Thursday, August 13, 2020

વેરણ વાંસળી

 

                            વેરણ વાંસળી  

ઢાળ- બનવારી રે જીનેકા સહારા તેરા નામ રે- જેવો.

વનમાળી રે, વેરણ લાગે વાંસળી...                     
                       મન ભટકાવે મારું રે......

બંસીના બે ચાર જખમ તું,     હળવે હળવે પંપાળે        
અધર કમળ રસ ઘોળી ઘોળી, અમૃત કુંડમાં પલાળે    
                         શાને સમજે નહીં દુખ મારું રે....   

અંગે અંગ છે ઘાયલ મારું,     રોમે રોમ વીંધાયું
વિરહ વેદના એવી લાગી,    સુખ સંસાર ભુલાયું
                       મને લાગે નહીં કંઈ સારું રે...
     
હૈયું મારું હાથ રહે નહીં,         ચિત્ત ચકડોળે ચડતું
ધ્યાન રહે નહીં જગ મર્યાદા, ધીરજ ના મનડું ધરતું
                         તને તરસે અંગ અંગ મારું રે....

નયનો મારાં નટખટ નંદન,  દરશન કાજે તરસે
અંતર મનમાં ઊઠે ઉમંગો,  ક્યારે કાનુડો મળશે 
                        સદા તલખે મનડું મારું રે.....

સખીઓ સરવે સંગે મળીને,  વૃંદાવન માં ભટકતી
શોધે સઘળે વેલ લત્તામાં,  ક્યાંયે ભાળ ન મળતી 
                        ક્યારે ભાળું ભૂધર મુખ તારું રે....

"કેદાર" દાસી પ્રેમ ની પ્યાસી,   એક ભરોસો ધરાવે       
દામોદર દગા બાજ બને નહીં,  વચને વહેલો આવે,  
                           જોજે તૂટે નહીં પ્રણ તારું રે.... 
                         
ભાવાર્થ-હે કાના, મને તારી વાંસળી દુશ્મન જેવી લાગે છે, જે મારા મન ને સદા ભટકાવ્યા કરે છે.
      આ તારી વાંસળીમાં મને બે ચાર જખમો દેખાય છે, પણ તું એવો તો ઘેલો થયો છે કે જાણે તે કેટલી બઘી ઘવાઈ ગઈ હોય, તેના આ ઘાવ પર તું તારી કોમળ કોમળ આંગળીઓ ફેરવીને તેને પંપાળ્યા કરે છે, તારા કોમળ કોમળ હોઠો થી જાણે તેને અમૃત ના કુંડમાં નવડાવી રહ્યો છે, પણ મારા દુખ ને સમજી શકતો નથી.  
   મારા સામે તો જો, મારું અંગે અંગ ઘાયલ થયું છે, અને મારા રોમે રોમ માં છિદ્રો છે, મને એવી વિરહ ની વેદના ઊઠી છે કે આ જગત નું ભાન ભુલાવી દીધું છે, મને તારા વિના કંઈજ ગમતું નથી. 
   મારું હૈયું મારા હાથમાં રહેતું નથી, અને મારું ચિત્ત જાણે ચકડોળે ચડ્યું છે, મને આ જગત ની કોઈ મર્યાદા નું ભાન રહેતું નથી, મારું મન હવે ધીરજ ખોઈ બેઠું છે, બસ તારા દર્શન માટે મારું અંગે અંગ તરસી રહ્યું છે.
       હે કેશવ મારા નયનો તારા દર્શન માટે તરસી રહ્યા છે, મારા અંતરમાં એકજ આતુરતા છે કે મારો કાન મને ક્યારે મળશે ? મારું મન સદા તારા માટે તડપી રહ્યું છે.
          મારી બધી સખીઓ મળીને વૃંદાવન માં દરેક વેલ લતાઓમાં ઝાડવે ઝાડવે શોધી રહ્યા છીંએ કે ક્યાંયે તારા દર્શન થાય, પણ અમને તું મળતો નથી. હવે તો બસ એકજ આશા છે, તેં વચન આપ્યું હતું કે તું એકવાર ગોકુળ જરૂર આવશે, જોજે આ વચન તોડતો નહીં.

રચયિતા
કેદારસિહજી મે. જાડેજા
ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
ફોટો-ગુગલ ના સહયોગ થી.

No comments:

Post a Comment