Sunday, March 30, 2014

આજે નવરાત્રિની શરૂઆત, માંના નવલાં નોરતાં, આજથી નવ દિવસ માંનો નવો નવો ગરબો અહીં રજૂ કરતો રહીશ.
                                           ગરબો.              

                      ગૌરી નો લાલો


ગૌરી નો લાલો લાગે ઘણો વહાલો,
સૌથી પહેલું સ્થાન, ગજાનન, થા મારો મહેમાન...

મેલ થકી મહાદેવ ઘરે આવ્યાં,ગણપતિ ગુણ નિધાન
મેલ મનના મારાં મટાડો,   ગણ નાયક ભગવાન... 

સોને મઢેલું સિંહાસન તમારું, રૂપલા છત્ર ની શાન
રિદ્ધિ સિદ્ધિ સંગે પધારો,  ગણ ઈશ છો ગુણવાન...

ચિત્ર વિચિત્ર તેં રૂપ ધરાવ્યું, આપ્યું જગને જ્ઞાન
વક્ર દંતી તારી છબી રસવંતી, હે મહાકાય મહાન...

હાથી કેરું મુખડું તમારું,  તોય મુષક ને માન
ભાવતાં ભોજન મોદક જમતાં, જમતાં બીડલા પાન...

કાર્ય અમારાં સઘળા સુધારો, લંબોદર ભગવાન
દીન " કેદાર " જે ગજાનન ગાશે, કોટિ કોટિ યજ્ઞ સમાન...

ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Friday, March 28, 2014

પાંચાળી પોકાર

ઢાળ- રાગ કાલીંગડા જેવો

ગિરધારી ગોવિંદ કૃષ્ણ મોરારી
પાય પડી પાંચાળી પોકારી,  વિપત પડી ભારી...

કાંતો આજે રૂઠી વિધાતા, કાં કઠણાઈ અમારી
કાંતો પૂર્વે પાપો કીધાં, આવી ઘડી આ અકારી....

ધર્મ ધુરંધર ધનુર્ધર અર્જુન,  ભીમ ગદા ધારી
સહદેવ નકુળ સૌથી સવાયા, પણ-બેઠાં બળ ને વિસારી...

આશરો આજે એક તમારો,  લેજો નાથ ઊગારી
દુષ્ટ દુઃશાસન દૈત્ય બની ને,   લૂંટે લાજ અમારી...

ભાવ ધરી મેં ભૂધર ભજ્યા,  માંગુ આજ મોરારી
અંગ થી અળગું વસ્ત્ર થશે તો, જાશે લાજ તમારી...

સાદ સુણી દામોદર દોડ્યાં,  કૃષ્ણ કરુણા કારી
નવસો નવાણુ ચિર પુરી ને, " કેદાર " અબળા ઉગારી...

ફોટો ગુગલના સહયોગથી


Thursday, March 27, 2014

                      સમજાવો ને સાર


હવે પ્રભુ સમજાવો ને સાર જી
                          તમે શું આવો રચ્યો’તો સંસાર...

માનવ કુળ માં જન્મ ધરીને, શું મેળવ્યો સાર
સગા ભાઇનું સારું ભાળી ને, સળગે છે સંસાર...

જલ ને નાથ્યા સ્થળ ને લાંઘ્યા, વસૂનો કીધો વેપાર
ગરીબો ને ગાળો દેતો પણ, ખાતો મોટા નો માર...

મંદિર જાતો પણ માન ખાવા ને, દાન માં કરતો દેખાવ
પૈસા ખાતર પર ને પીડે, પાછો દેખાડે ખૂદ ને દાતાર...

કથા કીર્તન નો સાર ન જાણે, ભાષણ માં હોશિયાર
ભજન માં જાતાં ભોંઠપ આવે, દેવ એનો કલદાર...

એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન " કેદાર "
તુજ માં મુજ ને લીન કરીદે, નથી સહેવાતા માર

ફોટો ગુગલના સહયોગથી

Wednesday, March 26, 2014

                    હૃદય માં રામ રમજો


રામ હૃદય માં રમજો મારા, હરિ હૃદય માં રમજો નાથ...

ભવ સાગર માં જીવ ભટકતો, મારું મારું કરી ને મરતો
મોહ માયા થી દૂર હટાવો,   પડ્યો તમારે શરણે નાથ..

માતા તું છે તાતા તું છે,  સકળ જગત નો દાતા તું છે
હું હું કરતો હું હરખાતો,    એ અભિમાન મિટાવો નાથ..

અતિ અભિમાને અંધ બન્યો છું,  ભોગ વિલાસ નો ભક્ત બન્યો છું
સકળ જગત ની માયા ત્યાગી,   તવ માયા માં લપટાવો નાથ...

દીન " કેદાર " પર દયા દરસાવો,  નારાયણ તમે નેહ વરસાવો
જપું નિરંતર જાપ તમારાં,          મુજ અધમ ને ઉદ્ધારો નાથ...

Tuesday, March 25, 2014

                           પ્રીતમ નો પ્રેમ


ઢાળ- માલકોશ જેવો

પ્રેમ પ્રીતમ ને રિઝાવે
                           નાણે નજર ના લગાવે...

કરમાબાઇ નો ખીચડો ખાધો, મેવા ગણી ને માવે
એઠાં ફળ અણમોલ ગણી ને, મોહન મુખ પધરાવે..

ભક્ત વિદુર ની ભાજી ખાધી, છોતરાં છબીલો ચાવે
રંક જનો ની રાબડી ખાતો, પણ-કૌરવ ભોગ ન ભાવે...

ઝેર મીરાં ના પી જનારો, તાંદુલ મન લલચાવે
સ્નેહ થકી સખુબાઇ બની ને, માર ખાધો બહુ માવે...

સુર તણો સથવારો કરતો, તુલસી લાડ લડાવે
નરસિંહ કાજે નટખટ નંદન, વિધ વિધ વેશ બનાવે...

દીન " કેદાર " પર દયા દરશાવો, સેવક શરણે આવે
અંત સમય પ્રભુ અળગાં ન રહેશો, મોહન મુખ પર આવે...

Monday, March 24, 2014

                     નંદ દુલારો


મૈયા તારો નટખટ નંદ દુલારો
                          કરતો ફરે કેર કાળો......

ગોપ ગોવાળ ની ટોળી બનાવી, ચોર નો બન્યો સરદારો
મહી માખણ વહાલો ચોરી ચોરી ખાતો, મોહન મોરલી વાળો...

મથુરા વાટે દાણલા માટે, ગોપીઓ ને દેતો બહુ ગાળો
મારગ રોકે પાલવ પકડે,   છેડે છે છબીલો છોગાળો...

રાજા કંસ નું કરજ વધ્યું છે,  દિન દિન કરે છે દેકારો
કાન્હાને કેદની ક્યાં છે નવાયું, પણ-ગરીબ થી થાશે નહિં ગુજારો...

યશોમતી કોપી લાવો એને ગોતી, દુર્ કરી દંવ દેકારો
બાંધુ એને તાણી હવે ખૂબ મૂંઝાણી, સોટી નો લઉં સથવારો...

રાવ કરી પસ્તાણી ગોપી,  મોહન તો મન હરનારો
માર સોટી નો કેમ કરી ખમશે, " કેદાર " કોમળ છે બાળો... 

Sunday, March 23, 2014

                         કહો હનુમંતા


કહો હનુમંતા બોલો બલવંતા, કહો મોહે કથની કૈસે ભગવંતા...

ભાઇ લક્ષ્મણ કી મૈને બાત ન માની, લોપી મૈને રેખા તો હર લાઇ લંકા...

મણિ મુદ્રિકા તુમને ગિરાઈ,  નાચા મન મોરા તુટ ગઈ શંકા...

નિશ દિન રામ રટન મોરે મન મેં, રોમ રોમ રઘુવીર જાપ જપંતા...

કૌન કરે સેવા, ચરન કૌન ચાંપે ?   બિન વૈદેહી, કૈસે મોરે કંથા...

કેદ કિયો હનુમો લૌ લીપટાઇ, " કેદાર " કપિ ના જલીયો જલ ગઈ લંકા..

સાર:-રામાયણના બધા કાંડો માં સુંદર કાંડનેજ સુંદર કહેવામાં આવ્યોછે, કારણ સર્વ ગુણ સંપન્ન,મહા બલવાન, ગ્યાન ગુન સાગર હનુમાનજી રામ ને મલ્યા, રામે અનેક આશીર્વાદ આપ્યા, પણ જ્યારે માતા સીતાજી ને મલ્યા ત્યારેજ તેઓ "અષ્ટ સિદ્ધ નવ નિધિ કે દાતા" બન્યા, અને તેથી જ રામાયણ ના બધ્ધાજ  કાન્ડો માં એ સૂંદર કાન્ડ બન્યો. જીવને રામ મળે તેતો અનેક અનેક જન્મોના પુણ્યો હોય, અને ઈશ્વર કૃપા હોય તોજ શક્ય બને, પણ જો ભક્તિ ન મળે તો તેને ઊણપ રહીજાયછે, તેથી જ્યારે હનુમાનજીને ભક્તિ(સીતા માતા) મળ્યા ત્યારે તેઓ પૂર્ણ બન્યા.  

 જ્યારે હનુમાનજી માતાજી ને અશોક વાટિકા માં  મલ્યા ત્યારે માતાજી બધા સમાચાર પૂછે છે અને કહે છે-મેં લક્ષ્મણ રેખા નું ઉલંઘન કર્યું તેથી મારૂં અપહરણ થયું.-મને શંકા હતી કે રાવણ મને ૪૦૦ ગાઉ પર લંકા માં લાવ્યો છે, મારો રામ મને કેમ શોધશે? પણ તમે મુદ્રિકા બતાવી તેથી એ શંકા ન રહી, મારે હરપળ રામ રટણ નું કવચ છે,તેથી હું તો બરાબર છું, પણ મારો રામ કેમ છે ? મારાવિના મારા રામની સેવા કોણ કરે છે ?  

