતો જરૂરતમંદો ને મદદરૂપ થતું રહેવું, એના જેવું બિજું કોઈ ઉત્તમ કામ મારા મતે લાગતું નથી.
સંગ્રહખોરી ની જીવ માત્રને લાલચ હોય છે, એના પુરાવા આપણે મધ માખી, કીડી જેવા જીવો ખોરાક સંઘરતાં નજરો નજર જોઈ શકીએ છીએ, પણ માનવ? આના જેવો સંગ્રહખોર બીજો કોઈ જીવ મેં ભાળ્યો તો નથી પણ સાંભળ્યોએ નથી, ખોરાક સિવાયની પણ અનેક વસ્તુ માનવ સંઘરે છે અને સંગ્રહ કરવા માટે કોઈ પણ સારું નરસું કાર્ય કરવામાં પાછી પાની કરતો નથી, પણ જ્યારે ઊપર વાળાનું તેડું આવે છે ત્યારે સિકંદરની જેમ ખાલી હાથે અને કર્મો ની સંગાથે ચાલ્યો જાય છે.
મારા જેવા દંભી લોકો બીજા પાસેથી સાંભળેલું આ બધું કહે, લખે અને બીજાને પ્રવચનો આપે, પણ એના બદલે હરી ભજન જીવનમાં ઊતારીને સર્વે કાર્યો ઉપરવાળાને સોંપીને બસ ભજન કરતાં રહીએ તો આ જીવન નો બાગ સદાય મહેકતો રહે.
જય શ્રી કૃષ્ણ.
માનવ દેહ
માનવ કેરો દેહ મળ્યો છે, ચોરાશી તરવા તને
માયામાં જો મોહી રહ્યો તો, મુક્તિ ક્યારે મળશે તને...
બચપણ મહીં માં બાપની, માયા તને વળગી રહી
ભણ્યો તું ભાવ થી ભેરુ, ભગવાન ને જાણ્યો નહી
પછી આવી યુવાની, થઈ ને દીવાની, મદ થકી મળવા તને...
મળ્યા છે માન ને દોલત, મળ્યા નોકર અને ચાકર
નથી દુખી કોઈ વાતે, રહે છે મહેલ માં જાકર
મળ્યું છે મોટું નામ તુજને, ભક્તિ ક્યારે મળશે તને...
થઈ જ્યારે ઉમર તારી, થયો નિવૃત તું તન થી
સંસાર કેરા સુખ માં, ચીટકી રહ્યો મનથી
યાદ ન આવી ઈશ કેરી, ભૂલી ગયો ભગવાન ને...
અવસર તને આપ્યો હતો, કરવાને ભક્તિ ભાવ થી
સમજી શક્યો નહી સાન માં, મોકો ગુમાવ્યો હાથ થી
"કેદાર" પારખ કોક નીકળે, જાણી લે જે જગ તાત ને...
