Thursday, July 18, 2013

દાન.-૨

દાન.
હમણાં હમણાં કેદારનાથ ના દરરોજ સમાચાર દરેક માધ્યમોમાં છવાયેલા રહેછે. ત્યાંના પ્રલયને એક માસ થયો તેના રિપોર્ટ જોયા, ક્યારેક અમુક સેવા જોઈને Anand થાયછે તો વધારે નિરાશા પણ થાયછે. જવાનોએ કરેલી અદ્ભુત કામગીરી જોતાં તેમને સલામ કરવાનું મન થાયજ, ચોપરના ચાલકો પોતાનો જીવ જોખમમાં મૂકીને કેવી કેવી જગ્યાએ ઉતરાણ કરીને સેવા આપતા હતા તે તો કદાચ આ પરિસ્થિતિને સમજનારજ સમજી શકે. તો પ્રશાસકોના ભ્રામક ભાષણો સાંભળીને અફસોસ થાય કે આમને મત આપીને કેવી મોટી ભૂલ કરીછે? આજે પણ ટી વી માધ્યમોએ બતાવેલા દ્ગશ્ય મુજબ જો તે આજનાજ દ્ગશ્યો હોય તો આજે પણ મેં પહેલાં બતાવેલા નંદી મહારાજના શરીર પર પડેલા પથ્થરને હટાવવાનું કોઇને ધ્યાન આવ્યું લાગતું નથી, તે પથ્થર એજ સ્થિતિમાં નંદી મહારાજને પરેશાન કરી રહ્યો છે.
  દાન બાબત હું આ લખાણ એક બે જગ્યાએ મૂકી ચૂક્યોછું પણ આજે ફરીથી લખવા પ્રેરાયોછું અને બધાને મોકલવા ની ઇચ્છાથી લખુંછું.
    
અનેક નામી અનામી દાતાઓ એ અનેક રીતે દાન કરીને પોતાનો ઇતિહાસ બનાવ્યો છે. મહા દાની કરણ, કે જેની પાસેથી કોઈ પણ યાચક ખાલી હાથે પાછો ન ફરતો. ઘણા દાનીઓ એ જ્યારે યાત્રાળુઓને રહેવાની સગવડ ન હોય તેવી પહાડી અથવા એવી દુર્ગમ જગ્યા કે જ્યાં ખાલી હાથે જવું પણ અઘરું લાગતું હોય, ત્યાં સિમેન્ટ પથ્થરો અને લાકડા પહોંચાડી ને અદ્યતન ધર્મશાળાઓ બનાવીછે, તો કોઈ મહાનુભાવે અન્નક્ષેત્રો ચાલુ કરાવ્યાછે. કોઈ કોઈ સંપ્રદાય મહાલયો બનાવવામાં આગળ રહ્યા તો કોઈ વળી દેવાલયો બનાવવામાં અરબો ખરબો ના દાન લઈને એક થી એક ચડિયાતા મંદિરો બનાવવામાં લાગી ગયા. અવા તો અનેક દાતાઓ આપણા ભારત વર્ષમાં થઈ ગયા જેણે પોતાનું નામ સુવર્ણ અક્ષરે માનસ હ્રદય માં કોતરાવી દીધું. હાલના વિજ્ઞાનના સમય માં લોકો અંગોનું દાન કરી ને ચિકિત્સા પધ્ધતિ માં સહાય રૂપ બનવા લાગ્યા છે. 
      
ક્યારેક મન એમ પણ વિચારવા મજબૂર બની જાય છે કે શિરડી વાળા સાંઈબાબા કે જેમણે આખી જીંદગી એક ધોતી અને ઝભ્ભો પહેરી ને કોઈ સામાન્ય ભેટ પણ ન સ્વીકારી ત્યારે આજે બાબા ને સોના ના સિંહાસન અને અન્ય મૂલ્યવાન આભૂષણો ધરવામાં આવે છે, તે બાબાને ગમતા હશે કે ભક્તો સામે મજબૂર બની ને સ્વીકારવા પડતા હશે?

