કન્યા વિદાય ની વેળા.
એક દિ’આવી સ્નેહ સરિતાસી, ગૂડિયા હસતી રોતી
ધન્ય થયું મારું જીવન જાણે, મળ્યું અમૂલખ મોતી
હરખે હૈયું ચડ્યું હિલોળે, આનંદ હેલી રહે
પણ-વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૧
પા પા પગલી ભરતાં ભરતાં, દોડવા લાગી દ્વારે
ખબર પડી નહીં હરખ હૈયે, યૌવન આવ્યું ક્યારે
ચૂક્યું દિલ ધબકાર તે દહાડે, માંગું આવ્યું કોઈ કહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૨
આવ્યો એક નર બંકો બાંકો, સજી ધજી માંડવડે
ઝાલ્યો હાથ જીવનભર માટે, ફર્યા ફેરા સજોડે
ચોર્યું રતન ભલે હતાં હજારો, કોઈ કશું ના કહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૩
ઘરથી નીકળી ઘૂંઘટ તાણી,
પર ઘર કરવા વહાલું
માણી હતી અહીં મુક્ત જવાની, સૌને લાગ્યું ઠાલું
અનહદ વેદના છતાં ઉમંગે, વળાવવા સૌ ચહે,
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૪
સખીઓ જોતી સજ્જડ નયને, કેમ કર્યા મોં અવળાં
ચંચળતા જ્યાં હરદમ રહેતી, દર્દ ન દેવું કળવા
જો ભાળે મુજ તાત આ આંસુ, હૈયું હાથ ન રહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૫
આશા એકજ ઉજળા કરજે, ખોરડાં ખમતીધર ના
આંચ ન આવે ઇજ્જત ઉપર, મહેણાં મળે નહીં પરના
" કેદાર " કામના ઈશ્વર પાસે, તેને દુખ ન દ્વારે રહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૬
No comments:
Post a Comment