Tuesday, January 31, 2017

ધન્ય એની જાત ને

ધન્ય એની જાત ને

જન્મ ધરી જેણે જાદવ જપિયા,
ધન્ય એની જાત ને
હરિ ભજન જેને હૈયે રમતું,
જપે સદા જે જગ તાત ને...

સુવાડે શ્યામ ને સમરી,
કથા જે કૃષ્ણ ની કરતી,
કરાવે પાન અમૃત નું,
રટણ નિત રામ નું કરતી
ગળથૂથી માં જેણે ગોવિંદ ગવડાવ્યો, વંદન એવી માત ને...

ભણ્યો જે ભાવ થી ભૂધર,
રચ્યો નિત રામ માં રહેતો,
ન લાગ્યું મનડું માયા માં,
કશી ના કામના કરતો
દીન દુખી ને દેતો દિલાસા,
સાંભળી એની વાત ને...

કરે નિત સંત ની સેવા,
ભળે જે ભક્ત ના ભેળો,  
ભજન નો ભેખ પહેરી ને,
લગાવે નામ નો નેડો
પરજન કેરી પીડ પિછાણી જે,
જાણે દુખી નિજ જાત ને...

ન આવે યમ તણા તેડા,
સિધાવે સ્વર્ગ માં સીધો,  
રહે ના જન્મ ના ફેરા,
સફળ અવતાર એ કીધો
" કેદાર " આવા કરમી જન તો,
તારીદે સઘળી નાત ને...

રચયીતા-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.
9426140365

Sunday, January 29, 2017

દુવિધા

દુવિધા

કેમ રે ભરોંસો તારો આવે,
                        દેવકી ના જાયા..કેમ રે...

ખોટાં ખોટાં વચનો તારાં, ખોટા તારા વાયદા
ખોટાં ખોટાં ખેલ કરાવે...

પાંચાળી કેરાં પ્રીતમ, પટ પૂરાં પૂરિયા
ગોપીઓ ના ચીર ને કાં ચોરાવે....

ગીતાના જ્ઞાન ગોવિંદ,  પાર્થ ને પઢાવ્યા
પણ-રણ છોડી રીતો કાં ભુલાવે...

ટિટોડી કેરાં કેશવ,  ઈંડા ને ઉગાર્યા
પણ-કાળ યવન કપટે કાં મરાવે....

સૃષ્ટિ ના સર્જન હારા, હાની મરણ [તારા] હાથમાં
તો- દ્વારિકા ને દરિયો કાં ડુબાવે...

" કેદાર " કનૈયા તારી,   લીલા ને શું જાણશે
મથી મથી મનડા ને મૂંઝાવે..

રચયીતા-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.
9426140365

Saturday, January 28, 2017

થાળ

થાળ

સાખી-મુજ દીન ના દ્વાર પર, અવસર આવ્યો આજ
પીરસું થાળી પ્રેમ ની,
આરોગો મહારાજ

સાખી-નથી મેવા નથી મિસરી, નથી પેંડા પકવાન
દીન ગરીબ નો થાળ છે,
પ્રેમે જમો ભગવાન

આવો નેનટવર આવો ને મોહન
ગોવિંદ વર ગિરિધારી,
પ્રભુ પીરસી છે મેં થાળી...

મેવા ન મળિયા મોદક ન મળિયા, પેંડા જલેબી કે ઘારી
શીરો મળ્યો નહિ શામળિયા મને, ઘી ની ભરી નથી જારી
વિધ વિધ વાનગી ક્યાંથી ધરાવું, સમજો છો વાત સારી... 

રુખિ સુખિ રાબ બનાવી,
થોડું ગોરસ ગિરિધારી
માખણ મિસરી ક્યાંથી લાવું તારાં,  ભોગ પડે મને ભારી
ગરીબ ગણીને ગોવિંદજી મને,   માફ કરો ને મોરારિ.. 