સાર-સંતો, મહંતો, શાસ્ત્રો અને વેદો પણ કહે છે કે જીવ ચોરાસી લાખ યોની માં ભટકતો ભટકતો, અનેક કષ્ટો ભોગવતો ભોગવતો જ્યારે ભગવાન ને અનેક રીતે રિઝાવે છે, મનાવે અને પ્રાર્થનાઓ કરે છે, ત્યારે પ્રભુ દયા કરીને આ દેવો ને પણ દુર્લભ માનવ દેહ આપે છે. સંતો, મહંતો અને યોગીઓ પોતાના તપ ના બળે પોતાના પૂર્વ જન્મોનું જ્ઞાન મેળવીને આ ઘટના ચક્રની વાતો જાણી લે છે, અને બીજાને પણ જણાવીને યોગ્ય જીવન જીવવાનું માર્ગ દર્શન આપે છે. અને માનવીને મોક્ષ મેળવવા શું શું પ્રયત્નો કરવા તે બતાવતા રહે છે, જો માનવી એ ઉપદેશોનું પાલન કરે અને પ્રભુને ભાવ સહિત ભજતો રહે તો જરૂર મોક્ષ પામે છે. પણ ઘણા મહા માનવો નરસિંહ મહેતાની જેમ "હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જનમો જનમ અવતાર રે.." ની રાહે ફરી ફરી જન્મો માંગીને હરી ભક્તિ કરવાની નેમ રાખતા હોય છે. માનવ દેહ એટલાં માટે દુર્લભ છે કે ફક્ત આ દેહ માંજ વિચારવાની શક્તિ, વાણી, અને અનેક કર્મો કરવાની આવડત મળે છે. જેમાં સારા કે ખરાબ કોઈ પણ કર્મો કરી શકાય છે. આ દેહ થકી સ્વર્ગ પણ મેળવી શકાય છે, અને નરક પણ મેળવી શકાય છે. મોક્ષ પણ મેળવી શકાય છે, અને પાછો ચોરાસી નો ફેરો પણ મેળવી શકાય છે. માટે સંતો, મહંતોએ આપેલા જ્ઞાન નો લાભ લઈને મોહજાળમાં પડ્યા વિના મુક્તિના માર્ગે ચાલવું.
બચપણમાં મા બાપની માયા લાગે, પછી ભણતરથી જ્ઞાન મેળવવાનો સમય આવે, ત્યાર બાદ યૌવન અને લગ્ન, અને માયાના બંધન આવે ત્યારે ભગવાનની પ્રાર્થના કરવાનો સમય ન રહે.
પછી કામ ધંધો, માન મર્તબો, નોકર ચાકર, ગાડી બંગલા માં જીવ એવો અટવાઈ જાય કે ભક્તિ કરવાનું યાદ પણ ન રહે અને સમય પણ ન રહે, હા ક્યારેક સમાજમાં દેખાવ કરવા ખાતર અને પોતાને મોટા ભક્ત બતાવવા માટે હોમ હવન અને યજ્ઞનો દેખાવ કરીને પ્રદર્શન કરવા પડે.
ત્યાર બાદ ઉમર થતાં શરીર થોડું ઘસાય, કમજોરી આવે, નજર નબળી પડે ત્યારે નોકરી ધંધામાંથી તો નિર્વૃતિ લઈલે, પણ મન તો સદાય માયાને વળગેલુંજ રહે, માયાપતી યાદ ન આવે.
આવો રૂળો અમૂલ્ય અવસર ઈશ્વર આપે પણ તેની જાણ જીવને ત્યારે પડે છે, જ્યારે વૃદ્ધાવસ્થા આવે, બિમાર પડે, યમના દૂતો નજર સામે દેખાવા લાગે, શ્વાસની શરણાઈ વાગવા લાગે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોવાથી આ સમજણ નકામી નીવડે છે. પણ એવા પણ જીવાત્મા આ જગતમાં જન્મે છે કે જે જન્મથીજ ગર્ભમાં ઈશ્વરને આપેલા કોલ ને યાદ કરીને પોતે તો તરીજાય છે, બીજાને પણ તારતો જાય છે.
ઈશ્વર આ સમજ સર્વે જીવ માત્રને આપે એજ અભ્યર્થના સહ.
જય શ્રી રામ.
ફોટો ગુગલના સહયોગથી સાભાર.

અવસર
ઢાળ:- કાફી જેવો
-સાખીઓ-
રાખ ભરોંસો રામ પર, કરશે તારાં કામ. હેતે ભજી લો રામ ને, એક જ છે સુખ ધામ
પલ પલ ભજી લે રામ ને, છોડ જગત ની માયા. સઘળા કાર્ય સુધારશે, કંચન કરશે કાયા
રામ રામ બસ રામ જપ, રામ જપ બસ રામ. શીદ ને સડે સંસાર માં, મિથ્યા જગત નું કામ..
અવસર આ અણમોલ મલ્યો છે, ભજી લે ને ભગવાન ને
જાણ નથી ક્યારે જમડા આવે, સેવી લે સુંદર શ્યામ ને...