Saturday, March 22, 2014


ભાવ ભજન

ઢાળ:- રાગ ભૈરવી જેવો

ભજન જો ભાવ સે હોતા, ભૂધર કો ભી મિલાતા હે
ન આતે હેં જો ખ્વાબો મેં, વો માધવ દૌડ આતા હે...

મીરાં કે મન બસ ગયા મોહન, નાચ દિખાયા નટવર કો
સમા ગઈ વો મુખ મંડલ મેં,        પ્રભુ પ્રેમે પચાતા હે...

ભિખારી જબ ભીખ કે ખાતિર, ધૂન મચાયે માધવ કિ
કરે કૃપા ના કણ કિ કૃપાલુ, કૌવે કો ખુદ ખિલાતા હે....

ગજ ને જીવન વ્યર્થ ગંવાયા, અંત સમય હરિ શરને આયા
પ્રેમ પિછાની પ્રિતમ ધાયા,   પલક મેં ચક્ર ચલાતા હે...

રાવન જાને રિપુ રઘુવીર કો,-પર-શરન લગાતા મન મર્કટ કો
અંત સમય પ્રભુ બાણ ચલાકે,     જીવન સે મોક્ષ દિલાતા હે...

ચેત ચેત નર રામ રટિ લે, પ્રભુ ભજન કિ પ્યાલી ભરલે
દીન "કેદાર" હરિ નામ સુમર લે, અભય પદ આપ દિલાતા હે...

સાર..ભજન-કીર્તન-ગરબા જો ભાવ સાથે ગવાય કે સંભળાય તોજ તેનું સાચું ફળ મળે, જે ક’દિ સ્વપ્ન માં પણ ન આવતો હોય એ ભગવાન ને પણ આવા ગાન સાંભળવા આવવું જ પડે.એવા તો અનેક દાખલા છે કે ભગવાન ભક્તોની પાછળ ઘેલા ઘેલા થઈને ફરતા હોય. 

મીરાંબાઈ એ સર્વે આડંબર ત્યાગ કરી ને નટવર સામે નાચ કર્યા, અને કહેવાય છે કે અંતે દ્વારકા માં ભગવાને તેને પોતાના મુખ માં સમાવી દીધાં અને મૃત્યુનો સામનો ન કરવો પડ્યો. 

ઘણા ભિખારી લોકો આખો દિવસ "હે રામ, હે રામ" નું રટણ કરે છે, પણ તેનો માંહ્યલો તો આવતા જતા લોકો ના હાથે થતા દાન પરજ હોય છે, રામનું નામ છે તેથી રોટલો તો મળે જ, પણ મુક્તિ ન મળે,

ગજેન્દ્ર નામના હાથી એ ક્યારેય પ્રાર્થના કરી હોય એવો કોઈ પ્રસંગ મારા ધારવા પ્રમાણે ક્યાંયે મેં નથી સાંભળ્યો, છતાં જ્યારે મગરમચ્છ સાથે યુદ્ધ થયું ત્યારે હાથીએ અંતરથી પ્રાર્થના કરી, અને તેને સુદર્શન ચક્ર વડે વાર કરીને છોડાવ્યો, કારણ તે આર્તનાદ હતો.  

જય અને વિજય ને એવો શ્રાપ મળ્યો હતો કે તે સાત જન્મ સુધી મનુષ્ય જન્મ ભોગવે પછી ભગવાન મળે. પણ જો વેર ભાવ થી ભગવાન ને ભજે તો ત્રણ જ જન્મમાં મોક્ષ મળે.  ભગવાન ના દ્વારપાળ કે જે સદા ભગવાનના દર્શન કરતા હોય તે સાત જન્મ કેમ દૂર રહી શકે? તેથી તેણે ભગવાન ને જલદી થી મેળવવા ત્રણ જન્મ વેર ભાવે ભજવા નું નક્કી કર્યું, ભગવાન ના ભક્તો માટે આ સહેલું નથી, જેના મન માં અહર્નિશ ભગવાન બિરાજતા હોય, સદા એ તેમનું રટણ ચાલતું હોય, તેના થી વેર કેમ થાય? પણ જય અને વિજયે તેમાં સફળતા મેળવી. પણ અંત સમયે તે મનોમન શ્રી રામ ને નમન કરે છે, અને શ્રીરામ તેને બાણ મારી ને પોતાનું ધામ આપે છે.

અહીં એક હમણાંજ સાંભળેલી વાત લખવા મજબૂર બન્યો છું, આપણા ગરવી ગુજરાતના લોક લાડીલાં અભિનેતા અરવિંદ ત્રિવેદી હાલમાં શ્રી રામ ની અનન્ય ભક્તિમાં વધારે પડતા એટલે લીન છે કે તેમણે રામાયણ સીરીયલ માં શ્રી રામ વિષે ઘણાં અપમાન જનક શબ્દો બોલ્યા છે, જોકે આતો તેમના પાત્રનો એક ભાગ હતો, છતાં તેમને આવા શબ્દો રામ વિષે બોલાયા તેનો પસ્તાવો થયો, તેથી એ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તેઓ ક્ષમા યાચના કરી રહ્યા છે. છેને આજના રાવણમાં પણ એજ ભક્તિ કે જે રામાયણના રાવણમાં હતી? અને આપણે ગુજરાતીઓએ પણ ગર્વ લેવા જેવું છેને?  

માટે હે માનવ-હું પણ- રામનું સ્મરણ કર એ તને પાર કરશેજ.. જય શ્રી રામ..
ફોટો સોજન્ય : ગૂગલ ઈમેજીસ 

Friday, March 21, 2014

                     રામ ભજ


રામ રામ ભજ રામ માનવ, રામ રામ ભજ રામ
મિથ્યા જગત નું કામ માનવ, રામ રામ ભજ રામ...

લખ ચોરાશી જીવન જીવ્યો, પામ્યો નહિ વિશ્રામ
આજ મળ્યો છે દેહ અમૂલો,   રટીલે રાધે શ્યામ...

માત પિતા સુત નારી વહાલી, ધન દોલત ની માયા નિરાળી
શીદને ફસાતો ફોગટ નાતે,    સાચો સગો ઘનશ્યામ...

રામ ભજન માં લીન બની જા, સકળ જગત ની માયા ભૂલી જા
હરિ સમરણ નું ભાતું ભરી જા,    સ્વર્ગ મળે સુખ ધામ...

અવસર આવો ફેર ન આવે, શાને ફોગટ ફેરો ઘુમાવે
ધન દોલત તારી સાથ ન આવે,  છોડ કપટ ના કામ...

દીન " કેદાર " પર દયા દરશાવો, રઘુવીર મારે હ્રિદયે આવો
હર પલ હરિ નું ગાન કરાવો,      રટું નિરંતર નામ...

ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Thursday, March 20, 2014

               માં બાપની સેવા કરો

સેવા કરો માં બાપ ની,-તો-   સંતાન સુખ સૌ આપશે,
અનાદર કર્યો હશે એમનો, આદર તને કોણ આપશે...  

ભૂખ્યા પિતા છે પ્રેમના, માતા ઝંખે નિજ બાળ ને
સન્માન નો એક શબ્દ બસ, એને અતિ સુખ આપશે..

કરતાં અહર્નિશ પ્રાર્થના, આપો બધું સુખ બાળને
નિજ કાજ ના કદિ’ માંગતાં, એ ઉપાસના તને તારશે...

ભટક્યો અગર તુજ કર્મ થી,  કે અવર અવગણના કરી
અંતર બળ્યું જો એમનું,   તુજ વેદના કોણ ઠારશે...

" કેદાર " એક જ પ્રાર્થના, આપો મતી શુભ સર્વ ને
જેણે બતાવ્યું જગત છે, એ જ્ઞાન ને ના વિસારશે..

ફોટો સોજન્ય : ગૂગલ ઈમેજીસ

Wednesday, March 19, 2014

નર નારાયણ

                નર નારાયણ

    નર નારાયણ હોવે,
   યા તો કરલે સંત જન સેવા, યા હરિજન હોવે...

૧’ એક અપરાધી પાપી પારધી, સંત સમાગમ હોવે
  છોડ કપટ મહા ગ્રંથ રચાયા, હરિ અનુરાગી હોવે...

૨, બિલ્વમંગલ સુરદાસ કહાવે, જબ નિજ નજરેં ખોવે
   રાસ વિહારી રાહ દિખાવે,    ઘટ ઘટ દર્શન હોવે..

૩, તુલસીદાસ મન મોહ અનેરા, નારી વશ પત ખોવે
   એક શબ્દ મેં સત્ય સમજ કર,   સંત શિરોમણી હોવે...

૪,  કામ ક્રોધ મદ છોડ દે બંદા, ક્યું માયા વશ હોવે
    દીન " કેદાર " હરિ નામ સુમરલે, હોની હો સો હોવે...


