વિદાય ની વેળા.
એક દિવસ સુંદર સરિતાસી, આવી ગૂડિયા હસતી રમતી
જીવન મારું ધન્ય થયું જાણે, ઊઠી આનંદની ભરતી
હરખે હૈયું ચડ્યું હિલોળે, આનંદ અનહદ રહે
પણ-વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૧
પા પા પગલી ભરતાં ભરતાં, દોડવા લાગી દ્વારે
ખબર પડી નહીં હરખ હરખમાં, યૌવન આવ્યું ક્યારે
પડી ફાળ અંતરમાં એકદિ, માંગું આવ્યું કોઈ કહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૨
આવ્યો એક બાંકો નર બંકો, સજી ધજી માંડવડે
ઝાલ્યો હાથ જીવનભર માટે, ફર્યા ફેરા સજોડે
ચોર્યું રતન ભલે હતાં હજારો, કોઈ કશું ના કહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૩
ઘરથી નીકળી ઘૂંઘટ તાણી, પર ઘર કરવા વહાલું
જ્યાં વિતાવી અણમોલ જવાની, સૌને લાગ્યું ઠાલું
અનહદ વેદના છતાં ઉમંગે, વળાવવા સૌ ચહે,
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૪
સખીઓ જોતી સજ્જડ નેત્રે, કેમ કર્યા મોં અવળાં
ચંચળતા જ્યાં હરદમ રહેતી, ગાંભીર્ય ન દેવું કળવા
જો ભાળે તાત મુજ આંસુ, હૈયું હાથ ન રહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૫
આશા એકજ ઉજળા કરજે, ખોરડાં ખમતીધર ના
આંચ ન આવે ઇજ્જત પર કદી, મહેણાં મળે નહીં પરના
"કેદાર" કામના ઈશ્વર પાસે, તેને દુખ ન દ્વારે રહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૬
સાર-
૧-ઈશ્વરે દયા કરીને મારા ઘરે સુંદર પુત્રી રત્ન અપને મને ધન્ય ધન્ય કરી દીધો, જાણે મને નવું બચપણ મળ્યું હોય તેમ આ રમકડું રમવા મળતાં હું ઘેલો ઘેલો થઈ ગયો, મારુંતો જાણે જીવનજ બદલાઈ ગયું, બસ ભગવાનના આ વરદાનને રમાડતાં રમાડતાં સમયનું ભાનજ રહેતું નહીં.
૨-નાની એવી ઢીંગલી પડતાં આખળતાં ચલતા શીખી, અને ધીરે ધીરે આંગણામાં અને પછી ત્યાંથી આજુ બાજુ સખીઓ ની સાથે રમતાં રમતાં મોટી થવા લાગી, જેનો મનેતો ખ્યાલજ ન આવ્યો. મારા માટેતો હજુ એજ ઢીંગલી હતી, ત્યાં અચાનક એક સમાચાર મારા મનને એવું હચમચાવી ગયા કે રડવું કે હસવું તે સમઝમાં ન આવ્યું, મારા એક સ્નેહી તરફથી મારી ઢીંગલીની માગણી કરવામાં આવી, કોઈ બાળકનું પ્રિય રમકડું છીનવી લેવામાં આવતું હોય અને જે લાગણી એ બાળક ના મનમાં થાય તેવીજ લાગણી ત્યારે મને પણ થઈ, પણ હું પણ કોઈની લાડકવાઇ ને મારે ઘેર લાવ્યો છું તો મારે પણ મારી લાડકવાઈ ને આપવી પડેને?
૩-એક બાંકો નવજવાન ઘોડાપર બેસીને આવ્યો અને હજ્જારો લોકોની હાજરીમાં મારું અણમોલ રતન મારાથી લગભગ છીનવીને જતો રહ્યો, આટ આટલા સગા સંબંધીઓ મારા ઘરમાંથી થતી આ ઘરેણાની ઉચાપત જોતારહ્યા, કોઈએ રોકવાની જરાએ કોશિશ ન કરી.
૪-જ્યારે આ દીકરી ઘૂંઘટ તાણીને જ્યાં પોતાનું બચપણ મુગ્ધા અવસ્થા તેમજ યૌવન વિતાવ્યું હતું તે ઘરથી સાસરી તરફ જવા નીકળી ત્યારે ઘરનાતો ઘરના પણ અડોશી પડોશિ ને પણ તેની ખોટ જાણે આજથીજ વર્તાવા લાગી, પણ આતો એક અનિવાર્ય પ્રસંગ હતો તેમ સમજીને ભારે હૈયે અને સાથો સાથ ઉમંગ સાથે વળાવવા માટે ઊમટી પડ્યા.
૫-મોટા ભાગે બધી દીકરીઓ જ્યારે સાસરે જવા વિદાય લેતી હોય ત્યારે બધાને ભેટી ભેટી ને મળતી હોયછે, અને એમાં પણ સાહેલીઓને તો ખાસ મળતી હોય છે પણ આ દીકરી જાણે બધાથી મોં છુપાવતી હતી, ત્યારે સખીઓએ કારણ પુછું તો કહે કે જ્યાં હંમેશાં મારા મુખપર ચંચળતા રહેતી હતી પણ આજે બધાને છોડી જવાનો રંજ છે, આંસુ છે, અને એક નવું પાત્ર ભજવવાનું છે. જેનું ગાંભીર્ય છે, મારા પિતાએ કોઈ દિવસ મારા મુખ પર આવો ભાવ જોયો નથી, જો તેઓ મને આ ભાવ સાથે જોવે તો તેઓ સહન ન કરી શકે તેથી હું મુખ છુપાવી રહીછું.
૬-પણ બાપની તો એકજ શિખામણ હોય, કે બેટા મોટા ઘરે જાશ, આબરૂદાર ખાનદાન છે, કોઇ એવું કામ ભૂલે ચૂકે પણ ન કરજે કે જેથી કોઈ મેણું મારી જાય. બસ ઈશ્વર પાસે એકજ અરજ છે કે મારી લાડલીના દ્વારની આસ પાસ પણ કોઈ દુખ ડોકાય નહીં.
No comments:
Post a Comment