Thursday, March 13, 2014

                           શબરી


શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા, ભાવ ધરી ભગવાન પધાર્યા..

પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત ના પિછાણું
રાખી હૃદય રઘુનાથ ની મુરત, રામ રામ બસ રામ ઉચાર્યા..

આવી જરા હવે હાથ ન હાલે, દેહ રહે નાહીં મારે હવાલે
શા થી થાશે સેવા તમારી, શરીર નમ્યે સરકાર જો પધાર્યા..

આશા એક અવધેશ અમારી, ખુલ્લી રહે નયનો ની બારી
હરિ દર્શન ની આશ અમારી, ગુરુજન કેરાં વચન વિચાર્યા..

સૂણી અરજ અવિનાશી પધાર્યાં, શબરી ના સંતાપ નિવાર્યા
એઠાં ફળે મિજબાની માણી, ભીલડી કેરાં ભાગ્ય સુધાર્યા..

ભાવ થકી ભગવાન જે ભજતાં, જનમ જનમ ના ફેરા ટળતાં
દીન " કેદાર " હરી અળગો ન કરતાં, ભક્ત જનોને પાર ઉતાર્યા..

સાર -રામાયણ ના દરેક પાત્રો માંહેનું અરણ્ય કાંડનું એક અનોખું પાત્ર એટલે શબરી.  શ્રી રામ સીતાજીની શોધ કરતાં હતાં ત્યારે વનમાં ફરતાં ફરતાં પંપા સરોવરને કાંઠે પધાર્યા, ત્યાં તેમણે એક તૂટી ફૂટી ઝૂંપડી જોઇને તે તરફ પ્રયાણ કર્યું, અને જોયું તો એક વૃદ્ધ કમજોર સ્ત્રી બેઠી હતી. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને જોઈને એ વૃદ્ધા એકદમ બન્નેના પગમાં પડી ગઈ. શ્રી રામે આદર સહિત પુચ્છું, શું આપ અમને ઓળખો છો? માં આપ અમને આપનો પરિચય આપશો?  ત્યારે એ વૃદ્ધાએ જવાબ આપ્યો કે પ્રભુ, મારું નામ શબરી છે, હું એક અધમ, નીચ જાતિની અને મંદ બુદ્ધિની સ્ત્રી છું. મારા ગુરુ શ્રી મતંગજી જ્યારે બીમાર પડ્યા ત્યારે તેણે મને વચન આપેલું કે એક દિવસ પ્રભુ રામ તારે ત્યાં જરૂર પધારશે, મને મારા ગુરુ પર અપાર શ્રદ્ધા હતી કે એમણે આપેલું વચન કદાપિ વ્યર્થ નજાય. પણ હા એ શંકા જરૂર હતી કે હું કોઈ જાતના મંત્ર કે પૂજા જાણતી નથી, બસ ફક્ત રામ રામ રટણ કરું છું. બીજી એક અરજ પણ કરતી હતી કે નાથ, હવે મારી કાયા વય ને કારણે મારા કાબુમાં રહેતી નથી, જો આપ પધારવામાં વિલંબ કરશો તો હું આપની સેવા કઈ રીતે કરી શકીશ? અને એ પણ અરજ કરતી હતી કે કદાચ શરીર ચાલતું હોય પણ જો આંખે દેખાતું બંધ થઈ જાય તો? તો આપના દર્શન કેમ કરીશ, તેથી એમ પણ માંગતી કે નાથ મારા નયનો ની બારીને ખુલ્લિ રાખજો, કારણ કે મને તમારા દર્શન ની આશા છે, આપ જરૂર પધારશો એ આશાએ દરરોજ હું મારી ઝૂંપડી સાફ સુફ કરીને, તાજાં તાજાં ફળો ચાખી ચાખીને તૈયાર રાખતી કે જેથી કોઈ ફળ ખરાબ કે કડવું નહોય. આજે આપ બન્નેને જોતાંજ મને મારા ગુરૂજીના વચનો યાદ આવી ગયાં એટલેજ આપ બન્નેને જોતાંજ હું ઓળખીગઈ. 
શબરીનો ભાવ જોઈને પ્રભુ અતી પ્રસન્ન થયાં, અને એનાં ચાખેલાં એઠાં ફળ પોતે તો જમ્યા, પણ લક્ષ્મણને પણ આપીને કહ્યું ભાઇ આવા ભાવ રસ ભરેલાં ફળો કદાચ બીજે નહીં મળે, માટે જેટલાં ખવાય તેટલાં ખાઈ લો.
ભગવાને શબરીની ભક્તિ કરવાની રીત ની અજાણતાં બાબત સમજાવતા કહ્યું કે, હે શબરી, ભક્તિ નવ પ્રકારની હોય છે. ૧, સંત સામાગમ. ૨, હરિ કથા શ્રવણ. ૩, ગુરુ ની સેવા. ૪, કપટ છોડીને પ્રભુ ગુણ ગાવા. ૫, મંત્રોની અંદર નિષ્ઠા રાખવી. ૬, જે પણ પ્રવૃતી કરતાં હોય તે થોડી ઓછી કરીને પણ ભજન કરવા. ૭, દરેક જીવ માં હરિનો અંસ જોવો. ૮, જેટલું પણ મળે, ભલે સુખ હોય કે દુખ, ઈશ્વર ની પ્રસાદી સમજી સંતોષથી સ્વીકારી લેવું. અને ૯, કોઇ પણ જાતનું છળ કે કપટ મનમાં રાખવું નહીં. ભક્ત આ નવ પ્રકારની ભક્તિ માંથી કોઈ એક પ્રકારે પણ જો પ્રેમ સહિત ભજે, હું સદા તેને દર્શન આપવા તત્પર રહું છું. આમ કહી પ્રભુએ તેને નવ પ્રકારની ભક્તિનો મહિમા સમજાવ્યો, અને કહ્યું, શબરી તારામાંતો નવે નવ પ્રકારની ભક્તિ ભરેલી છે. આમ કોઈ પણ માનવ, કોઈ પણ પ્રકારે ભક્તિ કરે તો પ્રભુ તેને પાર લગાવે છે.  

ફોટો ગુગલના સહયોગથી સાભાર

No comments:

Post a Comment