સાર- ૧,- વાલિયો લુટારો, લૂંટ માર,શિકાર કરીને જીવન ગુજારતો, એક વખત નારદ મુનિનો સંપર્ક થયો ત્યારે નારદ મુનિએ પૂછ્યું કે તું જે આ કર્મો તારા પરિવાર માટે કરશ તે પરિવાર તારા પાપ ના ભાગીદાર છે? પણ પરિવાર આમાં  ભાગીદાર  ન હોવાનું જણાવતાં તે નારદજી ના ચરણોમાં પડી ગયો અને રસ્તો બતાવવા કહ્યું,બોધ મળતાં તે રામ નામમાં લીન બન્યો અને વાલ્મીકિ મુનિ બનીને રામાયણ જેવા મહા ગ્રન્થ ની રચના કરી.
          ૨, સુરદાસજી વિષે અલગ અલગ કથા મળે છે, એક જગ્યાએ તેમને જન્મથી જ અંધ છે એવો ઉલ્લેખ છે, જ્યારે મેં એક આધારભૂત સૂત્રો દ્વારા સાંભળવા મુજબ તેનું નામ બિલ્વમંગલ હતું, તેના કોઈ સારા કર્મો ના આધારે તેને વલ્લભાચાર્ય જેવા ગુરુ મળ્યા અને તેને સદ માર્ગે ચાલવા સમજાવ્યા. એક વખત એક ગામના પાદરે એક પાણી ભરી ને જતી સ્ત્રી પર તે મોહ પામ્યા અને તેની પાછળ પાછળ તેના ઘર સુધી ચાલ્યા ગયા, પણ સદ ભાગ્યે તેમને તેના ગુરુ ની યાદ આવતાં તેણે તે સ્ત્રી પાસે સોય મંગાવી ને પોતાની બન્ને આંખો ફોડી નાખી અને કૃષ્ણ ભજન માં લાગી ગયા.
એમની ભક્તિ એટલી પ્રબળ બની કે ખુદ કૃષ્ણ ભગવાન બાળક નું રૂપ લઈને તેમને માર્ગ બતાવતા. સુરદાસજી પણ સમજવા લાગેલા કે મને લાલો જ માર્ગ બતાવે છે, તેથી મન માં મનમાં હંસતા અને કહેતા "લાલા તું મને છેતરે છે પણ મને હવે બધી જ ખબર છે કે આ લાલો કોણ છે. હૂંતો મારા ઘટ ઘટ માં તારાં દર્શન કરૂં છું."
સુરદાસજી એ અમુક સંખ્યામાં પદો લખવાની ટેક રાખેલી, પણ એ પહેલાં જ તેમની જીવન યાત્રા સમાપ્ત થઈ જતાં ખુદ ભગવાને તેમના પદો પુરા કર્યા. સુરદાસજી પોતાના પદ ના અંતે "સુરદાસ" લખતાં જ્યારે જે પદો ભગવાને લખ્યા તેમાં " સુર શ્યામ" લખ્યું છે.
આ પ્રસંગે મને એક કોઈ સંત ના મુખથી સાંભળેલી એક સરસ વાત યાદ આવી જે લખવા નું મન થાય છે.
સુરદાસજી અને તુલસીદાસજી એક વખતે એક જંગલ માં થી પસાર થતા હતા ત્યારે કોઈ એ બૂમ પાડી કે રસ્તામાંથી હટી જાવ કોઈ હાથી ગાંડો થયો છે, તુલસીદાસજી તો પોતાની મસ્તી માં ચાલતા રહ્યા પણ સુરદાસજી લાલા ની મૂર્તિ લઈ ને એક બાજુ જતા રહ્યા. જ્યારે હાથી પસાર થઈ ગયો ત્યારે તુલસીદાસજી એ પૂછ્યું કે આપના જેવા સંત ને ભગવાન પર એટલો ભરોંસો નથી કે આપ એક બાજુ જતા રહ્યા, ત્યારે સુરદાસજીએ કહ્યું કે આપના આરાધ્ય તો ધનુષધારી છે એને હાથી નો શો ડર, પણ મારો લાલો તો હજુ નાનો છે એને તો મારેજ સાંચવવો પડે. આવી છે સંતો ની વાતો.
૩, તુલસીદાસજી ને  પોતાની સ્ત્રી માટેનો મોહ અનહદ હતો, ધોધમાર વરસાદ માં પિયર ગયેલી પત્ની ને મળવા એક મુડદા ને લાકડું   સમજી ને નદી પાર કરી,  પણ પત્ની એ ટકોર કરી કે જેટલી મરા પર પ્રીતિ છે તેટલી પ્રભુ પર હોત તો બેડો પાર થઈ જાત, બસ આ એક જ શબ્દે તુલસીદાસ રામ મય બન્યા વાલ્મીકિ ની જેમ સરળ શબ્દો માં લોકો આસાની થી સમજી શકે તેવા રામ ચરિત માનસ ની રચના કરી અને અનેક પદો પણ લખ્યા.તુલસીદાસજી ને વાલ્મીકિ મુનિ ના અવતાર ગણવામાં આવે છે.
ઉપર નું દરેક લખાણ મારું અંગત મંતવ્ય છે જે કદાચ ખોટું પણ હોઈ શકે, તો કોઈ એ આનો આધાર લઈ ને કોઈ કાર્ય ન કરવું. 
ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Tuesday, March 18, 2014

        પ્રભુજી ની રચના  

       
પ્રભુજી તારી રચના ન્યારી ન્યારી
કોઈ કોઈ લાગે અચરજ કારી, કોઈ સુંદર કોઈ પ્યારી...

અખિલ બ્રહ્માંડ ના સર્જન હારા, પૃથ્વી બનાવી બહુ સારી
સૂરજ ચાંદો નવલખ તારા,        શોભા સઘડી તમારી...

નગાધિરાજ હિમાલય શિખરો, પહોંચે ગગન અટારી
રત્નાકર નો તાગ મેળવવા માં, કોઈ ની ફાવી નહિ કારી...

માતંગ જેવા મહા કાય બનાવ્યા, સૂક્ષ્મ માં કિધી કલાકારી
જલચર સ્થલચર નભચર બનાવ્યાં તેં, કરતાં ફરે કિલકારી...

અણુ એ અણુ માં વાસ તમારો, કણે કણ મૂર્તિ તમારી
અણ સમજુ ને સમજ ન આવે, ભક્ત ને ભાસે છબી તારી...

દીન " કેદાર " ના દીન દયાળુ, અનહદ કરુણા તમારી
ભાવ થકી સદા ભૂધર ભજું હું, રાખજો એવી મતી મારી...

સાર-માનવી કોઈ પણ મોટું સંશોધન કરે ત્યારે તે પ્રખ્યાત બની જાય છે, જેમ કે આજના જીવન જરૂરી વીજળી, ટેલિફોન, મોબાઈલ,પેટ્રોલ/ડીઝલના વાહનો, હવાઈ જહાજો, સમુદ્રી જહાજો અને કોમ્પ્યુટર જેવી અનેક ચીજો, અને એના સંશોધકને જાણે અજાણે નમન કરવા પડેછે. પણ આજનો માનવી ઈશ્વરની રચના ને કેટલી હદે યાદ રાખે છે? જે સહજ મળે છે તેનું મહત્વ હંમેશાં ઓછું આંકવામાં આવેછે. આંખની કિંમત આંધળાને પુછો,પગ ની કિંમત પાંગળા ને પૂછો, માનવીએ કરેલી આવી શોધ માનવ જાત માટે વરદાન છેજ, પણ એમાં કુદરત નો કરિશ્મા તો ભળેલોજ હોય છે. વાહન માટે જરૂરી ઈંધણ ક્યાંથી આવે છે? મશીનો માટે જોઇતા પદાર્થો દ્રવ્યો અને આજે સેંકડોની સંખ્યા માં માનવ અને સર સામાન ભરીને ઊડતા હવાઈ જહાજોને ઊડતા રાખતી હવા કોણ આપેછે? હજારો ટન માલ સામાન ભરીને સમુદ્રમાં વિહરતા જહાજો માટે સમુદ્રમાં પાણી કોણે ભર્યું છે? અને તેથી આ બધું સંશોધન એક રીતે તો ઈશ્વરે બનાવેલા એક એક પુરજા ને જોડીને કરેલી એસેમ્બલી જેવું લાગેછે. જોકે આ પણ કંઈ સામાન્ય વાત નથીજ. અને એ સમજ,સૂજ કોણે આપી? પણ ઈશ્વરે આપેલી ભેટ ને યાદ ન રાખીને કરાતી વાહ વાહ મારા મતે યોગ્ય નથીજ. અને એની રચના યાદ તો કરો? કેવી અકલ્પનીય છે?
આજના વિદ્વાનો પૃથ્વી પરથી કુદીને અવકાશમાં લટાર મારવા લાગ્યા છે, પણ આ પૃથ્વી અને બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર,ગ્રહો,નક્ષત્રો કોણે બનાવ્યા? અને પાછા કેવાં અલૌકિક સૌંદર્ય સભર?
ઉન્મુખ ઊભેલો આપણો હિમાલય, જેની અનેક શૃંખલા જાણે કૈલાસ પર બિરાજમાન શિવના ચરણોને સ્પર્શ કરતી હોય, અને મહા સાગર કે જેનો પાર આજપણ માનવી પામી શક્યો નથી, તે જાણે વિષ્ણુ ભગવાન ના પગ પખાળીને હિલોળે ચડતો હોય એવું લાગે છે.
કણે કણ અને પથ્થર ની અંદર પણ પ્રભુએ જીવન આપ્યું છે, તો હાથી જેવા મહાકાય જીવ ને જોઇતું પોષણ આપ્યું, જલચર અને સ્થલચર જીવો બનાવીને આ સૃષ્ટિ ને કિલકારી કરતી બનાવી દીધી, પણ આ બધી રચના ને જોવા અને માણવા માટે ભાવ ભરી નજર જોઈંએ, નહીંતો એનું સાચું દર્શન નથાય.
આવી અલૌકિક ભેટ આપવા બદલ આપણે ઈશ્વરનો જેટલો ઉપકાર માનીએ તે ઓછો છે. બસ એના ભજન દ્વારા આપણે એના ગુણ ગાન કરતાં રહીએ.

ફોટો ગુગલના સહયોગથી સાભાર.          

