આજીજી
ઢાળ:- પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે- જેવો
જેવો ઘડ્યો છે મુજને એવોજ છું હું દાતા, કરૂં કર્મ સઘળા જે લખિયા વિધાતા.
ન જાણું હું મંત્રો ન શ્લોકો ની સમજણ, ન કીધાં કદી કોઈ યજ્ઞો પારાયણ
જે બોલું હું મુખથી તે મંત્રો ગણી લેજો, અજ્ઞાની મને જાણી સ્વીકારો જગતાતા..
કર્યા હોય પાપો થોડા ગુણલા પણ ગાયા, ભજ્યાં થોડા ભૂધર ઘણી વળગી છે માયા
રહે અંત વેળા તુજ રટણા મન અંદર, મીઠી નજરૂં ની વૃષ્ટિ વરસાવો ભગવંતા..
કરૂં પ્રાર્થના નિત દિલથી તમારી, સુણો વિશ્વ કરતા આ અરજી અમારી
આપો અધિક સુખ ભક્તિનું ભગવન્, વિનવું સદા નાથ તમને ઓ તાતા...
કરૂં સર્વે કર્મો ડરીને તમોથી, ન હો ખોટું કદીયે ન તન થી કે મન થી
રહે ચિતડું તુજ શરણે ઓ સ્વામી, વહે શ્વાસે શ્વાસે તુજ સ્તવનો ઓ દાતા..
કરૂં ગાન ત્યારે મન તારામાં લાગે, માયામાં મોહી ના જ્યાં ત્યાં કદી ભાગે
છે "કેદાર" કેરી એક વિનતિ વન માળી, સ્વીકારો દીન જાણી આ અરજી ઓ દાતા..
સાર:- હે ભગવન, આપે મને જેવો બનાવીને આ જગતમાં મોકલ્યો છે, અને વિધાતાએ જેવા મારા લેખ લખ્યા છે, એવાજ કર્મો હું કરૂં છું, મંત્રોની કે શ્લોકો ની સમજણ કે યજ્ઞ યાગ જાણતો નથી, માટે જે કાલા વાલા કરૂં તેજ મંત્રો ગણી લેજો.
પ્રભુ આ સંસારની માયા મને વળગી છે, તેથી મેં જાણ્યે અજાણ્યે પાપો કિધા હશે, પણ તારી થોડી વંદના કે પ્રાર્થના ભજનો ગાઈને કરી છે તે તો તને ખબર જ છે, મેં એક જગ્યાએ સાંભળેલું કે એક બાળક સ્કૂલે જતાં પહેલાં તારા મંદિરમાં આવતો અને આવીને આખી બારાક્ષરી દરરોજ બોલી જતો, એજ સમયે એક ભક્ત પણ આવતા અને પ્રાર્થના મંત્રો બોલતા, દર રોજ નો આ ક્રમ, એક દિવસ પેલા ભક્તે એ બાળક ને પુછ્યું "કે બેટા, તું દર રોજ આવીને આખી બારાક્ષરી ભગવાન સામે બોલેછે તો શું તને યાદ રહે તે માટે ભગવાન પાંસે બોલેછે કે પછી કંઈ અલગ ઇરાદાથી બોલેછે ?" ત્યારે પેલા બાળકે જવાબ આપ્યો કે હું ભગવાન પાંસે પ્રાર્થના મંત્રો કે ભજન ગાવા આવુંછું, પણ મને કંઈ આવડતું નથી, પણ ભગવાનને તો બધુંજ આવડે, અને મારા ગુરુજી કહેછે કે જે કંઈ સારા ખરાબ શબ્દો છે તે બધાજ આ બારાક્ષરીમાં છે તેનાથી બહાર કોઈ શબ્દ નથી, તેથી હું ભગવાન પાસે આખી બારાક્ષરી બોલીને છેલ્લે વિનંતી કરુછું કે આપને જે યોગ્ય લાગે તે શબ્દો આ બારાક્ષરીમાંથી ગોઠવી લેજો.
પણ પ્રભુ આપેતો મને થોડી શબ્દોની સમજ આપીછે તેથી હૂંતો એ પણ કહી શકું તેમ નથી, તેથી મારી બુદ્ધિ પ્રમાણે મેં લખ્યું છે, જે સ્વીકારીને બસ મારા અંત કાળે તારી આ વંદના મારા મુખમાં રહે એવી અમી દ્ગષ્ટિ મારા પર રાખજે, અને તારી આ વંદના નું સુખ સદા મારા પર રહે એવી દયા કરજે.
હે ઈશ્વર હું કોઈ ખોટું કાર્ય ન કરૂં અને સદાએ સત કર્મો કરતો રહું, શ્વાસે શ્વાસ માં તારાજ નામનો અવિરત પ્રવાહ વહેતો રહે, મારૂં મન આ સંસાર ની માયામાં મોહે નહીં અને સદા તારા ચરણોમાં વળગેલું રહે એજ અભ્યર્થના.
જય માતાજી.
ફોટો ગુગલના સૌજન્યથી.
No comments:
Post a Comment