સત્ય સાંઈ બાબા માટે અનેકો અનેક સાચી ખોટી વાતો થતી, પણ તેમણે જે વિદ્યાલયો અને ચિકિત્સાલય બનાવી, અને તેમાં પણ ગરીબો ને મફત ઇલાજ અને વિદ્યા દાન આપવામાં આવે છે તેનું જે મહત્વ મને સમજાય છે તે ભગવાન ને ૫૬ ભોગ ધરવાથી અનેક ગણું વધારે લાગે છે. ભગવાન તો ભાવના નો ભૂખ્યો છે, માનવ ને ભૂખ્યો રાખી ને ભગવાન ને ભોગ લગાવો તો હું નથી માનતો કે ભગવાન એ ભોગ જમે. અરે મને તો લાગે છે કે આવા ભોગથી તે પ્રસન્ન થવાના બદલે ક્રોધાયમાન થતો હશે અને કહેતો હશે કે હે નાદાન, તું શું સમજે છે? મારું એક પણ સર્જન ભૂખ્યું હોય ત્યારે હું ભોગ આરોગું?    

કોઈ જગ્યાએ હજારો લીટર દુધ ધરવામાં આવેછે, તો કોઈ જગ્યાએ તેલની ધારાવાહી કરીને પુણ્ય કમાવામાં આવેછે, તો ક્યાંક શરાબ પણ અર્પણ કરવામાં આવીછે, હું તેનો વિરોધ તો નથી કરતો કારણ કે હું પણ ધાર્મિક વૃત્તિ ધરાવુછું, દરેક ની માન્યતા અલગ અલગ હોયછે, પણ જે આવો ચડાવો ચડાવવામાં આવેછે તેમાં શરાબ જેવી પ્રસાદી છોડીને ખાવા લાયક કે ફરી ઉપયોગમાં આવી શકે તેવી પ્રસાદી માટે કોઈ એવી વ્યવસ્થા કરવી જોઇએં કે તે ખરાબ નથાય અને શુદ્ધિ કરણ કરીને જરૂરત મંદોને કે ભૂખ્યા દુખીયાને આપવામાં આવે તો મને લાગેછે કે ભગવાન વધારે ખુશ થશેજ તેનો મને પુરો ભરોસો છે.

મેં સાંભળેલી કથા પ્રમાણે તિરુપતિ દાદાની વાત થોડી અલગ છે, તેનું કથાનકજ અલગ છે તેથી ત્યાં લક્ષ્મીજીનું મહત્વ હોય તે સહજ છે, પણ પ્રસાદનો વેપાર કેટલો ઉચિત છે? ભગવાને દાન ધર્મ કે બીજે ક્યાંય રોકાણ કરવા બાબત કોઈ અવરોધો રાખ્યા નથી, તો શા માટે ગરીબોને મફત દવા/ ચિકિત્સા અને ભોજન, સંપતી હોવા છત્તાં  આખા ભારતમાં ઉભા નથી કર્યા? જે લગભગ મોટા ભાગના ગરીબ દર્દીઓને સેવા આપી શકે, પણ જે છે તેમાં પણ ઘણી જગ્યાએ લાગવગથી મોટા માથાઓ કે સંચાલકોના સગા વહાલા ભરાઈ બેઠાં હોવાથી જગ્યા હોતી નથી કે મળતી નથી. એવાતો અનેક રસ્તાઓ છે જેનાથી ભગવાન પણ ખુશ રહે, પણ કોઈ પણ કારણસર આવું બનતું નથી તે દુર્ભાગ્ય છે. આવા અનેકો અનેક મંદિરો આપણા ભારતમાં અને આપણા ધર્મોના કાર્ય કર્તાઓએ વિદેશોમાં પણ અઢળક સંપતી એકઠી કરીને નિર્માણ કર્યાછે, પણ આવા કોઈ કાર્યોમાં ખૂબજ અલ્પ ભાગજ વાપર્યોછે.  
 
મારા પોતાના મત પ્રમાણે મોટા મોટા મહાલયો કે મોટા મોટા મંદિરો માં જ્યારે દર્શનાર્થિ જાય છે ત્યારે શાંતિ કે ભક્તિ મેળવવા ના બદલે ભવ્યતા અને વૈભવમાં એવો તો લીન થઈ જાય છે કે તે ઘડી ભર ભગવાન ને પણ ભૂલી જાય છે, અને તેથી આવા મહા મંદિરો નો આશય (ભક્તિ) વીસરાય જાય છે. એના બદલે એટલી રકમ માંથી અમુક રકમ ની કોઈ હોસ્પિટલ બનાવી અને બાકી રકમ  કોઈ બેંકમાં જમા કરી ને તેના વ્યાજ માંથી ઘણી જગ્યાએ ચાલતી સેવાઓ અનેકો અનેક ગણી વધારે આશીર્વાદ રૂપ બને છે. અને એમાં સારવાર પામી ને નવ જીવન મેળવેલો માનવી કોઈ ભવ્ય મંદિરમાં જઈ ને મેળવેલી શાંતિ થી અનેકો અનેક ગણી પરમ શાંતિ જીવન ભર પામે છે. ઈશ્વર આવા કાર્યથી જે ખુશી પામતા હશે તેનાથી કોઈ મોટી ખુશી કોઈ પણ દાનમાં પામતા નહીં હોય.     