Monday, March 17, 2014

             હરિ હૈયા ના હેત       

હરિ નું હૈયું હરખે ભરાયું
માંગો આજે મન મૂકી ને, ભરીદંવ ભક્ત નું ભાણું....

ચૌદ વરસ જેણે ચાખડી પૂજી ને, ચંદન ચોડી ચડાવ્યું
ભાઇ ભરત ને ભક્તિ આપી, સંતપણું ત્યાં પરખાયું....

વિભીષણ ને રાજ લંકાનું, અંગદ સૈન્ય સવાયું
રીંછ મરકટ પર રઘુવીર રીઝ્યાં, આપ્યું જે મુખથી મંગાયું...

વૈદેહી વાનર પર ત્રૂઠ્યાં, નવલું આપ્યું નજરાણું
કપિને કંઠની માળા આપી, હેત હૈયામાં ઉભરાયું....

માળના મણકા મુખમાં મૂકીને, દાબ દઈ ને દબાવ્યું
મોતીડા તોડી કપિ રહ્યાં ખોળી, ક્યાં ઠાકોર નું ઠેકાણું...

માફ કરી દે માવડી મારી હું, વાનર વિવેક ન જાણું
રામ વિના મને કશું ન ભાવે, કંચન કથીર જણાયું...

રોમ રોમ મારે રઘુવીર રમતાં, ઠાલું નથી ઠેકાણું
" કેદાર " કપિએ છાતી ફાડી તો, રઘુકુળ દિલ દરશાયું.... 

સાર:-લંકા વિજય કર્યા પછી શ્રી રામજીનો રાજ્યાભિષેક થયો ત્યારે યુદ્ધમાં મદદગાર થનારા દરેકે દરેક સાથીને રામ દરબારમાં સન્માનિત કરવામાં આવ્યા. અને દરેકને મન ગમતા પારિતોષિકો માંગી લેવા શ્રી રામે કહ્યું.
ભરતજીએ ચૌદ વરસ ભગવાનની પાદુકા રાજગાદી પર ધરીને રાજ્યનો કારભાર સંભાળ્યો, અને એક સંત જેવું જીવન ગુજાર્યું, પ્રભુએ તેને ભક્તિ પ્રદાન કરી.
વિભીષણ ને લંકાનું રાજ્ય આપવામાં આવ્યું. અને અંગદ ને લંકાનો સેના નાયક નિયુક્ત કર્યો. બધા રીંછ અને વાનરો ને જેણે જે માંગ્યું તે આપ્યું. પણ હનુમાનજી મહારાજ શાંત ચિત્તે ઊભા હતા. 
સીતા માતા ને હનુમાનજી પર પ્રેમ ઉભરાયો અને પોતાના કંઠમાં પહેરેલી અતિ મૂલ્યવાન માળા ભેટ આપી. હનુમાનજી ખુશ થઈ ગયા અને માતાની આપેલી ભેટ માં જરૂર કંઈક વિષેસ હશે એમ સમજીને એક એક મણકાને ફેરવી ફેરવી ને જોવા લાગ્યા, કંઈ નમળ્યું તો તોડી તોડીને જોવા લાગ્યા. પણ જ્યારે કોઈ જગ્યાએ રામજી ના દર્શન ન થયા ત્યારે આશ્ચર્યથી માતા અને અન્ય સભાસદો સામે જોયું. પણ સભાસદોના ચહેરા જોઈને સમજી ગયા કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે. કોઈએ આપેલી ભેટ આ રીતે તોડ ફોડ કરીએ તો આપનાર વ્યક્તિ નારાજ તો થાયજને? હનુમાનજીએ તુર્તજ માતાજીની માફી માંગતાં કહ્યું કે મા, હુંતો વાનર છું, વિવેક બુદ્ધિ મારામાં ક્યાંથી હોય? આપે આપેલી માળામાં મને મારો રામ ન દેખાણો, અને રામ વિના ની કોઈ પણ વસ્તુ મને શા કામની? મારાતો રોમ રોમ માં રામ વસેછે, મારા અંગમાં રામ વિનાની કોઈજ જગ્યા બાકી નથી, તેથી રામને શોધવા માટે મેં માળા તોડીછે. માટે મને માફ કરજે.
જ્યારે હનુમાનજીએ પોતાના રોમે રોમે રામ વસતા હોવાનું કહ્યું ત્યારે સભાસદો સંશય કરવા લાગ્યા કે શું અમારા મનમાં રામ નથી? ચતુર હનુમાનજી સમજી ગયા કે મારે આ લોકોની શંકા દૂર કરવી પડશે, તેથી પોતાના નહોર વધારીને પોતાની છાતીમાં ભરાવ્યા અને છાતી ફાડી અને તેમાં શ્રી રામ, સીતાજી અને સમગ્ર રામ દરબારનાં દર્શન કરાવ્યા. 
ધન્ય ધન્ય એ અંજની ના જાયાને.  
ફોટો ગુગલના સહયોગથી સાભાર

Sunday, March 16, 2014


    દત્તાત્રેય 

આવે જ્યારે ઈર્ષા ઉરની માંય, 
આવે ઉર ની માંય પછી એમાં સત્ય સુજે નહિ કાંઈ....

લક્ષ્મીજી બ્રહ્માણી  સંગે સમજે રુદ્રાણી માત,
 અમ સમાણી કોઈ પતિવ્રતા નહિ આ અવની માંય......

નારદજી એ આ ભ્રમણા ભાંગવા કર્યો એક ઉપાય,
 અનસૂયા ની ઓળખ આપી મહા સતીઓ ની માંય...

ત્રણે દેવી ઓ હઠે ભરાણી સ્વામી કરો ને કંઈક ઉપાય,
 લો પરીક્ષા સૌ સંગે મળીને અવર ન સમજીએ કાંઈ...

બ્રહ્મા, વિષ્ણુ મહાદેવ મળીઓ ને આવ્યા સતી ને ત્યાં,
 આપો ભિક્ષા અંગ ઉઘાડે અવર ના કોઈ ઉપાય...

સતી સમજ્યા અંતર મનથી કર્યો તર્ક મન માંય, 
આદરથી એક અંજલિ છાંટી બાળ બનાવ્યા ત્યાં...

ત્રણે દેવી ઓ મનમાં મૂંઝાણા પૂછે નારદજી ને વાત,  
પ્રભુ તમારા ઝૂલે પારણિએ અનસૂયા ને ત્યાં....

કર જોડી કરગરે દેવી ઓ આપો અમારા નાથ,
બાળ બન્યા મુજ બાળ થઈ આવે અવર ન માંગુ કાંય...

ત્રણે દેવો એક અંસ બની ને ધર્યું દત્તાત્રેય નામ,
 " કેદાર" ગુણલા નિત નિત ગાતો લળી લળી લાગે પાય... 

સાર:-અત્રિ રૂષિ ના પત્ની અનસૂયા માતા ના પતિવ્રત ધર્મ ની પ્રતિષ્ઠા થી ઈર્ષા પામી ને બ્રહ્માણી, લક્ષ્મીજી અને રુદ્રાણી એ  બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને તેમની પરીક્ષા લેવા મજબૂર કર્યા.  તેથી ત્રણેય દેવો બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને અનસૂયા માતા પાસે પધાર્યા. તે સમયે અનસૂયાજી એકલાં જ હતાં,  ત્રણેય દેવો એ એવી આકરી શરત મૂકી કે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો જ ભિક્ષા લઈશું નહિ તો પાછા જઈશું. જો અતિથિ  ખાલી હાથે પાછો ફરે તો સતિત્વ ધર્મ લાજે. આથી માતા અનસૂયા એ હાથમાં પાણીની અંજલિ ભરીને સંકલ્પ કર્યો કે ‘જો મારી સ્વામી ભક્તિ અચળ હોય તો આ ત્રણેય ભિક્ષુકો આ જ ક્ષણે બાળક સ્વરૂપ ને પામે’. અંજલિ નો સ્પર્શ થતાં જ જગતના સર્જક પ્રજા પિતા બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને સંહાર ના દેવ મહાદેવ નાના બાળક બની ગયા. માતા અનસૂયા એ ત્રણેય બાળકોને પારણા માં પધરાવી દીધાં. બ્રહ્મલોક, વૈકુંઠ અને કૈલાસ ત્રણેય લોક ઉપર ત્રણેય દેવી ઓ ચિંતિત થઈ કે ત્રણેય દેવો ક્યાં અદૃશ્ય થઈ ગયા. તે સમયે નારદજી એ કહ્યું કે સતીના પારખાં લેવા જતાં ત્રણેય દેવો બાળક બનીને માતા અનસૂયા ના પારણે ઝૂલી રહ્યાં છે. ત્રણેય દેવી ઓએ માતા અનસૂયા ની માફી માંગી અને પોતાના પતિની માગણી કરી ત્યારે માતા અનસૂયા એ તેમનો સત્કાર કરીને જણાવ્યું કે તમારા સ્વામી પારણા માં સૂતા છે. ઓળખીને લઈ જાવ. ત્યારે ત્રણેય દેવી ઓ મૂંઝાઈ ગઈ અને અનસૂયા માતા ને વિનંતી કરીને કહ્યું કે અમે અજ્ઞાની ઓળખી ના શક્યા. આપ જ અમારા સ્વામી ને ઓળખાવો ત્યારે માતા અનસૂયા એ ફરીથી પાણીની અંજલિ છાંટીને ત્રણેય દેવો ને પૂર્વવત્ સ્થિતિમાં લાવી દીધા. ત્રણેય દેવો એ વરદાન માટે કહ્યું ત્યારે અનસૂયા માતા એ કહ્યું કે તમે ત્રણેય દેવો મારા પુત્ર સ્વરૂપે પધારો અને અમને ધન્ય કરો. આથી ત્રણેય દેવો એ અત્રિ ઋષિ અને સતી અનસૂયા માતા ને ત્યાં આદ્ય ગુરુ દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયા.
ફોટો ગુગલના સહયોગથી સાભાર
જગ જનની


                                  જગ જનની

ઢાળ:- રાગ દુર્ગા જેવો

જગ જનનિ જગદંબા ભવાની,         હું બાલુડો તારો
આવ્યો તારે શરણે અંબા,       શરણાગત ને સ્વીકારો...

