મારી પ્રાર્થના
ઢાળ= હરિજન આવો હરી ગુણ ગવાય છે....જેવો
સાંભળો સરકાર મારું મનડું મુઝાય છે,
વરસાવો વહાલ વાલા, અંતર ગભરાય છે...
લખ ચોરાસી ના ફેરા ફરીને, મળે મનુજ તન માંડ કરીને
બચપણ યુવાની માં અવળે અથડાય છે.. વરસાવો...૧
કરવા કમાણી વીતે વર્ષો જીવન ના, રહેવું વહેવારે એતો બંધન જગતના
મળે અવકાશ ત્યાંતો વેળા વીતી જાય છે......વરસાવો...૨
ચોપડે તમારે જ્યારે લેખા લેવાય છે, પાપ ને પુણ્ય શાને સરખાં મૂલવાય છે
ભક્તિ તમારી જ્યારે અમૂલખ ગણાય છે......વરસાવો...૩
સમદર્શી છો તોય આવો અન્યાય કાં!, પાપીને પ્રભુતા મળે ભક્તોને ભીડ કાં?
કાજી તમારો તોય ન્યાયી ગણાય છે....વરસાવો...૪
આવે કોઈ આતમા આશરે તમારે, કરવી પડે ન કોઈ પ્રાર્થના અમારે
મળશે "કેદાર" ન્યાય ધરપત ધરાય છે...૫
ભાવાર્થ- હે ઈશ્વર, મારું મન ખૂબ મુઝાય છે, આપ આપનો પ્રેમ મારા પર વરસાવો.
૧, ચોરાસી લાખ યોની માં જીવ ભટક્યા પછી માનવ શરીર પામે છે, જે ઈશ્વરને પામવા માટેનો ઉત્તમ અને આખરી ઉપાય છે. કારણ કે માનવ વિચારી શકે છે, પ્રાર્થી શકે છે, તેથી પામી શકે છે.
૨, માનવ જન્મ મળ્યા પછી જીવન ના અમૂલ્ય વર્ષો અર્થોપાર્જન અને દુન્યવી વહેવાર માં વીતી જાય છે, જ્યાં નિવૃત્ત થવાનો સમય આવે ત્યાં શરીર સાથ આપવા જેવું રહેતું નથી. તેથી હરી ભજન કરવા સામર્થ્ય રહેતું નથી.
૩, હે પ્રભુ, જ્યારે આત્મા પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને આપના ધામ માં આવે છે ત્યારે ચિત્રગુપ્ત ના ચોપડે પાપ અને પુણ્ય નો હિસાબ થાય છે. પણ એમાં પાપ અને પુણ્યનું મૂલ્ય એક સરખું લેખવામાં આવે છે, (જેમ કે એક કીલો સામે એક કીલો.) જ્યારે આપની ભક્તિનું મૂલ્ય અમૂલ્ય ગણવામાં આવે છે, તો પુણ્યનું પલ્લું ભારે રહેવું જોઇએ.
૪, આપતો સમદર્શી છો, પણ ઘણીવાર પાપી લોકો સુખ ભોગવતા હોય છે, અને ભક્તો ને અનેક પ્રકારના કષ્ટો નો સામનો કરવો પડે છે, તો પછી ચિત્રગુપ્તના ચોપડે જે લેખા જોખા લેવાય છે તેના પર સામાન્ય જન ને શંકા ઉત્પન્ન થાય છે.
૫, જ્યારે જીવ આ શરીર છોડીને તારા શરણે આવે ત્યારે તેના પાપ પુણ્યનો હિસાબ એવી રીતે થાય કે અમારે કોઈ પ્રાર્થના ન કરવી પડે, અને આ જીવે કરેલા પુણ્યો નું/ પ્રાર્થના નું કે ભજન નું પલ્લું હંમેશા ભારે રહે, એજ અભ્યર્થના.
રચયિતા-
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
No comments:
Post a Comment