માતા તણા ઉદર નહિ ભગવાન ને ભજતો હતો. કીધો ભરોંસો ભૂધરે, અવતાર તુજ આપ્યો હતો
પરવશ જાણી માને પ્રેમ આપ્યો, સમજી લે જે તારી સાન ને...
ભૂખ્યો ન રાખે ભૂધરો, સોંપીદો સઘળું શ્યામ ને. રાખો ભરોંસો રામ પર, કરવાદો સૌ કિરતાર ને
જેણે બનાવ્યો એજ જિવાડે, ગાવ એના ગુણ ગાન ને...
આપેલ સઘળું ઈશ નું, માનવ થકી મળશે નહી. મોકો ન ભૂલજે માનવી, જીવન આ જડશે નહી
મહેર પામો માધવ કેરી, રટીલો રાધે શ્યામ ને...
પલ પલ રટણ કર રામનું, માળા મોહન ના નામ ની. ભજી લે ભાવથી ભૂધર, કળા એક જ આ કામ ની
દીન "કેદાર" પર દયા દરશાવો, ભાળું અંતે ભગવાન ને...
સાર-સંતો મહંતો એમ કહે છે કે માનવ દેહ દેવતાઓને પણ મળવો કઠિન છે, આપણા શાસ્ત્રો પણ કહે છે કે જ્યારે જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યો છે, ત્યારે ત્યારે મોટા ભાગે મનુષ્યનો દેહજ ધર્યો છે. આવો અણમોલ માનવ દેહ આપણને મળ્યો છે, અને એ ખબર નથી કે તે કેટલા સમય માટે મળ્યો છે, જો આપણને આપણા જીવન ની અવધી ખબર હોય તો આપણે એ પ્રમાણે આયોજન કરી શકીએ, પણ એકતો ખબર છેજ કે ક્યારેક ને ક્યારેક તો યમના તેડા આવવાનાંજ છે. માટે ઉપર વાળા એ આપેલ આ અમૂલખ માનવ જીવનનો ઉપયોગ કરીને હરિનાં એવા ગુણગાન કરી લઈએ કે ભગવાને આપણને ફરી ફરીને માનવ દેહ આપવોજ પડે, બાકીતો અન્ય પામર કીડા મકોડા પણ જીવન તો જીવેજ છે.
જ્યારે જીવ માતાના ઉદરમાં પ્રવેશ કરે, ત્યારે સંતો મહંતો ના કહેવા મુજબ તેને બધી સમજ હોય છે. અને તેથી તે ભગવાન ને અરજ કરે છે કે મને આ કેદ થી જલદી છોડાવો, હું આપનાં ભજન કરીને મારું જીવન સાર્થક કરીશ. પણ આપણને બનાવનારો બરાબર જાણે છે, જન્મની સાથેજ આપણી વાણી છીનવી લે છે, તે જ્યારે આગલાં જન્મની સ્મૃતિ જતી રહે પછી મળે છે. તેથી આગળના કોઈ સંબંધ કે હિસાબ કિતાબ માં ફસાયા વિના પ્રભુ ભજન કરે. પણ આ ત્રુટી ને ટાળવા હરિએ માને એવી દૃષ્ટિ આપિછે કે બાળક ના એક એક ઇશારાને મા સમજી જઈને બાળક નું જતન કરે છે.
આપણે કોઈ જાનવર ને પાળીએ તો તેનું દરેક પ્રકારે પાલન પોષણ કરીએ છીએ. તો જગતનો પાલનહાર આપણને કેમ ભુખ્યો રાખે? બસ એના પર ભરોંસો રાખીને એના ગુણ ગાન કરતા રહીએ.