તું કરૂણા ની કરનારી,        દુખિયા ના દુ:ખ હર નારી
                         તારી મૂર્તિ મંગલકારી ભવાની...

તારી શોભે સિંહ ની સવારી, તને ભજતાં ભૂપ ને ભિખારી
                        માં સમદ્ગષ્ટિ છે તમારી ભવાની...

તારી ભક્તિ જે ભાવ થી કરતાં, એના પાપ સમૂળાં ટળતાં
                      એને યમ કિંકર ના નડતાં ભવાની...

ના હું ભાવ ભક્તિ કંઈ જાણું,    તારો મહિમા કેમ પિછાણું
                     મને આપો ઠરવા ઠેકાણું ભવાની...

તારું નામ રહે નિત મન માં, વીતે જીવન સમરણ સુખ માં
                    ના હું પડું ચોરાસી ના દુ:ખ માં ભવાની ...

માં દીન " કેદાર " ઊગારો,        મારી બેડલી પાર ઉતારો
                          મને આશરો એક તમારો ભવાની...
ફોટો ગુગલના સહયોગથી સાભાર



Thursday, March 13, 2014

                           શબરી


શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા, ભાવ ધરી ભગવાન પધાર્યા..

પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત ના પિછાણું
રાખી હૃદય રઘુનાથ ની મુરત, રામ રામ બસ રામ ઉચાર્યા..

આવી જરા હવે હાથ ન હાલે, દેહ રહે નાહીં મારે હવાલે
શા થી થાશે સેવા તમારી, શરીર નમ્યે સરકાર જો પધાર્યા..

આશા એક અવધેશ અમારી, ખુલ્લી રહે નયનો ની બારી
હરિ દર્શન ની આશ અમારી, ગુરુજન કેરાં વચન વિચાર્યા..

સૂણી અરજ અવિનાશી પધાર્યાં, શબરી ના સંતાપ નિવાર્યા
એઠાં ફળે મિજબાની માણી, ભીલડી કેરાં ભાગ્ય સુધાર્યા..

ભાવ થકી ભગવાન જે ભજતાં, જનમ જનમ ના ફેરા ટળતાં
દીન " કેદાર " હરી અળગો ન કરતાં, ભક્ત જનોને પાર ઉતાર્યા..

સાર -રામાયણ ના દરેક પાત્રો માંહેનું અરણ્ય કાંડનું એક અનોખું પાત્ર એટલે શબરી.  શ્રી રામ સીતાજીની શોધ કરતાં હતાં ત્યારે વનમાં ફરતાં ફરતાં પંપા સરોવરને કાંઠે પધાર્યા, ત્યાં તેમણે એક તૂટી ફૂટી ઝૂંપડી જોઇને તે તરફ પ્રયાણ કર્યું, અને જોયું તો એક વૃદ્ધ કમજોર સ્ત્રી બેઠી હતી. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને જોઈને એ વૃદ્ધા એકદમ બન્નેના પગમાં પડી ગઈ. શ્રી રામે આદર સહિત પુચ્છું, શું આપ અમને ઓળખો છો? માં આપ અમને આપનો પરિચય આપશો?  ત્યારે એ વૃદ્ધાએ જવાબ આપ્યો કે પ્રભુ, મારું નામ શબરી છે, હું એક અધમ, નીચ જાતિની અને મંદ બુદ્ધિની સ્ત્રી છું. મારા ગુરુ શ્રી મતંગજી જ્યારે બીમાર પડ્યા ત્યારે તેણે મને વચન આપેલું કે એક દિવસ પ્રભુ રામ તારે ત્યાં જરૂર પધારશે, મને મારા ગુરુ પર અપાર શ્રદ્ધા હતી કે એમણે આપેલું વચન કદાપિ વ્યર્થ નજાય. પણ હા એ શંકા જરૂર હતી કે હું કોઈ જાતના મંત્ર કે પૂજા જાણતી નથી, બસ ફક્ત રામ રામ રટણ કરું છું. બીજી એક અરજ પણ કરતી હતી કે નાથ, હવે મારી કાયા વય ને કારણે મારા કાબુમાં રહેતી નથી, જો આપ પધારવામાં વિલંબ કરશો તો હું આપની સેવા કઈ રીતે કરી શકીશ? અને એ પણ અરજ કરતી હતી કે કદાચ શરીર ચાલતું હોય પણ જો આંખે દેખાતું બંધ થઈ જાય તો? તો આપના દર્શન કેમ કરીશ, તેથી એમ પણ માંગતી કે નાથ મારા નયનો ની બારીને ખુલ્લિ રાખજો, કારણ કે મને તમારા દર્શન ની આશા છે, આપ જરૂર પધારશો એ આશાએ દરરોજ હું મારી ઝૂંપડી સાફ સુફ કરીને, તાજાં તાજાં ફળો ચાખી ચાખીને તૈયાર રાખતી કે જેથી કોઈ ફળ ખરાબ કે કડવું નહોય. આજે આપ બન્નેને જોતાંજ મને મારા ગુરૂજીના વચનો યાદ આવી ગયાં એટલેજ આપ બન્નેને જોતાંજ હું ઓળખીગઈ. 
શબરીનો ભાવ જોઈને પ્રભુ અતી પ્રસન્ન થયાં, અને એનાં ચાખેલાં એઠાં ફળ પોતે તો જમ્યા, પણ લક્ષ્મણને પણ આપીને કહ્યું ભાઇ આવા ભાવ રસ ભરેલાં ફળો કદાચ બીજે નહીં મળે, માટે જેટલાં ખવાય તેટલાં ખાઈ લો.
ભગવાને શબરીની ભક્તિ કરવાની રીત ની અજાણતાં બાબત સમજાવતા કહ્યું કે, હે શબરી, ભક્તિ નવ પ્રકારની હોય છે. ૧, સંત સામાગમ. ૨, હરિ કથા શ્રવણ. ૩, ગુરુ ની સેવા. ૪, કપટ છોડીને પ્રભુ ગુણ ગાવા. ૫, મંત્રોની અંદર નિષ્ઠા રાખવી. ૬, જે પણ પ્રવૃતી કરતાં હોય તે થોડી ઓછી કરીને પણ ભજન કરવા. ૭, દરેક જીવ માં હરિનો અંસ જોવો. ૮, જેટલું પણ મળે, ભલે સુખ હોય કે દુખ, ઈશ્વર ની પ્રસાદી સમજી સંતોષથી સ્વીકારી લેવું. અને ૯, કોઇ પણ જાતનું છળ કે કપટ મનમાં રાખવું નહીં. ભક્ત આ નવ પ્રકારની ભક્તિ માંથી કોઈ એક પ્રકારે પણ જો પ્રેમ સહિત ભજે, હું સદા તેને દર્શન આપવા તત્પર રહું છું. આમ કહી પ્રભુએ તેને નવ પ્રકારની ભક્તિનો મહિમા સમજાવ્યો, અને કહ્યું, શબરી તારામાંતો નવે નવ પ્રકારની ભક્તિ ભરેલી છે. આમ કોઈ પણ માનવ, કોઈ પણ પ્રકારે ભક્તિ કરે તો પ્રભુ તેને પાર લગાવે છે.  

ફોટો ગુગલના સહયોગથી સાભાર

Wednesday, March 12, 2014

                                    કેવટ પ્રસંગ.


મેં તો જાણી લીધો ભેદ તમારો, સીતાના સ્વામી,પ્રેમે કહો પાવલાં પખાળો....

ભવ સાગર ભર તારણ હારો, માંગે આજ આશરો અમારો
નાવ માંગે હરિ પાર ઊતરવા, કેવટ મનમાં મૂંઝારો...સીતાના સ્વામી...

મર્મ તમારો જાણું હું ભગવંત, જાણું અવતાર તમારો
પ્રથમ પહેલાં પાય પખાળું, પછી કરૂં પાર કિનારો....સીતાના સ્વામી..

રાત વેળા એ કરતા લક્ષ્મણ, નૃપ સંગ વેદ ના વિચારો
વેદ નો ભેદ મેં એક જ જાણ્યો, જાણ્યો ચરણ ચમકારો.. સીતાના સ્વામી...

રજ તમારી પડી પથ્થર પર, પ્રગટ્યો ત્યાં દેહ દમકારો
જો રજ પરસે નાવ અમારી, તૂટે ગરીબ નો ગુજારો...સીતાના સ્વામી...

શીદ ગંગાજળ શુદ્ધ ગણાતું, શીદ શુદ્ધ ગંગા કિનારો
શીદને ભક્ત ગણ ભાગીરથી સેવે, જાણી લીધો વેદ વરતારો..સીતાના સ્વામી...

ગંગા કિનારે જીવન વિતાવ્યું, -તેથી- આવ્યો સમય આજ સારો
ભવ સાગરનો તારણ હારો, કહે મને પાર ઉતારો....સીતાના સ્વામી...

આજ કિનારે બીજી ન નાવડી, અવર ઊતરવા ન આરો
પગ પખાળી પછી પાર ઉતારૂં, માંગું નહિ આપથી ઉતારો..સીતાના સ્વામી...

