Thursday, August 13, 2020

ક્યાં ફસાયો કેશવ ?

 


                                                         ક્યાં ફસાયો કેશવ ?

વિશ્વ કર્તા જગત ભરતા, અમો પર શું ઉદાસી છે
આપદ છે આજ અવનિ પર, કેશવ ક્યાં ફંદે ફસાયો છે ?  ટેક. 

કોરોના કાળ ના રૂપે, ફેલાયો જગત આખામાં
અતિ વર્ષા, ધ્રૂજે ધરતી,  દામિની દર્દ આપે છે..

ગોવર્ધન કર ધરી કેશવ, બચાવ્યા બાળ ગોકુળ ના
દયા રાખો દયા સાગર,     ઊંચકવા ક્યાં પહાડો છે....

ગીતાનું ગાન કરનારા, તું વચનો યાદ તો કરી લે
ભૂમિ ભારત ભરખવા ને, ભીતરમાં પણ ભોરિંગો છે...

હણ્યા તેં કૈંક છોગાળા, નરાધમ નર પતિ મોટા
મગતરાં દેશ ના દ્રોહી, કશી ક્યાં વિસાત રાખે છે...

ગયા ક્યાં સંત કે સુરા, જતી સતી જોગી જટા ધારી
જે આપે ગોદ ગોવિંદ ને, સદા જ્યાં હેત વરસે છે..

કરી "કેદાર" પર કરુણા, ખબર લ્યો ખલક ના સ્વામી
જગત માં જન્મ ધરવા ને, બીજે ક્યાં ભૂમિ ભારત છે....


ભાવાર્થ- હે નાથ, જ્યારે જ્યારે ભારત પર કોઈ સમસ્યા આવી છે ત્યારે ત્યારે તું દોડીને આવી ગયો છે, પણ આજે તો આખા જગત પર ભય ફેલાયો છે, છતાં કેમ ધ્યાન આપતો નથી? શું કોઈ ફંદામાં તો નથી ફસાયો ને ?   
       
આજે આ કોરોના રૂપી રાક્ષસે આખા જગત પર ભરડો લીધો છે, વર્ષા જે ધરતીને નવ જીવન આપે છે, પણ આજે અતિ વર્ષાએ માજા મૂકી છે, ધરતીકંપ અને આકાશી વીજળીના પ્રકોપ થી લોકો ત્રાહિ મામ્ પોકારી ઊઠ્યા છે.
        
હે કેશવ ગોકુળ ના લોકો ને ઇંદ્ર ના કોપ થી બચાવવા માટે તેં ગોવર્ધન ને ઉઠાવી લીધો, આજે તો તારે ફક્ત અમી દૃષ્ટિ કરવાની છે, કોઈ પહાડ તો ઊંચકવાનો નથી! માટે દયા કર.

હે નાથ તેં ગીતામાં વચન આપ્યું છે કે "યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત..." જ્યારે જ્યારે ભારત પર કોઈ સંકટ આવશે ત્યારે હું જન્મ લઈશ, આજે બહાર ના દુશ્મનો તો છે, પણ ભીતરમાં શ્વેત વસ્ત્રોમાં અશ્વેત મન ના માનવીઓ મારા દેશ ને ભરખી રહ્યા છે... 

આજે નરસી મહેતા જેવા સંતો, યોગીઓ, ધર્મ ધુરંધર વીર યોદ્ધાઓ જે ધર્મ સાંચવવા ખપી ગયા. મા યશોદા, દેવકી કે કૌશલ્યા જેવી માતાઓ ની ગોદ ક્યાં હશે? જે ભગવાન ને અવતાર ધારણ કરવા માટે મજબૂર કરી શકે.       

હે ઈશ્વર મારા પર દયા કરીને મારી માતૃભૂમિ ની પણ ખબર રાખતા રહો, અને આ એકજ ભારત ની ભૂમી છે, જેના પર આપને જન્મ ધરવા ની લાલસા કાયમ રહે છે, માટે હે દયાળુ દયા કરીને અમોને આપના ભજન કરવાની મતી અને આપના તરફ મન લગાવવાની ગતિ આપો એજ અભ્યર્થના.

રચયિતા- 
કેદારસિંહજી. મે જાડેજા
ગાંધીધામ- કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫
ફોટો-ગુગલ ના સહયોગ થી.


No comments:

Post a Comment