આપણે આપણી કોઈ પણ જરૂરત માટે બીજા કોઈ પર નિર્ભર ન રહેતાં બધું ઊપર વાળાને સોંપીને હર પળ હર ક્ષણ ભજન કરતું રહેવું, અને એવું જીવન જીવવું કે આ જીવન સફળ બની જાય, બાકી કોઈ પણ કારસો કામ આવતો નથી. પણ આ સંસારની માયા એવી લાગે છે કે આ બધું કરવું સહેલું નથી રહેતું, એના માટે પણ આપણે બધું ઊપર વાળાને સોંપી દેવું, જય શ્રી રામ.
ફોટો ગુગલના સહયોગથી સાભાર.
મિત્રો મારા ગુરુ સમાન સ્નેહી શ્રી કવી "દાદ" ની એક રચના ટી વી પર શ્રીમાન ભિખુદાનભાઈ રજૂ કરી રહ્યા હતા, "તું આપે એટલું લંવ" પણ તેના સીધા સાદાં શબ્દો થી દાદજીએ એવીતો રચના કરી કે ફક્ત બે વખત સાંભળતાં મને કંઠસ્થ થઈ ગઈ, અને તેની પ્રસ્તુતિ કરનાર ભીખુદાનભાઈની શૈલી પછી કેમ યાદ ન રહે? તે અહીં મૂકવા પ્રેરાયોછું. કારણ કે આ રચના સાંભળીને મારા દિલમાં અવાજ આવ્યો કે આતો "દાદ", એને ઉપરવાળાને કોઈ દાદ {ફરિયાદ} કરવાની ન હોય, ઉપરવાળો તેની જરૂરિયાત પોતેજ પુરી કરતો હોય, પણ હું ? મારી દાદ એમ કોઈ સાંભળે નહીં, અને હુંતો સદાએ તેનો ભિખારી, કેમ ન માંગું. તેથી એક "શું માંગું" રચના કરવા છતાં "એટલું માંગી લવ" લખાઇગયું. જે અહીં રજૂ કરૂંછું, પણ પહેલાં મારા "દાદ"ની સાધારણ શબ્દોમાં અસાધારણ રચના, આપ પણ માણો એવી આશા રાખુંછું.
વ્હાલાજી તું આપે એટલું લવ, એમાં ઓછું વધુ નહીં કંઉ....
આ સંસારમાં તારી સમૃદ્ધિના, ભંડાર ભર્યાછે બઉ
પણ મુખમાં સમાઇજાય એટલું માંગું, નહી ઊડળમાં લઉં...
મોંઘાં ભલે પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં
મીલના માલિક તાકા પહેરે નહીં, સવા ગજ પહેરેછે સઉ...
સમદર પીવાથી પ્યાસ બૂજે નહીં, થઈ જાય અપચો બઉ
મીઠડું મજાનું ઝરણું મળેતો, અમૃત ઘુટડા લઉં....
ઘરના ખૂણામાં ઘનશ્યામ મળેતો, ચાલું શીદ ગાઉ ના ગાઉ
"દાદ" કહે પ્રભુ તારી દુનિયામાં, તું રાખે એમ રઉ...
ઊડળ=બથ ભરીને.
એટલું માંગી લઉં
વ્હાલાજી હું એટલું માંગી લવ
તારા ચરણ કમળ માં રંવ...
આ સંસાર અસાર છે કેછે પણ, હું કેમ માંની લઉં
હરિનું બનાવેલું હોય મજાનું, એને સમજી લઉં...
મુક્તિ કેરો મોહ નથી ભલે, અવિરત જનમો લઉં
પણ ભવે ભવે હું માનવ થઈ ને, ગોવિંદ ગાતો રવ...
બાલા વય માં બ્રહ્મ ના વિસારૂં, કૃષ્ણ લીલા રસ લઉં
દીન દુખી ને આપું દિલાસા, પીડા પર ની હરી લઉં...
દીન "કેદાર" ની એક જ અરજી, તારી નજરમાં રવ
શ્વાસે શ્વાસે સમરણ કરતાં, અંત ઘડી ને માણી લઉં....
