ડેરો
ફંદે ફસાયો હો પડ્યો ડેરો છે ડોક માં, મોહ માયા નો હો પડ્યો ડેરો છે ડોક માં...
જૂઠું બોલ્યા વિના જગમાં જીવાય નહિ, ખોટું લીધા વિના ખરચો કઢાય નહિ
નાણું ભેગું થાય નહિ હો...
નગદ નારાયણ નું નામ મુખ થી જાય નહિ, નર નારાયણ નું ભજન સુખે થાય નહિ
પણ-સમય વેડફાય નહિ હો...
દાન પુણ્ય દક્ષિણા ખર્ચા બધા ખોટા, આપે ભૂખ્યા ને અન્ન હરિવર છે મોટા
આમાં વચમાં પડાય નહિ હો...
પાપ પુણ્ય કર્મ દોષ હરિ ને હવાલે, જનની જોરૂ પિતા પુત્ર સોંપ્યા ઉપર વાલે
એને છોડાય નહિ હો...
ક્રોધ જો ન કરીએ તો સતાવે સંસારી, સીધા સદા રહીએ તો ભીડ પડે ભારી
જગ માં જીવાય નહિ હો...
સુખ માં સંઘરી લો દુ:ખે કામ આવે, હોય ગાંઠ નાણું લોક દોડી દોડી આવે
લક્ષ્મી વપરાય નહિ હો...
સત્ય વચન સત્ય કર્મ સત યુગ માં શોભે, કળિયુગ માં કર્મ બધાં કરવા સંજોગે
મોકો ચુકાય નહિ હો....
સ્વર્ગ નરક કોણે દીઠાં ભ્રાંતિ છે ખોટી, શાસ્ત્ર વેદ મંત્ર બધાં વાતો કરે મોટી
ભ્રમ માં પડાય નહિ હો...
પામ્યો મનુષ્ય દેહ એજ સ્વર્ગ સાચું, બંગલા મોટર નોકર ચાકર સુખ માં સદા રાચું
સ્વર્ગ બીજું હોય નહિ હો..
પછી- આવે બુઢાપો ધોળી ધજાયું ફરુકે, તૂટે ખુમારી ને કેડ વાંકી ઝુકે
હવે- પાછું વળાય નહિ હો...
આવે જ્યારે યમ ના તેડા સમજણ સૌ આવે, જીવન બધું એળે ખોયું સત્ય સમજ આવે
પણ - તૂટ્યું સંધાય નહિ હો...
આપે પ્રભુજી જો અવસર એક આવો, રામ નામ રટણ કરી લઉં જીવન નો લહાવો
ભૂલ આવી થાય નહિ હો...
આવી જગત માં જીવ ફરી થી ફસાતો, " કેદાર " કરુણા એજ ભૂત ભૂલી જાતો
આમ ચોરાશી તરાય નહિ હો...
સાર-ભજન, ગરબા જેવી રચનાઓ કરતાં કરતાં ક્યારેક આજના સંજોગો જોતાં જોતાં,અને આજના ઘણા સ્વાર્થી લોકોના વર્તન જોતાં જોતાં ક્યારેક એવી પણ રચનાઓ બની જાય છે જે ભજન કે ગરબા થી અલગ જ છાપ છોડે છે. જેમકે શ્રી મેઘાણી ભાઇએ પણ ચીલો ચાતરીને લખ્યું છે કે "ધરતી તણા પગલે પગલે, મૂઠી ધાન વિના નાના બાળ રડે. ત્યારે હાય રે હાય કવિ તુજને, સંધ્યા તણા શેણે ગીત ગમે"
પ.પુ.બ્ર. નારાયણ સ્વામી ભજન ની શરૂઆત કરતાં પહેલાં ઘણી વખત એક માળા ગવરાવતાં, જેના શબ્દો હતાં -"ગુરુજી ના નામ ની હો માળા છે ડોક મા". પછી ખોટું બોલાય નહીં ખોટું ખવાય નહિ, ખોટું લેવાય નહિ હો ..વગેરે વગેરે.. પણ મને થાય છે કે આજના આ યુગમાં ઘણો મોટો વર્ગ એટલો બધો સ્વાર્થી થઈ ગયો છે કે એ બધા નિયમો પાળવાની વાત તો જવાદો, ઊલટો અલગજ વિચાર ધારા ધરાવતો થઈ ગયો છે. જોકે છેલ્લે કોઈ કોઈ ને પસ્તાવો થતો પણ હશે, પણ ત્યારે ઘણું મોડું થઈ જાય છે. આજના ઘણા માનવ માને છે કે આ બધા નિયમો તો સતયુગમાં પાળવા માટેના હતા, અત્યારે આ બધું ન ચાલે, આજે ડોક માં માળા નહિં પણ મોહ માયાનો ડેરો પડ્યો છે, અને તેથી એના ફંદામાં માનવ (બધા નહિં, અમુક લાલચુ,લોભી, કામી અને કપટી)એવો ફસાયો છે કે બીજું કશું વિચારી જ સકતો નથી, તે માને છે કે ખોટું કર્યા વિના આ મોંઘવારી માં નિર્વાહ ચાલેજ નહીં, દેવ દર્શન,ભજન,દાન પુણ્ય કરવાનો હજુ વખત નથી થયો, એતો નિવૃત થયા પછીજ કરાય, અને ભૂખ્યા દુખિયાને ઈશ્વર સાંચવી લે, આપણે ઈશ્વરના કાર્યમાં વચ્ચે ન પડાય, અને શાસ્ત્રો અને વેદો માં જે સ્વર્ગ કે નરકની વાતો થાયછે તે કોને પ્રમાણિત કર્યું છે? આજનું ભૌતિક સુખ મળે એજ સ્વર્ગ, માટે કોઈ પણ રીતે ધન મેળવો અને સંઘરો, ધન હશે તો તમને બધાંજ સુખ મળી રહેશે, અને લોકો તમારી પાંસે દોડતા આવશે.
આવા ભ્રમ માં રાચતો માનવ જ્યારે બુઢાપો આવે અને શરીર ઘટે, અંગો મગજનો હુકમ માનવાની ના પાડે, નજર ની બારી બંધ થવા લાગે, ત્યારે ખ્યાલ આવે કે હવે તો બહુ મોડું થઈ ગયું, પણ જો પ્રભુ એક મોકો માનવ જન્મ નો આપે તો એવું જીવન વ્યતિત કરું કે સિદ્ધો જ મોક્ષનો માર્ગ મળી જાય.
કદાચ ઈશ્વર દયા કરે અને માનવ બનાવે, તો પાછો આ જીવ એજ માયામાં ફસાઈ ને અથડાતો રહે છે.
આતો બધી ઊપર વાળાની ચોપાટ છે. બસ એના પર બાજી છોડીદો, જેમ રમાડે તેમ રમ્યા કરો, જય માતાજી.
No comments:
Post a Comment