અવળાં ઉતપત
તને કહેતાં જનનિ લજાતો, તેં અવળાં કર્યા ઉતપાતો...
ધિક ધિક કૈકેઇ ધિક તારી વાણી, શીદ ને વદિ આવી વાતો
રાજ ન માંગુ વૈભવ ત્યાગું, રામા ચરણ બસ નાતો...
જનની કેરૂં તેં બિરૂદ લજાવ્યું, કિધો નાગણ સો નાતો
પતિ વિયોગે ઝુરે પતિવ્રતા, એવો ન ભાવ જણાતો..
લક્ષ ચોરાસી જીવ ભટકતો, ત્યારે માનવ થાતો
ધિક ધિક મારા માનવ તન ને, જે દેહથી રામ દુભાતો..
એક પલક જે રામ રીઝાવે, પાવન જન થઇ જાતો
જન્મ ધરિ મેં પ્રભુજીને પૂજ્યાં, તુટ્યો કાં તોએ નાતો..
પરભવ કેરા મારા પાપ પ્રગટ્યાં, જીવ નથી કાં જાતો
ધન્ય પિતાજી રામ વિયોગે, તોડ્યો તન થી નાતો..
રામ વિરહ માં રડે ભરતજી, "કેદાર" ગૂણલા ગાતો
લેશ ન માયા ઉરમાં આણિ, હરી દર્શન નો નાતો...
No comments:
Post a Comment