Sunday, March 2, 2014

                            સખુબાઇ

                                                                                     
ઢાળ:- હુંતો કાગળીયા લખી લખી થાકી......જેવો

ખાસ નોંધ:-પંઢરપુર જેવા પવિત્ર સ્થળ નજીક ના એક ગામ માં સંત સખુબાઇ વિષે મને સારી એવી જાણકારી મારા શુભ ચિંતકો તરફ થી મળેલ છે, જો કે સખુબાઇ વિષે બે ત્રણ પ્રકારની વાતો સાંભળવા મળે છે, પણ જે વધારે સમર્થન પામે છે તેના પર થી મેં આ ભજન બનાવ્યું છે, છતાં જો કોઈ ભૂલ હોય તો તે મારી જ હશે, અને આપને પણ કોઈ ભૂલ જણાય તો સૂચન કરવા વિનંતી.                      
                             

વહાલો ઘૂંઘટ માં લાગે વહાલો વહાલો, બન્યો છે સખુ સામળિયો.. 
વહાલો ભક્તોના ભાર હર નારો, બન્યો છે સખુ સામળિયો..

સખુ સિધાવી જ્યારે સાધુઓ ની સાથે, ભક્ત કેરો ભાર લીધો ભૂધરા એ માથે
                                         આવ્યો સખુનું રૂપ લઈ રસાળો...બન્યો...
ઊઠી  અંધારે નિત દળણા દળાવે,  શિર પર ચડાવી હેલ પાણીડા ભરાવે
                                     રૂડિ ચાલે છે ચાલ ચટકાળો...બન્યો..
બની ગોવાલણ દૂધ દોવડાવે,   મારી કછોટો માવો મહીડા વલોવે
                                   ગાય ગીતો ગીતા નો ગા નારો...બન્યો..
ઈંધણા વીણીને રૂડિ રસોયું બનાવે, સાસુ સસરા ને વહાલો પ્રેમે પિરસાવે
                                     માંજે વાસણ છે મોરલી વાળો...બન્યો..
સાસુ નણંદ ના પાવલાં દબાવે, શેષ ઉપર સુતો જે ગોદડી બિછાવે
                              વહાલો ભક્તો ની ભીડ ભાંગ નારો...બન્યો...
સાસુ નણંદ સૌ મન માં વિચારે, શાણી થઈ સખુ હવે સોટી ના મારે
                                    મુખ મલકાવે નંદ નો દુલારો...બન્યો...     
સખુ સિધાવી સ્વર્ગ સંત સંભળાવે, જીવન મરણ હરિ હાથ સત્ય સમજાવે
                                       જે જનમ્યો તે એક દિ’ જવાનો..બન્યો..
શાનો છે સંઘ ને શાની કરો વાતો, સખુ તો રહેતી સંગ દિવસ ને રાતો
                                         કર્યો સંતો એ ઈશ નો ઇશારો...બન્યો...
સાસુ સસરા સૌ પડ્યા હરિ પાય માં, પ્રભુ દુભાવ્યા હવે મુક્તિ કેમે થાય ના
                                              ફટ ફટ અવતાર અમારો...બન્યો...
ભક્તો કેરી ભક્તિ ભાળી ભૂધરાએ ત્યારે, કિધી સજીવન સખુબાઇ ને પ્યારે
                                           એણે કીધો જનમ ઊજિયારો...બન્યો...
દિન " કેદાર "ના દામોદર રીઝતાં, સાસુ સસરા નણંદ પર નહી ખીજતાં
                                         એણે કીધો અધમ નો ઉદ્ધારો...બન્યો...
ફોટો ગુગલના સહયોગથી.

No comments:

Post a Comment