આવા બધા અરબો ખરબોના માલિક ભગવાનના સેવકોમાં પણ એક જગ્યા એવી છે કે જેનો ઉલ્લેખ ન કરું તે કેમ ચાલે? કારણ કે આ એક એવી જગ્યા છે કે જ્યાં ભક્તો અરબો રૂપિયા એક ચપટી વગાડતાંજ એકઠા કરી આપે તેવી જગ્યા છે, પણ આ જગ્યા માં આપણા શાસ્ત્રમાં સૌથી જેને મહા દાન ગણવામાં આવ્યું છે તે અન્ન દાન નું દાન કરીને અનન્ય સેવા કરેછે, અને તે પણ આપને નવાઈ લાગે તે રીતે કોઈ પણ જાતની સેવા સ્વીકાર્યા વિના કરવામાં આવેછે, હાંજી આપ ઠીક સમજ્યાછો, કોઈ પણ દાન કોઈ પણ રૂપમાં અહીં સ્વીકારવામાં આવતું નથી, અરે કોઈ ફળ પણ નહીં, છેને આ જમાનામાં ન માની શકાય તેવી વાત? છતાં આ જગ્યા મારફતે મહિલા શિક્ષણ માટે અદ્યતન કૉલેજ અને ચિકિત્સા જેવી અનેક સુવિધા વિના મૂલ્યે ઉપલબ્ધ છે. અને એ જગ્યાછે રાજકોટ થી નજીકમાંજ આવેલું નાનું એવું વીરપુર ધામ કે જ્યાં જલારામ બાપાના એક સમયે બેસણા હતા અને સાક્ષાત્ ઈશ્વર પોતે ત્યાં પધારેલા અને જલારામ બાપાના પત્ની વિરબાઈમાંની માગણી સેવા કરવા માટે કરેલી, કોઈ પણ જાતનો સંશય કર્યા વિના બાપાએ વિરબાઈમાંને ભગવાન સાથે વળાવી દીધેલા. પછીતો ભગવાનને ભોંઠપ આવી અને વિરબાઈમાંને એક ધોકો અને એક ઝોળી આપીને મહા મહેનતે છટકી શક્યા, આજે એજ ધોલો અને ઝોળી વીરપુર ધામમાં દર્શનાર્થે રાખવામાં આવ્યાછે, પ્રભુએ હાથો હાથ આપેલા એ ધોકા અને ઝોળીના દર્શન કરીને ભક્તો ધન્ય ધન્ય બનેછે. એવી પવિત્ર ભૂમી છે વીરપુર, હવે આપજ વિચારો આપ કેને મહાન કહેશો ? અને છતાં કોઈ જાતનો પ્રચાર કરવામાં આવતો નથી. કે કોઈ ચમત્કારની ભ્રમણા ઊભી કરવામાં આવતી નથી.
 
મિત્રો મારી બુદ્ધિ પ્રમાણે મને જે લાગે છે તે લખું છું, માટે મારા મત સાથે સહમત થવાની જરૂર નથી, પણ કોઈ પણ કર્મ કે દાન સમજી વિચારી ને કરાય અને યોગ્ય રીતે કરાય તો જ તેનું શુભ ફળ મળે છે, નહીં તો તેમાં નુકસાન થવાની સો એ સો ટકા સંભાવના છે. એવા ઘણાં દાખલા આપણા શાસ્ત્રોમાં મોજૂદ છે કે કોઇએ ગેર માર્ગે દોરાઈ ને કે યોગ્ય પાત્રની જાણકારી વિના દાન કરીને પુણ્ય ને બદલે પાપ કમાયું હોય.

આશા કરૂં ઈશ્વર સૌને સદ બુદ્ધિ આપે, (મને પણ.)
જય નારાયણ.
ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજી


No comments:

Post a Comment