Monday, December 19, 2016

અવળાં ઉત્પાત (ભરત નો વિલાપ)


અવળાં ઉત્પાત (ભરતનો વિલાપ)


તા. ૭.૪.૯૦

ઢાળ-રાગ શિવ રંજની જેવો.


તને કહેતાં જનની લજાતો, તેં અવળાં કર્યા ઉત્પાતો...


ધિક્ ધિક્ કૈકેયી ધિક્ તારી વાણી, શીદને વદિ આવી વાતો

રાજ ન માંગું વૈભવ ત્યાગું, રામ ચરણ બસ નાતો...


જનની કેરું તેં બિરુદ લજાવ્યું, કીધો નાગણ સો નાતો

પતિ વિયોગે ઝૂરે પતિવ્રતા, એવો ન ભાવ જણાતો..


લખ ચોરાસી જીવ ભટકતો, ત્યારે માનવ થાતો

છે ધિક્કાર મારા માનવ તનને, જે દેહથી રામ દુભાતો..


એક પલક જે રામ રિઝાવે, પાવન જન થઈ જાતો

જન્મ ધરી મેં રામજીને પૂજ્યાં, તૂટ્યો કાં તોએ નાતો..


પરભવ કેરાં મારા પાપ પ્રગટ્યાં, જીવ નથી કાં જાતો

ધન્ય પિતાજી રામ વિયોગે, તોડ્યો તનથી નાતો..


રામ વિરહમાં રડે ભરતજી, "કેદાર" ગુણલા ગાતો

લેશ ન માયા ઉરમાં આણી, હરિ દર્શનનો નાતો...


ભાવાર્થ-જ્યારે ભરતજીને માતાના વચનો માગ્યાની વાત જાણ થઈ, ત્યારે તેમને ખૂબજ દુખ થયું, અને પોતાની માંને કહેવા લાગ્યા, હે કૈકેયી મનેતો તને મા કહેતાં પણ શરમ આવે છે. તેંતો ધિક્કાર પમાડે તેવા વચનો બોલીને મારા પિતાજી સાથે કેવો વહેવાર કર્યો છે? અરે મનેતો પૂછ્યું હોત? કે મારે રાજ્ય જોઈએં કે રામ? રામ વિનાના જીવનની હું કલ્પના પણ ન કરી શકું, અને તેં મને મારા રામના વનવાસના ભોગે મારા રાજ્યાભિષેકની કલ્પના પણ કેમ કરી?  તેં તો જનની કહેવાનો હક્ક ત્યાગી દીધો છે. જેમ નાગણના મુખમાંથી સદા ઝેર જ નીકળતું હોય, તેમ હળાહળ ઝેર ઓકતા શબ્દોનો માર કરીને તેં મારા પિતાજીનો જીવ લીધો છે, પતિના વિયોગે પતિવ્રતા નારી જે રીતે ઝૂરતી હોય એવો એક પણ ભાવ તારામાં દેખાતો નથી. મારા પરમ પૂજનીય પિતા સમાન ભાઈ રામ, ભાઇ લક્ષ્મણ અને મારી માતા સીતાજીને વનવાસ આપીને શું હું રાજ ગાદી પર બેસી શકું? 

જીવ જ્યારે ચોરાસી લાખ યોનિમાંથી પસાર થાય ત્યારે દેવતાઓને દુર્લભ એવો માનવ દેહ પામે છે. પણ ધિક્કાર છે મારા માનવદેહને, કે જે દેહને ખાતર મારા રામને કષ્ટ ભોગવવું પડે.

જે કોઈ જીવ ફક્ત એક પળ માટે પણ જો અંત:કરણથી રામ મય બની જાય તો તે પાવન બની જાય છે. પણ મારો આ દેહ તારા ઉદરમાં પાક્યો હોવાથી ધિક્કારને પાત્ર છે, કેમકે મેં જન્મથી રામની આરાધના કરી હોવા છતાં આજે રામ મારાથી દૂર થઈ ગયાં.

 મને ગર્વ છે કે હું એવા પિતાનો પુત્ર છું, કે જેણે ફક્ત રામના વિયોગની કલ્પના કરીને પ્રાણનો ત્યાગ કરી દીધો, પણ મારા કોઈ આગલા જન્મના પાપના પ્રતાપ છે, આજે રામનો વિયોગ થયો હોવા છતાં મારા ખોળિયામાં હજુ જીવ ટકી રહ્યો છે.

 કેવો મહાન ભક્ત, ત્યાગી, કે જેને ફક્ત પ્રભુના દર્શન સિવાય કોઈ જ મોહ કે માયા નથી, એવા ભરતજીના ગુણ ગાન કેમ ન કરવા પડે? 

જય શ્રી રામ ભક્ત ભરતજી.


રચયિતા:-

કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ, 

૯૪૨૬૧૪૦૩૬૫. આપ ગુગલ પર kedarsinhji અને YouTube માં 

kedarsinhji m jadeja લખીને મારી રચનાઓ માણી શકશો.  

ફોટો-ગુગલના સહયોગ થી.  


No comments:

Post a Comment