હું કાર
ઢાળ-તું રંગાઈ જાને રંગ માં જેવો.
સાખી-વાયુ અગન આકાશ ને માટી ચપટી ચાર
બિંદુ જળ થી તું બન્યો,
આમાં ક્યાં "હું" નો વિસ્તાર..
શાને ધરે હું કાર તું ધન નો,
ખબર નથી ક્યારે ખોળિયું પડશે, નાશ થશે તુજ તન નો..
અવિનાશી ની અધિક કૃપા થી, માનવ દેહ મળ્યો છે તને..
આવ્યાં જેને જેને યમના તેડા, જઈ ભભૂત માં ભળ્યો છે..
હિસાબ દેવો પડશે ત્યારે,
સારા નરસા કરમ નો......
કોઈ ને ચિત્તા મળે ચંદન ની, કોઈ બળે બાવળીએ..
જાવું અંતે અંગ ઉઘાડે,
જણ્યો જેવો માવડીએ
સગા સ્નેહી સૌ સંગે ચાલે પણ, નાતો દેહ દહન નો..શાને..
માટે-શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, હરદમ જાપ હરિ નો..
સમય પારખ પામર પ્રાણી,
નહિ વિશ્વાસ ઘડી નો..
છોડ કપટ કિરતાર ભજીલે, રાખીલે નાતો નમન નો..શાને..
અવસર જો આ ગયો હાથથી, મૂલ ચુકાવવા પડશે એના..
જનમ જનમ ના ફેરા માં જીવ, જઈ ચકડોળે ચડશે..
" કેદાર "કરીલે પૂજા એવી,
પ્રેમ રહે પ્રીતમ નો....
સ્વ રચીત
No comments:
Post a Comment