અરજી
ઢાળ:- પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે- જેવો
જેવો ઘડ્યો છે મુજને એવોજ
છું હું દાતા,
કરતો રહું કર્મો જે લખિયા વિધાતા.
ન જાણું હું મંત્રો ન શ્લોકો ની સમજણ,
ન કીધાં કદી કોઈ યજ્ઞો પારાયણ
જે બોલું હું મુખથી તે મંત્રો ગણી લેજો,
અજ્ઞાની મને જાણી સ્વીકારો ઓ તાતા..
કરૂં સર્વે કર્મો ડરીને તમોથી,
ન હો ખોટું કદીયે ન તન થી કે મન થી
રહે ચિત મારું તવ શરણે ઓ સ્વામી,
વહે શ્વાસે શ્વાસે તુજ સ્તવનો ઓ દાતા..
કર્યા હોય પાપો થોડા ગુણલા પણ ગાયા,
ભજ્યાં થોડા ભૂધર ઘણી વળગી છે માયા
રહે અંત વેળા તુજ રટણા હૃદય માં,
કરો કરુણા ની વૃષ્ટિ કૃપાળુ ઓ દાતા...
કરૂં પ્રાર્થના નિત મનથી તમારી,
સુણો વિશ્વ ભરતા આ અરજી અમારી
આપો અધિક સુખ ભક્તિનું ભગવન્,
વિનવું સદા નાથ તમને ઓ તાતા...
નથી પર્ણ હલતું વિણ મરજી તમારી,
તો શાને છે કર્મોની ભીતિ અમારી
કરું કાર્યો તેના ન લેખાં કોઈ લેજો,
હો સારું કે નરસું તમારું ઓ તાતા...
કરૂં ગાન ત્યારે મન તારામાં લાગે,
માયામાં મોહી ના જ્યાં ત્યાં કદી ભાગે
છે " કેદાર " કેરી આ વિનતિ પ્રભુજી,
સ્વીકારો દીન જાણી આ અરજી ઓ દાતા..
No comments:
Post a Comment