સાર-માનવ માત્ર કેટલો પણ ધનવાન હોય, કેટલો પણ આત્મ નિર્ભર હોય, કેટલો પણ સંતોષી હોય, છતાં ભગવાન પાસે કંઈ ને કંઈ માંગ્યા વિના રહી શકતો નથી. ભલે પછી એ માંગણી અલગ પ્રકારની કેમ ન હોય.
મોટા મોટા સંતો, મહંતો અને જ્ઞાનીઓ પણ કહે છે કે આ સંસાર અસાર છે, નર્કની ખાણ છે. સહજ છે કે મારામાં એટલી ઊંચાઈની સમજ તો નજ હોય, પણ મને એમ થાય કે શું ઇશ્વરે બનાવેલી કોઈ પણ રચના ખરાબ કે નબળી હોય શકે ખરી? મારા મતે કદાચ આપણે એને સમજી ન શકતા હોઈએ એવું પણ બને. નરસિંહ મહેતાએ ગાયું છે કે "હરીના જનતો મુક્તિ ન માંગે" મુક્તિ મળ્યા પછી શું થતું હશે શું ખબર? પણ માનવ જન્મ મળે અને પ્રભુ કૃપા કરે તો ભજન થાય એતો ખબરજ છે, તો શા માટે માનવ જન્મ ન માંગવો? હા સાથે સાથે હરી ભજન ની અપાર લગની રહે એ જરૂર માંગી લેવું. અને એ પણ બાળપણ થીજ, જેથી જીવનનો એક પણ દિવસ હરી ભજન વિનાનો ખાલી ન જાય. સાથો સાથ બીજાને ઉપયોગી થઈ શકીએ તો જીવન ધન્ય બનીજાય.
અને એક બીજી અરજ, સંસારમાં રહેતાં હોઈએ એટલે સાંસારિક કાર્યોમાં ક્યારેક તારા ભજન માં થોડો વિક્ષેપ પણ પડે, પણ હે નાથ ત્યારે તું મારા પર નજર રાખજે અને મને મારો અંત સમય તારા સ્મરણ થકી સુધરી જાય તેનું ધ્યાન રાખજે.
જય શ્રી રામ.
શું માંગું ?
હવે પ્રભુ શું માંગું કિરતાર જી. હરિ તેં તો આપ્યું અપરંપાર...
મહેર કરીને માનવ કુળ માં, આપ્યો તેં અવતાર જી.
પોષણ કાજે પ્રભુ તેં આપ્યું, અન્ન અન્ન દાતાર..
જલ તેં આપ્યું સ્થલ તેં આપ્યું, વસુ નો કેવો વેપાર જી.
મેઘ રાજાની મહેર આપી તેં, વાયુનો રૂડો વહેવાર...
મુખ દીધું તેં માનવી ને, પણ એમાં એ ઉપકાર જી.
વાણી આપી વનમાળી તેં, રીઝવવા કિરતાર...
કીડી નો કરતા હાથી નો ભર્તા, વિશ્વેશ્વર તું વિરાટ જી.
મુજ ગરીબની ગરજ કેટલી, શાને કરૂં હું ઉચાટ..
આપે અઢળક અમને કે પછી આપે તું ઉત્પાત જી
તારી પ્રસાદી માની પ્રભુજી, સ્વીકારી લઉં સરકાર...
એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન"કેદાર" જી.
હરપળ હર ક્ષણ હરિ ભજી લંવ, એટલો કર ઉપકાર...
