Sunday, March 8, 2026

૧૬૦, ભવ સાગરની વાટે.

૧૬૦, ભવ સાગરની વાટે.
તા.૨૫.૧૦.૨૫.
ઢાળ:-નગરી નગરી દ્વારે દ્વારે..ફિલ્મી ગીત જેવો.

રાધા માધવ ભજતાં ભજતાં, ભવ સાગર તરી જાવું છે
મનમાં આશા એકજ મોહન, ગોવિંદ ગોવિંદ ગાવું છે....

મહેર કરી માધવ તેં મુજ પર, દેહ માનવનો આપ્યો છે,
માત પિતા કુળ મોટપ આપી, સમજણ પણ થોડી આપી છે
આપ્યું અધિક છે પ્રભુ મુજને પણ, ગજું ગોવિંદ ક્યાં મારું છે...

અરુણોદય સમે અંતર મનથી, અવિનાશીને યાદ કરું
આંખ ખૂલે ત્યાં રટણા રામની, મૂરતી મોહનની મનમાં ધરું
ભૂમી ભારતને ભાર ન લાગે, કરમો એવા કરવા છે..... 

સંતજનોની સેવા કરવી, ભક્તિ રસમાં નહાવું છે
કથા કીર્તન ધુન કાન ધરીને, પાવન થોડું થાવું છે
દીન-દુખિયાના દર્દને જાણી, સાચા સહાયક બનવું છે...

એક ઉપકાર પ્રભુ એટલો કરજે, અંત ઘડીને બગાડીશ ના
બોજ બનું નહીં ભૂધર ભૂલું નહીં, નારાયણને વિસારું ના
"કેદાર" કરુણાનિધિ કરુણા કરજો, ભવે ભવ ભક્તિ કરવી છે...

ભાવાર્થ:-  હે ઈશ્વર, આપે મને ભક્તિ સભર માતા-પિતાને ત્યાં સારા કુળમાં થોડી સમજણ સાથે માનવ તરીકે જન્મ આપ્યો છે, જે કદાચ મારા કર્મોથી પણ વધારે હોય, તો એક ઉપકાર પ્રભુ કરજે કે હું એવું કોઈ કામ ન કરું કે મારી જન્મ ભૂમી માટે શરમ જનક હોય. તારું ભજન ક્યારેય ભૂલું નહીં. મારી દિનચર્યા તારા ભજન-મનન અને દર્શનથી શરુ થાય, સાચા સંતોની સેવા કરવાનો લહાવો મળે, દિન-દુખિયાને કામ આવું એવું જીવન હો અને જ્યારે મારો અંત સમય આવે ત્યારે મારા મુખમાં સદા તારું ભજન હોય, કોઈને કષ્ટ ન આપું અને આવતા જન્મમાં પાછો તારો ભક્ત બનું એટલી મારી અરજી સ્વીકારી લેજે એજ અભ્યર્થના છે.


 

No comments:

Post a Comment