જો તેં જાણી લીધું નીર ગંગાનું, જાણી લીધો વેદ વરતારો
શીદ પખાળે પછી પાવલા મારાં, કરે નહિ ગંગ થી ગુજારો..સીતાના સ્વામી...

જળ ગંગા એ નીચ જન તાર્યા, કીધો અનેક નો ઉગારો
અધમા અધમ હું અતિ અધમ નો, નહી કરે નીર ઉદ્ધારો..સીતાના સ્વામી...

પ્રેમ પિછાણી રઘુવીર રીઝ્યા કહે, તું જીત્યો ને હું હાર્યો
ચરણામૃત લઈ મેલ્યું મુખ માંહી, ત્યાં તો રોમે રોમ ઊજિયારો..સીતાના સ્વામી...

પરભવ કેરો કચ્છ કેવટ રિઝાવી, તાર્યા કુટુંબ પરીવારો
પાર ઉતરી પૂછે પ્રભુજી હવે, આપું તને કેવા ઉપહારો..સીતાના સ્વામી...

આજ પ્રભુજી મને શું શું ન મળ્યું, અનહદ કર્યા છે ઉપકારો
અવર ન આશ પણ એટલું માંગું, કરજો હવે એક દિ’ ઉતારો.......સીતાના સ્વામી......

આજ ગંગાજળ પાર મેં કરાવ્યાં, આવે અંત આયખો અમારો
લખ ચોરાસીના લેખા ન લેજો, દેજો મને આશરો તમારો..સીતાના સ્વામી...

દીન " કેદાર "નો દીન દયાળુ, ભક્ત કેરા ભાર હર નારો
છળ કપટ છોડી રામ જે રિઝાવે, પામે એ તો મોક્ષ નો કિનારો..સીતાના સ્વામી...

 સાર-ભગવાન રામ/લક્ષ્મણ અને માતા સિતાજી જ્યારે ગંગા પાર કરવા ગંગા કિનારે પધારેછે ત્યારનો આ પ્રસંગ છે.

શૃંગવેરપુરનો એક ગરીબ નાવિક ગંગામાં પોતાની નાવ ચલાવીને ગુજરાન ચલાવતો, એક વખત શૃંગવેરપુરનો રાજા ગુહ શિકાર કરતાં ભટકી ગયેલો, ત્યારે કેવટે ( વહાણ હાંકવાનું કામ કરનાર પુરુષ) તેમને મદદ કરેલી ત્યારે ગુહ રાજાએ વચન માંગવા કહ્યું, પરંતુ કેવટે સમય આવ્યે માંગવા કહેલું. આજે રાત્રે જ્યારે કેવટને રામજી નું રક્ષણ કરતા રાજા ગુહ અને લક્ષ્મણજી ની વાત સાંભળવા મળી કે રામ કોણછે? તેમના ચરણોનો શો મહિમા છે? એજ ચરણોમાંથી નીકળેલી આ ગંગા શુંછે?અને આજે સવારે રામજી ગંગા પાર કરવાનાછે તે જાણ્યું ત્યારે કેવટે રાજા પાસે સવારે  બીજી કોઈ નાવ ગંગા કિનારે ન રહે એવું વચન માંગી લીધું તેથી રામજી એજ નાવમાં બેસવા મજબૂર હોઈને કેવટ કહેછે કે.....

 હે ભગવન્ રાત્રે આપનું રક્ષણ કરતા લક્ષ્મણજી રાજા ગુહ સાથે જે ચર્ચા કરતા હતા, તેમાં મને બીજુંતો કંઈ ન સમજાયું પણ એકજ વાત સમજાઈ કે જો હું આપના ચરણોને પખાળીને ચરણામૃત લઈ લઉં તો મારો બેડો પાર થઈ જાય.મને થતું કે આટલા આટલા દૂરથી સંતો/મહંતો અને અનેક લોકો ફક્ત ગંગા સ્નાન અને એક અંજલિ જળ માટે શા માટે આવતા હશે? મારોતો જનમારો આ જળના સહારેજ વીત્યો, મને શો લાભ થયો? પણ આજે મને સમજાયછે કે તેના ફળ સ્વરૂપે આપના દર્શન થયા અને હવે જો આપ મને પગ ધોવાદો તો હું પાર થઈ જાઊં, અને પ્રભુ એક બીજી વાત, આપના ચરણની રજ એક પથ્થર પર પડી તો તેમાંથી રૂષી પત્ની ઉત્પન્ન થઈ ગઈ, મારી નાવ તો કાસ્ટની છે, એમાંથી જો કોઈ અલૌકિક નારી ઉત્પન્ન થાય તો મારી આજીવિકાનું શું? અને હું એ દેવીની સેવા શું કરી શકું? અને પ્રભુ આજે આ કિનારા પર બીજી કોઈ નાવતો છે અહિં તેથી આપને બિજો કોઈ વિકલ્પ પણ નથી, માટે આપ મને આપના પગ પખાળવાદો.
પ્રભુ કેવટને સમજાવેછે કે જો તને મારા ચરણામૃતની ખબર પડીજ છે તો પછી સિધેસીધું ગંગાજળજ કેમ નથી લેતો? ત્યારે કેવટ સરસ જવાબ આપેછે કે નાથ, આપના ચરણમાંથી નીકળેલુ આ જળ વહેતાં વહેતાં અહિં સુધી પહોંચ્યું તે દરમિયાન કેટલાએ જીવો ને પાર ઊતાર્યા હશે, તો કંઈક તો સત્વ ઘટ્યું હશેને? અને પ્રભુ હૂંતો અધમ નહિં પણ અધમથી પણ અધમ છું, તો મારો ઉદ્ધાર આ જળ નહીં કરી શકે એમ મને લાગેછે, માટે મને આપ આપના ચરણો ધોવાદો અને એ જળ જો મારા શરીરમાં જાય તો કદાચ મારો ઊધ્ધાર થાય.
ભગવાને વિચાર્યું કે આ કેવટ જિદ્દ નહીં છોડે, તેથી તેને પગ ધોવાની મંજૂરી ભગવાને આપી દીધી.

મારા સાંભળ્યા પ્રમાણે કેવટ આગલાં જન્મમાં કચ્છ કહેતાં કાચબો હતો. એક વખત ક્ષીર સાગરમાં ભગવાન વિશ્રામ કરતા હતા ત્યારે આ કાચબાને ભગવાનના ચરણ સ્પર્શ કરવાની ઇચ્છા થઈ, પણ ભગવાન ની નિદ્રામાં ખલેલ ન પડે માટે શેષનાગે તેને દૂર હડસેલી દીધો, ફરીવાર પ્રયત્ન કર્યો ત્યારે પણ સફળતા ન મળી, ત્રિજી વાર જ્યારે પ્રયત્ન કરવા ગયો ત્યારે શેષનાગે જોરથી ફેણ મારતાં આ કાચબાનું મૃત્યુ થયું, પણ એ વેળાએ તેની ઇચ્છા પ્રભુના ચરણ સ્પર્શ કરવાની રહી ગયેલી તેથી આ જન્મે તે કેવટ બનીને પ્રભુના પગ પખાળવા પહોંચી ગયો.

ગંગા પાર કરીને ભગવાને કેવટને ઉતરાઈ આપવા કહ્યું ત્યારે કેવટે વિનંતી કરી કે નાથ, ગંગા પાર કરવાનું મહેનતાણું લઈને મારે આપને મારા ઋણમાંથી મુક્ત થવા નથી દેવા, જેમ મેં આપને ગંગા પાર કરાવી તેમ જ્યારે હું ભવસાગર પાર કરવા આવું ત્યારે આપ મારી પાસે પણ કોઈ ઉતરાઈ ન લેજો, મારા કર્મના કે પાપોનો હિસાબ ન માંગતા, બસ પાર કરીને આપના ચરણોમાં લઈ લેજો.
આપણે પણ આપણી શક્તિ પ્રમાણે ભાવ સહિત પ્રભુને ભજતા રહીએ તો યથા યોગ્ય ફળ જરૂર મળે.
જય શ્રી રામ.  

ફોટો ગુગલના સહયોગથી.

Tuesday, March 11, 2014

સંત ભરત

                     સંત ભરત


જેણે મારી માયા ને લાતો, ભરતજી, શાને ન સંત કે’વાતો..

રાજ રઘુ નું અભરે ભરેલું, યુગ સુવર્ણ નો જાતો
ઇંદ્ર જેવા ને પણ ઈર્ષા આવે, વૈકુંઠ થાતી જેની વાતો..

સ્વર્ગ સમું સૌ સુખ સવાયું, દ્વેષ ન દ્વાર ડોકાતો
એવા અવધ ની ગાદી માટે જે, લેશ ન દિલ લલચાતો..

માયા ત્યાગી મહેલો ત્યાગી, ઝૂંપડે વિતાવી રાતો
માતા માનુની મેવા ત્યાગી, વન ફળ વીણી વીણી ખાતો..

ચૌદ વરસ જેણે સાધુ બની ને, તોડ્યો જગ થી નાતો
પાદુકા કેરું પૂજન કરી ને, હૈયે અતિ હરખાતો..

ભક્ત ભરત થી મુનિ જન મોટાં, વેદ ની કરતાં વાતો
બ્રહ્માજી જેનો આદર કરતાં, " કેદાર " ગુણલા ગાતો..

