Tuesday, March 18, 2014

        પ્રભુજી ની રચના  

       
પ્રભુજી તારી રચના ન્યારી ન્યારી
કોઈ કોઈ લાગે અચરજ કારી, કોઈ સુંદર કોઈ પ્યારી...

અખિલ બ્રહ્માંડ ના સર્જન હારા, પૃથ્વી બનાવી બહુ સારી
સૂરજ ચાંદો નવલખ તારા,        શોભા સઘડી તમારી...

નગાધિરાજ હિમાલય શિખરો, પહોંચે ગગન અટારી
રત્નાકર નો તાગ મેળવવા માં, કોઈ ની ફાવી નહિ કારી...

માતંગ જેવા મહા કાય બનાવ્યા, સૂક્ષ્મ માં કિધી કલાકારી
જલચર સ્થલચર નભચર બનાવ્યાં તેં, કરતાં ફરે કિલકારી...

અણુ એ અણુ માં વાસ તમારો, કણે કણ મૂર્તિ તમારી
અણ સમજુ ને સમજ ન આવે, ભક્ત ને ભાસે છબી તારી...

દીન " કેદાર " ના દીન દયાળુ, અનહદ કરુણા તમારી
ભાવ થકી સદા ભૂધર ભજું હું, રાખજો એવી મતી મારી...

સાર-માનવી કોઈ પણ મોટું સંશોધન કરે ત્યારે તે પ્રખ્યાત બની જાય છે, જેમ કે આજના જીવન જરૂરી વીજળી, ટેલિફોન, મોબાઈલ,પેટ્રોલ/ડીઝલના વાહનો, હવાઈ જહાજો, સમુદ્રી જહાજો અને કોમ્પ્યુટર જેવી અનેક ચીજો, અને એના સંશોધકને જાણે અજાણે નમન કરવા પડેછે. પણ આજનો માનવી ઈશ્વરની રચના ને કેટલી હદે યાદ રાખે છે? જે સહજ મળે છે તેનું મહત્વ હંમેશાં ઓછું આંકવામાં આવેછે. આંખની કિંમત આંધળાને પુછો,પગ ની કિંમત પાંગળા ને પૂછો, માનવીએ કરેલી આવી શોધ માનવ જાત માટે વરદાન છેજ, પણ એમાં કુદરત નો કરિશ્મા તો ભળેલોજ હોય છે. વાહન માટે જરૂરી ઈંધણ ક્યાંથી આવે છે? મશીનો માટે જોઇતા પદાર્થો દ્રવ્યો અને આજે સેંકડોની સંખ્યા માં માનવ અને સર સામાન ભરીને ઊડતા હવાઈ જહાજોને ઊડતા રાખતી હવા કોણ આપેછે? હજારો ટન માલ સામાન ભરીને સમુદ્રમાં વિહરતા જહાજો માટે સમુદ્રમાં પાણી કોણે ભર્યું છે? અને તેથી આ બધું સંશોધન એક રીતે તો ઈશ્વરે બનાવેલા એક એક પુરજા ને જોડીને કરેલી એસેમ્બલી જેવું લાગેછે. જોકે આ પણ કંઈ સામાન્ય વાત નથીજ. અને એ સમજ,સૂજ કોણે આપી? પણ ઈશ્વરે આપેલી ભેટ ને યાદ ન રાખીને કરાતી વાહ વાહ મારા મતે યોગ્ય નથીજ. અને એની રચના યાદ તો કરો? કેવી અકલ્પનીય છે?
આજના વિદ્વાનો પૃથ્વી પરથી કુદીને અવકાશમાં લટાર મારવા લાગ્યા છે, પણ આ પૃથ્વી અને બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર,ગ્રહો,નક્ષત્રો કોણે બનાવ્યા? અને પાછા કેવાં અલૌકિક સૌંદર્ય સભર?
ઉન્મુખ ઊભેલો આપણો હિમાલય, જેની અનેક શૃંખલા જાણે કૈલાસ પર બિરાજમાન શિવના ચરણોને સ્પર્શ કરતી હોય, અને મહા સાગર કે જેનો પાર આજપણ માનવી પામી શક્યો નથી, તે જાણે વિષ્ણુ ભગવાન ના પગ પખાળીને હિલોળે ચડતો હોય એવું લાગે છે.
કણે કણ અને પથ્થર ની અંદર પણ પ્રભુએ જીવન આપ્યું છે, તો હાથી જેવા મહાકાય જીવ ને જોઇતું પોષણ આપ્યું, જલચર અને સ્થલચર જીવો બનાવીને આ સૃષ્ટિ ને કિલકારી કરતી બનાવી દીધી, પણ આ બધી રચના ને જોવા અને માણવા માટે ભાવ ભરી નજર જોઈંએ, નહીંતો એનું સાચું દર્શન નથાય.
આવી અલૌકિક ભેટ આપવા બદલ આપણે ઈશ્વરનો જેટલો ઉપકાર માનીએ તે ઓછો છે. બસ એના ભજન દ્વારા આપણે એના ગુણ ગાન કરતાં રહીએ.

ફોટો ગુગલના સહયોગથી સાભાર.          

No comments:

Post a Comment