અશ્રુ કેરા જલ થી જીવન,
તારાં ચરણ કમલ ને પખાળું
તુલસી કેરા પાન ધરાવું,    
બીજો મુખવાસ શું મંગાવું 
સૂવાને નહિ દંવ શામળિયા તને, રાત ભર વાતો કરૂં પ્યારી...        

નથી નરસિંહ કે દામા કુંડે,   દામોદર ને જમાડું    
નથી સુદામો તાંદુલ વાળો,
હું તો ગરીબી ગાઉં
દીન જાણી ને દીન " કેદાર " પર, મહેર કરજો મોરારી...

રચયીતા-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.
9426140365

Friday, January 27, 2017

ડેરો

ડેરો

ફંદે ફસાયો હો  
પડ્યો ડેરો છે ડોક માં,  
મોહ માયા નો હો  
        પડ્યો ડેરો છે ડોક માં...

જૂઠું બોલ્યા વિના જગમાં જીવાય નહિ,  
ખોટું લીધા વિના   ખરચો કઢાય નહિ
નાણું ભેગું થાય નહિ હો... 

નગદ નારાયણ નું નામ મુખ થી જાય નહિ, નર નારાયણ નું ભજન સુખે થાય નહિ
પણ-સમય વેડફાય નહિ હો...

દાન પુણ્ય દક્ષિણા ખર્ચા બધા ખોટા,     આપે ભૂખ્યા ને અન્ન હરિવર છે મોટા     આમાં વચમાં પડાય નહિ હો...

પાપ પુણ્ય કર્મ દોષ હરિ ને હવાલે,       જનની જોરૂ પિતા પુત્ર સોંપ્યા ઉપર વાલે
એને છોડાય નહિ હો...

ક્રોધ જો ન કરીએ તો સતાવે સંસારી,   સીધા સદા રહીએ તો ભીડ પડે ભારી
જગ માં જીવાય નહિ હો...

સુખ માં સંઘરી લો દુ:ખે કામ આવે,   હોય ગાંઠ નાણું લોક દોડી દોડી આવે
લક્ષ્મી વપરાય નહિ હો...

સત્ય વચન સત્ય કર્મ સત યુગ માં શોભે,    
કળિયુગ માં કર્મ બધાં કરવા સંજોગે
મોકો ચુકાય નહિ હો....

સ્વર્ગ નરક કોણે દીઠાં ભ્રાંતિ છે
ખોટી,          
શાસ્ત્ર વેદ મંત્ર બધાં વાતો કરે મોટી
ભ્રમ માં પડાય નહિ હો...

પામ્યો મનુષ્ય દેહ એજ સ્વર્ગ સાચું, બંગલા મોટર નોકર ચાકર સુખ માં સદા રાચું
સ્વર્ગ બીજું હોય નહિ હો..

પછી- આવે બુઢાપો ધોળી ધજાયું ફરુકે,              
તૂટે ખુમારી ને કેડ વાંકી ઝુકે
હવે- પાછું વળાય નહિ હો...

આવે જ્યારે યમ ના તેડા સમજણ સૌ આવે,
જીવન બધું એળે ખોયું સત્ય સમજ આવે
પણ - તૂટ્યું સંધાય નહિ હો...

આપે પ્રભુજી જો અવસર એક આવો, રામ નામ રટણ કરી લઉં જીવન નો લહાવો
ભૂલ આવી થાય નહિ હો...

આવી જગત માં જીવ ફરી થી ફસાતો,
" કેદાર " કરુણા એજ ભૂત ભૂલી જાતો
આમ ચોરાશી તરાય નહિ હો...

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
www.kedarsinhjim.blogspot.com
kedarsinhjim@gmail.com
dinvani.wordpress.com
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

Monday, January 23, 2017

જલારામ બાપા

જલારામ બાપા

સાખી-સંત સેવક કે ભક્ત જન, ચોથા અન્ન દાતાર
હરિ હૈયે અવિરત વસે,
નજર હટે ના લગાર...

સાખી-અન્નદાની વીરપુર વસે,
એ ની ફોરમ જગ ફેલાય
હૈયે હરખની હેલી ચડે,
જ્યાં નામ જલા નું લેવાય..

વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં 
દાતા તમે આવ્યા જલા ના વેશ માં....

માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા 
સાધુ સંતોની સેવા કરતાં,
અંતર ઉમંગ આવેશ માં.. 

અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાઘડી, ઓલિયો લાગે છે કેવો ખેસ માં. 

લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઈશ નો કરતાં
ગંગા ને યમુના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં...

પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં 
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના પહેરવેશમાં 

રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત,  મૂર્તિ રૂપ મંડાણા
હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઈ ભકતના વેશમાં.. 

રામના નામની ધૂણી ધખાવી, ભૂખ્યાને અન્નજલ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં 
અવળાં ઉત્પાત કોઈ અંતર ના આણતાં, બોલે ભલેને કોઈ દ્વેષ માં

દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો 
હેતે હરિજન દર્શન કરતાં,
પામે સંતોષ પુરે પુરો
એક અધેલો ચડેના ચડાવો, કોઈ પણ દાણ ના પ્રવેશ માં...

દીન " કેદાર " પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હૃદયે હરજી,
એવી મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઊડે પંખેરુ મારું, આવું તારે દ્વારે શુદ્ધ વેશ માં

Saturday, January 21, 2017

જગ જનની

જગ જનની

ઢાળ:- રાગ દુર્ગા જેવો

જગ જનનિ જગદંબા ભવાની,   હું બાલુડો તારો
આવ્યો તારે શરણે અંબા,       શરણાગત ને સ્વીકારો...

તું કરૂણા ની કરનારી,        દુખિયા ના દુ:ખ હર નારી
તારી મૂર્તિ મંગલકારી ભવાની...

તારી શોભે સિંહ ની સવારી,
તને ભજતાં ભૂપ ને ભિખારી
માં સમદ્ગષ્ટિ છે તમારી ભવાની...

તારી ભક્તિ જે ભાવ થી કરતાં, એના પાપ સમૂળાં ટળતાં
એને યમ કિંકર ના નડતાં ભવાની

ના હું ભાવ ભક્તિ કંઈ જાણું,    તારો મહિમા કેમ પિછાણું
મને આપો ઠરવા ઠેકાણું ભવાની.

તારું નામ રહે નિત મન માં,
વીતે જીવન સમરણ સુખ માં
ના હું પડું ચોરાસી ના દુ:ખ માં ભવાની

માં દીન " કેદાર " ઊગારો,        મારી બેડલી પાર ઉતારો
મને આશરો એક તમારો ભવાની

Friday, January 20, 2017

ગૌરી નંદ ગણેશ

ગૌરી નંદ ગણેશ

સાખી-સૌથી પહેલાં સમરીએ, ગિરજા નંદ ગણેશ.  
દીન " કેદાર " ની વિનતિ,
રહો હૃદય માં હંમેશ

સાખી-ગણ નાયક ગણ ઈશ તું, ભજે ભક્ત ગણ દેવ.  
દીન " કેદાર " દિન દિન ભજે,
કરે તમારી સેવ

સાખી-ગાઉં ગુણલા ગણેશ ના, રટું નિરંતર નામ.  
કરો કૃપા " કેદાર " પર,  
સમરૂં ઠામો ઠામ         

ગૌરી નંદ ગણેશ.
રૂપ તમારું મન હરનારું,
સમરે શેષ સુરેશ...

ભાલ વિશાલ નયનો નાના,  
બેઠાં બાળે વેશ
શિવ શંકરજી લાડ લડાવે,  
કાપો સઘળા ક્લેશ...

મોદક મિસરી માત જમાડે,
મુખડું નિરખે મહેશ

રિદ્ધિ સિદ્ધિ પાય પખાળે,  
વંદે દેવ દિનેશ...

શિવ સનકાદિક અરુ બ્રહ્માજી, પ્રથમ સમરે ગણેશ
દીન " કેદાર " પર દયા દરશાવો, ગાઉ ગુણલા હંમેશ..