સાર-માનવી જો ઈશ્વરે જે આપ્યું છે તેનું મૂલ્ય સમજવા લાગે તો ક્યારેય ભગવાન પાંસે કશુજ માંગશે નહીં. દેવતાઓને પણ દુર્લભ માનવ દેહ, અને તેના ભરણ પોષણ માટે અન્ન,જલ અને વાયુ આપ્યા, વળી અન્ન જલ અને વાયુ ના ઉત્પાદન અને સંગ્રહ માટે વાતાવરણ, ધરતી અને સમુદ્ર. અને તે પણ નિયંત્રિત રીતે.વારે વારે વાવાઝોડાં આવતા હોય તો? વારે વારે અતિ વૃષ્ટિ થતી હોય તો? વારે વારે સુનામી આવતી હોય તો? ના, બધુંજ નિયંત્રણમાં, હા આ ક્રમમાં આપણે વિક્ષેપ કરીને સમતોલન બગાડીએ છીએ. વાયુના પરિભ્રમણથી વાદળા બને અને વરસાદ આવે, જમીનમાં એક બીજ વાવો હજારોની સંખ્યામાં ઉત્પન્ન થાય, મોટાભાગની વનસ્પતિ તો કુદરતજ ઉત્પન્ન કરે, વાવવી ન પડે. અને આ ઉત્પન્ન થયેલા પોષક દ્રવ્યોને ઉદર સુધી પહોંચાડવા માટે મુખ,તેમાં દાંત, પછી તેમાં પાચન રસ ભેળવીને ઊર્જા ઉત્પન્ન કરીને શક્તિ પેદા કરવી. અરે આમાંથી એકાદ અવયવ ન હોવાની માત્ર કલ્પનાતો કરો? હા જે કુદરતે સહજ આપ્યું છે તેની કદર નથી થતી.
મુખતો દરેક જીવને ભગવાને આપ્યુંજ છે, પણ માનવી માટે એક અનેરો ઉપકાર કરીને વાણી આપી, કે જેથી આપણે ભગવાનનાં ભજન કરી શકીએ. પણ કેટલા ટકા આ ઉપકારને સાર્થક બનાવીને તેનો બદલો વાળવાની કોશિશ કરીએ છીએ? કીડીને કણ આપનારો હાથીને મણ મોઢે ભોજન આપેછે. એ વિરાટ પાસે મારા જેવા એક પામર ની એકજ માંગછે કે હે પ્રભુ, બસ હર પલ હર ક્ષણ મને તારા નામનું ભજન શ્વાસે શ્વાસે ચાલતું રાખજે એજ અભ્યર્થના.
ફોટો ગુગલના સહયોગથી સાભાર.
આનંદ
મને અનહદ આનંદ આવે, હરિને હૈયે હેત કેવું આવે..
સેવક કાજે સરવે સરવા, વિધ વિધ રૂપ ધરાવે
પણ પોતાનું જાય ભલે પણ, ભક્ત ની લાજ બચાવે...
પિતા પ્રભુના પાવળું પાણી, પુત્ર ના હાથે ન પામે
પણ- અધમ કુળ નો જોયો જટાયુ, જેની ચિત્તા રામજી ચેતાવે...
ભીષ્મ પિતામહ ભક્ત ભૂધરના, પ્રણ પ્રીતમ એનું પાળે
કરમાં રથ નું ચક્ર ને ગ્રહતાં, લેશ ન લાજ લગાવે..
સખુ કાજે સખુ બાઈ બની ને, માર ખાધો બહુ માવે
ભક્ત વિદુર ની ઝૂંપડી એ જઈ, છબીલો છોતરાં ચાવે...
નરસિંહ કાજે નટખટ નંદન, વણિક નો વેશ બનાવે
હૂંડી હરજી હાથ ધરીને, લાલો લાજ બચાવે..
ગજને માટે ગરુડ ચડે ને, બચ્ચા બિલાડી ના બચાવે
ટિટોડી ના ઈંડા ઊગારી, "કેદાર" ભરોંસો કરાવે...
સાર:-
મને એક આનંદ થાયછે, કે ઈશ્વર ને પોતાના ભક્તો પર કેટલો પ્રેમહોય છે? જેના માટે પ્રભુ કંઈ પણ કરવા તત્પર રહેછે. ભલે પોતાનું વચન-ટેક જાય પણ ભક્તની લાજ જવા ન દે.
