Wednesday, September 22, 2010

ગરબો

ગરબો
કચ્છઃની ધરતી

કચ્છઃ કેરી ધરતી માથે ગરબા ગવાય છે,
જામે રૂડી ગરબી જોવા દેવીઓ લોભાય છે.....

માતા ના મઢ થી આશાપુરા આવીયા
રવ છોડીને રવેચી મા સંગે પધારીયા
જોગણી મા નો રંગ અનેરો, સાંભળ્યો છે સ્વર ઘેરો ઘેરો
સ્વર સુણી ને માડી મારી જોવા લલચાય છે.....

ગબ્બર ના ગોખ થી અંબામા આવીયા
ચોટીલા વાળી માડી ચામુંડ પધારીયા
માટેલ છોડી ખોડલ આવી, શંખલપુર થી બહુચર આવી
પાવાગઢ વાળી કાળી, સંગ માં જોડાય છે...

રાણી રાધીકા આજ રૂસણે ભરાણા
રમી રમી ને રાસ કાના, મનડા ભરાણા
જઇશું અમે ગરબો જોવા, નહીં જીવન ના લ્હાવા ખોવા
રાણી રાધીકા સંગે રૂક્ષમણા જોડાય છે...

ઇંન્દ્ર ઇંન્દ્રાણી બ્રહ્મા ને બ્રહ્માણી
આવી આકાશ સૌ રહ્યાં રંગત માણી
શોભા બની આજ અનેરી, ભુલ્યા વાયુ દેવ હેરાફેરી
ભાળી રંગત ગરબા કેરી, સ્વર્ગ શરમાય છે...

ઢોલ નગારા નોબત વાગે,
શરણાઇ ના સૂર સંગે મીઠાં મીઠાં લાગે
ઝાલર વાગે ઝમક ઝમક, ચાલે દેવી ઠંમક ઠંમક
ગરબો "કેદાર" ગાય ઘેલો ઘેલો થાય છે...

No comments:

Post a Comment