Sunday, March 8, 2026

૧૬૩, કાનુડાની કળા

૧૬૩, કાનુડાની કળા
૧૦.૧૨.૨૫
કાનુડાની કળા અનેરી રે, એ તો કોઈને સમજમાં ન આવ્યું
કાકા-બાપાના ચડ્યા ધીંગાણે, ઘરમાં ઘમસાણ મચાવ્યું...

અંધ રાજાનું કાંઈ ન ચાલે, ઓલા પુત્રોએ પોત પ્રકાશ્યું,
દેવકી નંદન ઘણું સમજાવે પણ, કૌરવે કોઠું ન આપ્યું....

દુર્યોધનની કેવી અવળાયું, માન માધવનું ન રાખ્યું 
સોઈના નાકામાં સમાય એટલી, ભૂમી ન આપું જણાવ્યું...
 
કુરુક્ષેત્રમાં કૌરવ પાંડવ, યુદ્ધ અનિવાર્ય જણાયું
અર્જુનને જ્યારે ભ્રમમાં ભાળ્યો ત્યારે, ગીતા જ્ઞાન ભણાવ્યું...

સુદર્શન ચક્રની આણ ફરે પણ, યાદવ કુળ રોળાયું
"કેદાર" કનૈયો કહે કર્મ બંધનમાં, આખું જગત અટવાયું.....  

ભાવાર્થ:-ભગવાન શ્રી રામ એટલે મર્યાદા પુરુષોત્તમ, જ્યારે શ્રી કૃષ્ણ? નટખટ નંદન ૧૬, કળાના, જગ ભલાઈ માટે ગમે તેવા કાવા-દાવા કરે, પણ જ્યારે કૌરવ-પાંડવો વચ્ચે યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા ત્યારે સમાધાન કરાવવા માટે અનેક ઉપાયો કરવા છતાં દુર્યોધન માન્યો નહીં, છેલ્લા ઉપાય તરીકે ફક્ત પાંચ ગામ આપવાની ભગવાને માગણી કરી ત્યારે દુર્યોધને સાફ સાફ કહ્યું કે "પાંચ ગામ તો શું સોયના નાકામાંથી પસાર થઈ શકે એટલી પણ જમીન નહીં આપું". જેની "ભૃકુટી વિલાય સૃષ્ટિ લય હોઈ" જરા ભ્રમર વાંકી થાય તો જગત નાસ પામે, સુદર્શન ચક્ર જરા પણ હલન-ચલન કરે તો વિશ્વમાં ખળભળાટ મચી જાય, એવા જગદ્ગુરુ જગદીશનું યાદવ કુળ લગભગ નાસ પામ્યું. આ બધું શું છે? ઈશ્વર બતાવે છે કે જ્યારે હું માનવ અવતાર ધારણ કરું છું ત્યારે મારે પણ કરેલા કર્મના ફળ ભોગવવા પડે છે, માટે જીવ માત્રને સમજદારી પૂર્વક જીવન જીવવું જોઈએં અને પ્રભુ ભજન કરવું જોઈએં.  
જય શ્રી કૃષ્ણ.


 

No comments:

Post a Comment