સાર-મારા ગુરુ સમાન કવિ શ્રી "દાદ" શ્રી દાદુદાન ગઢવીએ  લક્ષ્મણ પર એક પુસ્તક લખ્યું છે. એ પુસ્તકમાં લક્ષ્મણ વિષે એટલી છણાવટ કરી છે કે ઘડીભર વિચારતા કરીદે કે, લક્ષ્મણ રામથી કોઈ પણ રીતે ઉતરતા જણાતા નથી એવું લાગે. એક મહા ભક્ત, મહા સંત,ત્યાગી,સેવાભાવી.
અયોધ્યા એક એવું રાજ્ય હતું કે જેની જાહોજલાલી, ઐશ્વર્ય ની ચર્ચા ઇંદ્ર સભામાં પણ થતી અને કદાચ ઇંદ્રને પણ તેની ઈર્ષા થતી હશે. અયોધ્યામાં રાગ દ્વેષ જેવા કોઈ પણ ખરાબ પરીબળો ને પ્રવેશ મળતોજ નહીં. ફક્ત સુખ.સંપતી અને ભક્તિનોજ વાસ રહેતો. એવા અવધ ની ગાદી ની લાલચ કોણ ન કરે? પણ ભરતજીએ  ફૂટબોલ ના દડાની જેમ એ લાલચ ને  લાત મારી દીધી. એટલુંજ નહીં, મહેલોનો પણ ત્યાગ કર્યો, સઘળા સુખ સાયબી, સાત્વિક ભોજન, અરે પત્ની ને પણ મહેલમાંજ મૂકીને નગર બહાર ઝૂંપડી બાંધીને રહ્યા. બસ એકજ વિચાર, કે  મારો રામ વનમાં કષ્ટો ભોગવતો હોય, વન ફળ વીણી વીણી ને પેટ ભરતો હોય, ત્યારે હું મહેલોમાં એશોઆરામ ન કરી શકું, 
ભરતજી જ્યારે રામજીને મળવા અને પાછા ફરવાની વિનંતી કરવા ચિત્રકૂટ પધારેલા, ત્યારે રામજીએ ખુબજ સમજાવેલા, પણ અંતે રામજીની પાદુકા સાથે લાવેલા. તે પાદુકાને રાજ ગાદી પર પધરાવીને તેની પૂજા કરીને, ચૌદ વરસ સાધુ જેવું જીવન વિતાવ્યું. એ દરમિયાન અનેક સંતો મહંતો અને ઋષિ મુનિઓ ભરતજી પાસે સત્સંગ કરવા પધારતા. અને બ્રહ્માજી જેવા પણ જેનો આદર કરતા હોય તેનાતો ગુણ ગાન કોણ ન ગાય?
જય શ્રી ભક્ત ભરતજી.
ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Monday, March 3, 2014

                               ડેરો


ફંદે ફસાયો હો     પડ્યો ડેરો છે ડોક માં,  મોહ માયા નો હો  પડ્યો ડેરો છે ડોક માં...

જૂઠું બોલ્યા વિના જગમાં જીવાય નહિ,   ખોટું લીધા વિના   ખરચો કઢાય નહિ
                                                         નાણું ભેગું થાય નહિ હો... 

નગદ નારાયણ નું નામ મુખ થી જાય નહિ, નર નારાયણ નું ભજન સુખે થાય નહિ
                                                        પણ-સમય વેડફાય નહિ હો...

દાન પુણ્ય દક્ષિણા ખર્ચા બધા ખોટા,       આપે ભૂખ્યા ને અન્ન હરિવર છે મોટા              
                                                       આમાં વચમાં પડાય નહિ હો...

પાપ પુણ્ય કર્મ દોષ હરિ ને હવાલે,       જનની જોરૂ પિતા પુત્ર સોંપ્યા ઉપર વાલે
                                                               એને છોડાય નહિ હો...

ક્રોધ જો ન કરીએ તો સતાવે સંસારી,       સીધા સદા રહીએ તો ભીડ પડે ભારી
                                                            જગ માં જીવાય નહિ હો...

સુખ માં સંઘરી લો દુ:ખે કામ આવે,          હોય ગાંઠ નાણું લોક દોડી દોડી આવે
                                                            લક્ષ્મી વપરાય નહિ હો...

સત્ય વચન સત્ય કર્મ સત યુગ માં શોભે,     કળિયુગ માં કર્મ બધાં કરવા સંજોગે
                                                               મોકો ચુકાય નહિ હો....

સ્વર્ગ નરક કોણે દીઠાં ભ્રાંતિ છે ખોટી,           શાસ્ત્ર વેદ મંત્ર બધાં વાતો કરે મોટી
                                                                      ભ્રમ માં પડાય નહિ હો...

પામ્યો મનુષ્ય દેહ એજ સ્વર્ગ સાચું,  બંગલા મોટર નોકર ચાકર સુખ માં સદા રાચું
                                                              સ્વર્ગ બીજું હોય નહિ હો..

પછી- આવે બુઢાપો ધોળી ધજાયું ફરુકે,              તૂટે ખુમારી ને કેડ વાંકી ઝુકે
                                                             હવે- પાછું વળાય નહિ હો...

આવે જ્યારે યમ ના તેડા સમજણ સૌ આવે, જીવન બધું એળે ખોયું સત્ય સમજ આવે
                                                              પણ - તૂટ્યું સંધાય નહિ હો...

આપે પ્રભુજી જો અવસર એક આવો,         રામ નામ રટણ કરી લઉં જીવન નો લહાવો
                                                                  ભૂલ આવી થાય નહિ હો...

આવી જગત માં જીવ ફરી થી ફસાતો,         " કેદાર " કરુણા એજ ભૂત ભૂલી જાતો
                                                            આમ ચોરાશી તરાય નહિ હો...

સાર-ભજન, ગરબા જેવી રચનાઓ કરતાં કરતાં ક્યારેક આજના સંજોગો જોતાં જોતાં,અને આજના ઘણા સ્વાર્થી લોકોના વર્તન જોતાં જોતાં ક્યારેક એવી પણ રચનાઓ બની જાય છે જે ભજન કે ગરબા થી અલગ જ છાપ છોડે છે. જેમકે શ્રી મેઘાણી ભાઇએ પણ ચીલો ચાતરીને લખ્યું છે કે "ધરતી તણા પગલે પગલે, મૂઠી ધાન વિના નાના બાળ રડે. ત્યારે હાય રે હાય કવિ તુજને, સંધ્યા તણા શેણે ગીત ગમે"                                                          

પ.પુ.બ્ર. નારાયણ સ્વામી ભજન ની શરૂઆત કરતાં પહેલાં ઘણી વખત એક માળા ગવરાવતાં, જેના શબ્દો હતાં -"ગુરુજી ના નામ ની હો માળા છે ડોક મા". પછી ખોટું બોલાય નહીં ખોટું ખવાય નહિ, ખોટું લેવાય નહિ હો ..વગેરે વગેરે.. પણ મને થાય છે કે  આજના આ યુગમાં ઘણો મોટો વર્ગ એટલો બધો સ્વાર્થી થઈ ગયો છે કે એ બધા નિયમો પાળવાની વાત તો જવાદો, ઊલટો અલગજ વિચાર ધારા ધરાવતો થઈ ગયો છે. જોકે છેલ્લે કોઈ કોઈ ને પસ્તાવો થતો પણ હશે, પણ ત્યારે ઘણું મોડું થઈ જાય છે. આજના ઘણા માનવ માને છે કે આ બધા નિયમો તો સતયુગમાં પાળવા માટેના હતા, અત્યારે આ બધું ન ચાલે, આજે ડોક માં માળા નહિં પણ મોહ માયાનો ડેરો પડ્યો છે, અને તેથી એના ફંદામાં માનવ (બધા નહિં, અમુક લાલચુ,લોભી, કામી અને કપટી)એવો ફસાયો છે કે બીજું કશું વિચારી જ સકતો નથી, તે માને છે કે ખોટું કર્યા વિના આ મોંઘવારી માં નિર્વાહ ચાલેજ નહીં, દેવ દર્શન,ભજન,દાન પુણ્ય કરવાનો હજુ વખત નથી થયો, એતો નિવૃત થયા પછીજ કરાય, અને ભૂખ્યા દુખિયાને ઈશ્વર સાંચવી લે, આપણે ઈશ્વરના કાર્યમાં વચ્ચે ન પડાય, અને શાસ્ત્રો અને વેદો માં જે સ્વર્ગ કે નરકની વાતો થાયછે તે કોને પ્રમાણિત કર્યું છે? આજનું ભૌતિક સુખ મળે એજ સ્વર્ગ, માટે કોઈ પણ રીતે ધન મેળવો અને સંઘરો, ધન હશે તો તમને બધાંજ સુખ મળી રહેશે, અને લોકો તમારી પાંસે દોડતા આવશે.
આવા ભ્રમ માં રાચતો માનવ જ્યારે બુઢાપો આવે અને શરીર ઘટે, અંગો મગજનો હુકમ માનવાની ના પાડે, નજર ની બારી બંધ થવા લાગે, ત્યારે ખ્યાલ આવે કે હવે તો બહુ મોડું થઈ ગયું, પણ જો પ્રભુ એક મોકો માનવ જન્મ નો આપે તો એવું જીવન વ્યતિત કરું કે સિદ્ધો જ મોક્ષનો માર્ગ મળી જાય. 
કદાચ ઈશ્વર દયા કરે અને માનવ બનાવે, તો પાછો આ જીવ એજ માયામાં ફસાઈ ને અથડાતો રહે છે.
આતો બધી ઊપર વાળાની ચોપાટ છે. બસ એના પર બાજી છોડીદો, જેમ રમાડે તેમ રમ્યા કરો,  જય માતાજી.       

