આવો હવે મોરલી વાળા, સં ભવાની વચન વાળા
ભૂમી ભારત ઉગારો, આવો ગિરિધારી આવો...
રાવણ તે'દિ એક જનમ્યો'તો, ગઢ લંકા મોજાર
આજ ઠામો ઠામ રાજ રાવણ ના, કોઇ ન તારણ હાર
વિભીષણ એક ન ભાળું, જામ્યું બધે પાપ નું જાળું..
પેટમાં પોઢીને સાંભળેલી શિવે, રામ લક્ષમણ ની વાત
આજ ન જીજાબાઇ જણાતી, નથી શૂરો કોઇ તાત
ભિડૂં જે ભોમ ની ભાંગે, જાગે રણશિંગા વાગે...
આજ ભામાશા ભાળ ન લેતો, લડે રાણાજી કેમ
ધનવાનો ધન ઉપર બેઠાં, ભોરિંગ કાળા જેમ
લૂટેછે ગરીબ ની મુડી, રાખે નીતિ કુડી કુડી...
હોટલ ક્લબ માં ચડે હિલોળે, ડીસ્કો દેતાં થાપ
નાટક ચેટક નખરા જોતાં, આજના મા ને બાપ
તમાકુની ફાકીયું ફાકે, આમાં-શિવાજી ક્યાંથી પાકે..
આજ જુવાનિ ચડી હિલોળે, અવળો છે ઉતપાત
નારી દેખી નર સીટીઓ મારે, દુર્યોધન ના ભ્રાત
સીતાની શોધ શું થાતી, લાજું જ્યાં રોજ લુટાતી..
લીલા પીળાં લુગડા પહેરે, નહિં પુરૂષ પહેચાન
લટક મટક ચાલ ચાલેને, નચાવે નેણ કમાન
આંખે આંજે કાજળ કાળું, રાખે વાળ જાણે જાળુ..
શરીર જુવો તો સાગ ની સોટી, વળી છે વાંકી કેડ
ખેતર વચ્ચે ચાડિયો ચોંટ્યો, એવો લાગેછે મેળ
ભૂમિ ભારત ની લાજે, ભાળી નિજ બાળ ને આજે..
ખૂરસી માટે ખેલ મંડાણો, કરતા નાગા નાચ
પૈસા ખાતર પંડ ને વેચે, એવા રહ્યા છે સાચ
ભારત ની ભોમકા માથે, આવ્યા સૌ બાથં બાથે..
સંત દુભાતાં શામળો આવે, રાખે ભક્ત ની લાજ
આજ મુનિજન એવા હશે ક્યાં, રીઝાવી લે મહારાજ
ઊતારે રામ ને હેઠો, જુવેછે ત્યાં બેઠો બેઠો..
જન્મ ધર્યો જ્યાં જાદવરાયે, રામ લીધો અવતાર
આજ ભુમિ એ ભિડે પડી છે, આવે લાજ અપાર
રહે શું માતમ તારૂં, લાગે તને કલંક કાળું..
સુણી અરજ સરકાર પધારો, આણો પાપ નો અંત
વણશિંગા આ રાક્ષસ મારી, સ્થાપિદો સઘડે સંત
ગીતાના ગાન વિચારો, પધારો શ્યામ પધારો..
અંત આવ્યો અમ ધીરજ કેરો, સંકટ સહ્યાં ન જાય
આગ લાગી અમ હૈયે હરજી, એકજ છે ઉપાય
કાંતો અવતાર ધરાવો, નહિંતો ના પ્રભૂ કહાવો...
દીન "કેદાર"ના દીન દયાળુ, શાને કરો ઉપહાસ
પ્રલય પાળે જગ બેઠુંછે, નહિં ઉગરવા આશ
પછી અવતાર જો થાશે, તો-તારાં કોણ ગુણલા ગાશે...
No comments:
Post a Comment