Wednesday, September 15, 2010

શબરી

કૈકેઇ ની વ્યથા
કેમ સમજાવું?

ભરત ને કેમ કરી સમજાવું ?
શા દુખ સાથે વચનો વદિ હું, જગને કેમ જણાવું ?..

હું નારી નરપતિ દશરથની, રઘૂકૂળ લાજ ધરાવું
કૂબડી કેરો જો મર્મ ન જાણું તો, શાને ચતુર કહાવું....

જાણ હતી મુજ ભાગ્ય ભટકસે, જગ માં જુલમી કહાવું
છત્ર જશે રઘુ રાય ભડકશે, ધિક ધિક ઘર ઘર થાવું...

અવધ સમાણી સો સો નગરી, રામ ચરણ માં ચડાવું
ઇન્દ્રાશન ની આશ ન રાખું, ધન કુબેર લુંટાવું...

ભરત સમાણા સો સો સૂત ને, વૈદેહિ પર વારૂં
લક્ષમણ લાલો મને અતિ ઘણો વ્હાલો, શા સુખ વનમાં વળાવું..

એક દિલાસો ભક્ત ભરત નો, ત્યાગી તને બિરદાવું
કૈકેઇ કેરી તેં કોંખ ઉજાળિ, સંત સૂત માત કહાવું...

દીન "કેદાર" કૈકેઇ કર જોડું, સત સત શિશ નમાવું
રઘૂવિર કાજે જ્ઝ્વન રોળ્યું, ગદ ગદ ગુણલા ગાઉ...

શબરી

શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા
ભાવ ધરી ભગવાન પધાર્યા...

પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત શું પિછાણું
રાખી હ્રદય રઘૂ નાથ ની મૂરત, રામ રામ બસ રામ ઉચાર્યા...

આવી જરા હવે હાથ ન હાલે, દેહ રહે નહિં મારે હવાલે
શાથી થાશે સેવા તમારી, શરીર નમ્યે સરકાર જો પધાર્યા...

આશા એક અવધેશ અમારી, ખુલ્લી રહે નયનો ની બારી
હરિ દર્શનની આશ અમારી, ગુરૂજન કેરાં વચન વિચાર્યા...

સુણી અરજ અવિનાશી પધાર્યા, શબરી ના સંતાપ નિવાર્યા
એઠાં ફળે મિજબાની માણી, ભીલડી કેરાં ભાગ્યા સુધાર્યા....

ભાવ થકી ભગવાન જે ભજતાં, જનમ જનમ ના ફેરા ટળતાં
દીન "કેદાર" હરિ અળગો ન કરતાં, ભક્ત જનોને પાર ઉતાર્યાં...

No comments:

Post a Comment