Sunday, March 2, 2014

                            સખુબાઇ

                                                                                     
ઢાળ:- હુંતો કાગળીયા લખી લખી થાકી......જેવો

ખાસ નોંધ:-પંઢરપુર જેવા પવિત્ર સ્થળ નજીક ના એક ગામ માં સંત સખુબાઇ વિષે મને સારી એવી જાણકારી મારા શુભ ચિંતકો તરફ થી મળેલ છે, જો કે સખુબાઇ વિષે બે ત્રણ પ્રકારની વાતો સાંભળવા મળે છે, પણ જે વધારે સમર્થન પામે છે તેના પર થી મેં આ ભજન બનાવ્યું છે, છતાં જો કોઈ ભૂલ હોય તો તે મારી જ હશે, અને આપને પણ કોઈ ભૂલ જણાય તો સૂચન કરવા વિનંતી.                      
                             

વહાલો ઘૂંઘટ માં લાગે વહાલો વહાલો, બન્યો છે સખુ સામળિયો.. 
વહાલો ભક્તોના ભાર હર નારો, બન્યો છે સખુ સામળિયો..

સખુ સિધાવી જ્યારે સાધુઓ ની સાથે, ભક્ત કેરો ભાર લીધો ભૂધરા એ માથે
                                         આવ્યો સખુનું રૂપ લઈ રસાળો...બન્યો...
ઊઠી  અંધારે નિત દળણા દળાવે,  શિર પર ચડાવી હેલ પાણીડા ભરાવે
                                     રૂડિ ચાલે છે ચાલ ચટકાળો...બન્યો..
બની ગોવાલણ દૂધ દોવડાવે,   મારી કછોટો માવો મહીડા વલોવે
                                   ગાય ગીતો ગીતા નો ગા નારો...બન્યો..
ઈંધણા વીણીને રૂડિ રસોયું બનાવે, સાસુ સસરા ને વહાલો પ્રેમે પિરસાવે
                                     માંજે વાસણ છે મોરલી વાળો...બન્યો..
સાસુ નણંદ ના પાવલાં દબાવે, શેષ ઉપર સુતો જે ગોદડી બિછાવે
                              વહાલો ભક્તો ની ભીડ ભાંગ નારો...બન્યો...
સાસુ નણંદ સૌ મન માં વિચારે, શાણી થઈ સખુ હવે સોટી ના મારે
                                    મુખ મલકાવે નંદ નો દુલારો...બન્યો...     
સખુ સિધાવી સ્વર્ગ સંત સંભળાવે, જીવન મરણ હરિ હાથ સત્ય સમજાવે
                                       જે જનમ્યો તે એક દિ’ જવાનો..બન્યો..
શાનો છે સંઘ ને શાની કરો વાતો, સખુ તો રહેતી સંગ દિવસ ને રાતો
                                         કર્યો સંતો એ ઈશ નો ઇશારો...બન્યો...
સાસુ સસરા સૌ પડ્યા હરિ પાય માં, પ્રભુ દુભાવ્યા હવે મુક્તિ કેમે થાય ના
                                              ફટ ફટ અવતાર અમારો...બન્યો...
ભક્તો કેરી ભક્તિ ભાળી ભૂધરાએ ત્યારે, કિધી સજીવન સખુબાઇ ને પ્યારે
                                           એણે કીધો જનમ ઊજિયારો...બન્યો...
દિન " કેદાર "ના દામોદર રીઝતાં, સાસુ સસરા નણંદ પર નહી ખીજતાં
                                         એણે કીધો અધમ નો ઉદ્ધારો...બન્યો...
ફોટો ગુગલના સહયોગથી.


   શ્રાદ્ધ પ્રસંગ

ઢાળ:- કીડી બાઈ ની જાન નો

આવ્યો સમય આજે શ્રાદ્ધ નો રે કરે નરસિંહ વિચાર.  મેહેણા મોટા ભાઇ મારતા,  આપે કષ્ટો અપાર
                                                                           કરવું પિતાનું મારે શ્રાદ્ધ છે...

પાંચ બ્રાહ્મણ ને બોલાવશું રે, સંગે ગોર પરીવાર.  વાળી વેચી ને સીધું લાવશું, સાથ દેશે સરકાર
                                                                            મોટો દ્વારિકા નો નાથ છે...

લાવ્યા સામાન સૌ સાથમાં રે, ઘી નહી ઘરમાં લગાર.  આપો ઉધારે આટલું,   કરે નરસિંહ પોકાર
                                                                         દેવા મારે તો પછી દામ છે...

મારે મહેતાને નાગર મેણલા રે, આજ આનંદ અપાર.  આવે તેડા જો આપના,  જાવું ભક્ત કેરે દ્વાર
                                                                            લેવો પ્રભુ નો પરસાદ છે...

બોલ્યા મહેતાજી ત્યારે ભાવમાં રે, સકળ નાગર સંગાથ.  આવો અમારે આંગણે, લેશું ભોજન સૌ સાથ
                                                                               સાચી પ્રભુજી ની મહેર છે...

નાગર કરે છે ઠઠ્ઠા ઠેકડી રે, સુણી નરસિંહ ની વાત.  સાત માણસ નું સીધું નથી, કહે જમાડશું  નાત
                                                                         વાતો કરવામાં હોશિયાર છે..      

સાચો વહેવાર વંશીધરે રે,  નથી નરસિંહ નું કામ.  કેવાં ભોજન ને કેવી વાત છે, ક્યાં છે દમડી કે દામ
                                                                               ફોગટ ફૂલણશી ફૂલાય છે...

મળ્યો મહેતા ને એક માલમી રે, આપું ઘી ના ભંડાર.  દામ ન હોય દામોદર ભજો, એજ સાચા કલદાર
                                                                            પછી-નરસિંહ નારાયણ ગાય છે...

સાદ સૂણીને જાગ્યો જાદવો રે, કીધાં સૌને ફરમાન.  ભક્ત મારો ભજને ચડ્યો, નહી રહે હવે ભાન
                                                                            જાવું મહેતાજી ને દ્વાર છે...

નાગર બનીને વહાલો આવ્યા રે, આવ્યા જૂનાગઢ મોજાર.  શોભે છે રૂપ નરસિંહ તણું,   હૈયે હરખ  અપાર
                                                                                કરવાં સેવક ના મારે કામ છે...

કાન ટોપી ધરી ભૂધરે રે, હાથ લીધી કરતાલ.  ભાલે તિલક અતિ શોભતું, સંગે તંબૂર નો તાલ
                                                                 ગોવિંદ ગોવિંદ ના ગુણ ગાય છે..

ગોર બાપા બેઠાં રૂસણે રે, નહી આવું તારે દ્વાર.  કોડીનું દાન કરતો નથી, ખોટો તારો વહેવાર
                                                                      વંશીધર સાચા યજમાન છે...

વિપ્ર બોલાવ્યો એક વિટ્ઠલ રે, નહી જાણે કોઈ જાપ.  પામ્યો મહેર માધવ તણી, મુખે મંત્રો અમાપ
                                                                        વાણી વેદો ની જાણે ખાણ છે...

પોઠું આવી કોઈ ભાત ની રે, સંગે સાજ શણગાર.  સેવક આવ્યા સૌ સાથમાં, પૂછે નરસિંહ ના દ્વાર
                                                                         ક્યાં મહેતાજી ના મહેલ છે...

નાગર લાગ્યા સૌ જાણવા રે, ક્યાંથી આવ્યા કયું કામ.  કોના સેવક ને કોના દાસ છો, શું છે માલિક નું નામ
                                                                                       કેવું નરસિંહ કેરું કામ છે...

હરિપૂર વાસી હરજીવન, રાખે મહેતા ના માન.  જાણી પ્રસંગ આજે શ્રાદ્ધ નો, એણે કીધાં ફરમાન
                                                                        કરવા મહેતાજી ના કામ છે...

નાગર બેઠાં સૌ ચીતવે રે, કીધો મોટેરો માર.  ભીખ મંગાને શાની ભીડ છે, ક્યાં છે વળતો વહેવાર 
                                                                             નથી કંઈ લાજ શરમ છે...

દ્વારે આવી ને કરે ડોકિયાં રે, દીઠાં પિતૃ પરિવાર.  ભાવે ભોજન આરોગતાં, આપે આશિષ અપાર
                                                                       બોલે નરસિંહ નો જય કાર છે...

વિધ વિધ જાત ની વાનગી રે, જેની ફોરમ ફેલાય.  નાગર લાગ્યા સૌ નાચવા, લહાવો છોડ્યો નહી જાય
                                                                                 જમવું મહેતાજી ને ધામ છે...

સઘળા કુટુંબ સંગે આવ્યા રે, નાગર નરસિંહ ને દ્વાર.  સોના બાજોઠ બિછાવીયા, આપ્યાં સુંદર શણગાર                
                                                                            હીરા મોતી થી ભર્યા થાળ છે...

ભાવતાં ભોજન આવતાં રે, આવ્યાં મેવા મોહનઠાર.  ખાધું પીધું ને ભાતું ભર્યું, બોલે નરસિંહ જયકાર
                                                                          ધન્ય મહેતાજી તારી સેવ છે...

સોના રૂપા ના દાન દેવાયા, નથી પૈસા નો પાર.  કુળના ગોર ને રિઝાવીયાં, આપ્યાં અઢળક ઉપહાર
                                                                        પછી-દામોદર દામાકુંડે જાય છે... 

આવ્યા નરસિંહ જ્યારે આંગણે રે, વાત જાણી વિસ્તાર.  કીધી અરજ કૃપાલને, કરો કરુણા કિરતાર
                                                                  શાને-ભૂખ્યા ભગવાન ને ભક્ત છે...

આવ્યા દામોદર દોડતાં રે, રાધા રૂક્ષમણા સંગાથ.  ભાવે થી ભક્ત ને જમાડીયા, જમે દ્વારિકા નો નાથ
                                                                               ભક્ત વત્સલ ભગવાન છે...

કરે ભરોંસો જે કાન નો રે, ગીત ગોવિંદ ના ગાય.  કાર્ય સુધારે એના શામળો, વાસ વૈકુંઠ માં થાય
                                                                    " કેદાર " ગુણ ગાન એના ગાય છે...