૨-રામના પિતા દશરથનું જ્યારે મૃત્યુ થયું ત્યારે રામ પિતાજીના મુખમાં પાણી પાઈ શક્યા ન હતા, પણ એજ રામ જ્યારે સીતાજીના રક્ષણ ખાતર ઘાયલ થયેલા જટાયુ ને જોયો ત્યારે તેને પોતાના ખોળામાં લઈને પોતાની જટાથી તેની ધૂળ સાફ
કરી, અને અંતે તેની ચિતા પણ રામેજ ચેતાવી.
૩-મહાભારતના યુદ્ધ વખતે જ્યારે અર્જુન અને દુર્યોધન બન્ને કૃષ્ણ પાસે તેમને યુદ્ધમાં સહભાગી બનાવવા માટે આવ્યા, ત્યારે ભગવાને કહ્યું કે મારે બન્ને ની માગણી સ્વીકારવી જોઇંએ, પણ આ યુદ્ધમાં હું હથિયાર હાથમાં લેવાનો નથી, તો તમે માંગો, એક બાજુ હું રહીશ અને બીજી બાજુ મારી અક્ષૌહિણી સેના રહેશે. ( જેમાં ૨૮૧૭૦ રથ, ૬૫૬૧૦ ઘોડેસવાર, ૧૦૯૩૫૦ પાયદળ સૈનિકો અને ૨૧૮૭૦ હાથીઓ હોય છે. )ત્યારે દુર્યોધને હથિયાર વિનાના ભગવાનને બદલે સૈન્ય ની માગણી કરી. અર્જુનને તો કૃષ્ણજ જોઇતા હોય ને?
મહા ભયંકર યુદ્ધ થયું, ભગવાનના માર્ગદર્શન થકી અર્જુનનું સૈન્ય બળવત્તર બનતું જોઇ, એક દિવસ ભીષ્મ પિતા પણ પ્રતિજ્ઞા લેછે કે આજે હું કૃષ્ણને હથિયાર ઊપાડવા મજબૂર કરીને તેની ટેક ભંગાવીશ, જેથી તેમનું બળ ક્ષીણ થાય. ભીષ્મ પિતા ખૂબ લડ્યા, જ્યારે ભગવાનને લાગ્યું કે હવે ભીષ્મ પિતાજી થાકી જશે, અને પોતે લીધેલી ટેક પાળી નહીં શકે, ત્યારે ભગવાન એક તૂટેલા રથનું પૈડું લઈને દોડ્યા, એ જોતાંજ ભીષ્મ પિતાએ હથિયાર મૂકી દીધાં, કે મેં મારું પણ પુરૂં કર્યું છે. ભગવાને રથનું ચક્ર હથિયાર ન ગણાય એવી એવી દલીલો કરી, પણ ભીષ્મ પિતામહ સમજી ગયા, કે હે કેશવ, મારા પણ ખાતર તેં તારા વચનને આ રીતે તોડ્યું છે. આમ ભગવાન પોતાનાં ભક્તોનાં પણને-ટેકને પાળવા માટે ક્યારેક પોતાના વચનને કોઈ અન્ય સ્વરૂપ આપીને છોડીદે છે.
સખુબાઇ માટે પ્રભુએ સખુનું રૂપ ધર્યું, અને સખુના સાસુ સસરા નો માર પણ ખાધો. વિદુરની ભાજી ખાધી, નરસિંહ મહેતા ના અનેક કાર્યો કર્યા. હાથીને મગર થી બચાવ્યો, નીંભાડા માંથી બિલાડીનાં બચ્ચાંને બચાવ્યા, યુદ્ધ ભૂમિમાં પડેલાં ટિટોડીનાં ઈંડાને ઊગાર્યાં. આમ કેટલાં કેટલાં કાર્યો બતાવું? બસ એના પર ભરોંસો રાખી એનું ભજન કરતા રહેવું, જરૂર સાંભળશે, અને આપણને પણ સંભાળશે.
જય શ્રી દ્વારકેશ.
ફોટો ગુગલના સહ્યોગથી સાભાર.