Sunday, March 8, 2026

૧૬૧, સમય પાક્યો જવાનો છે

૧૬૧, સમય પાક્યો જવાનો છે.
૯.૧૨.૨૫.
બની મહેમાન હું આવ્યો, સુખદ સહવાસ માણ્યો છે
અલવિદા આપથી કરવી, સમય પાક્યો જવાનો છે...

માં-બાપ કે પરિવારના, હશે અરમાન બહુ મોટા
પાછળથી સત્ય સૌ કહેશે, અનુભવ એ થવાનો છે...

જીવન પથ પર બહુ દોડ્યો, માર્ગ ભટકીને પણ ભાગ્યો 
સફર કેવી રહી મારી, વિઝિટ બુકમાં લખાયું છે...

કીધી છે ભૂલ પણ ભારી, કર્યો બકવાસ પણ બહોળો
કદીક મદમાં છકી જઈને, ઘણો અપરાધ કીધો છે....

ચોપડે ચિત્રગુપ્ત કેરા, હિસાબો કર્મના થાશે
અરજ બસ આપ પાસે તો, ક્ષમા કબુલાત લેવી છે...

ઘણાંએ સાથ દીધો છે, તો કોઈએ ત્રાસ પણ આપ્યો
હતા બહુ દોષ મારામાં, છતાં વિશ્વાસ કીધો છે...

કદી’ક જાણે અજાણે પણ, "કેદાર"ને યાદ તો કરજો
આપીને "દીન વાણી" મેં, હરિનો માર્ગ ચીંધ્યો છે...

ભાવાર્થ:- આ સંસારમાં હું મહેમાન બનીને આવ્યો, આપ બધા સાથે ખૂબ આનંદ માણ્યો, ૮૧, વર્ષ જીવન પથ પર મુસાફરી કરી છે, હવે સફર પુરી થવા આવી હોય એવું લાગે છે. અને ટિકિટ બધાની રિટર્ન જ હોય છે પણ ક્યારે કોની ટિકિટ કન્ફૉર્મ થઈ જશે એ કંઈ નક્કી ન કહેવાય, અને કન્ફૉર્મ થયા પછી રદ થતી નથી માટે પહેલાંથી સામાન પેક કરી લેવો સારો. કોઈ સ્થાન સારું લાગે તો કંઈ રોકાઈ થોડું રહેવાય? પાછું મુકામે પહોંચવું જ પડે છે. આ જીંદગીની સફર કેવી રહી, કેવા કર્મો કર્યા એ બધું તો ચિત્રગુપ્તના ચોપડે (વિઝિટ બુકમાં) લખાયું જ હશે, હિસાબ ત્યાં થશે, પણ મેં કરેલા કર્મો હું સાવ ભૂલ્યો નથી, પણ હવે આમાં Computerની જેમ "Undo" આવતું નથી.
  જ્યારે મારો જન્મ થયો હશે ત્યારે માં-બાપ કે અન્યને મારામાં ખૂબ આશા હશે, પણ એમાં હું કેટલો ખરો ઊતર્યો હોઈશ એ સત્ય તો પછી સૌ કહેશે. મેં અનેક ખોટા કાર્યો-પાપ કર્યા, અવગુણો પોસ્યા છે, પણ મારી કરેલી ભૂલોની દિલથી માફી વિદાય લેતાં પહેલાં લેવી છે, મને ખબર છે, આપવા જેવી હશે તો આપશો બાકીની સજા મળવાની જ છે. 
      મેં મારી સમજ મુજબ "દીન વાણી" નામક ભજનાવલી આપીને ભજન-ભક્તિરસ પીરસવાની કોસીશ કરી છે, એને માણીને ક્યારેક યાદ કરશો ને? અને બને એટલી ભાવિક ભક્તો સુધી પહોંચાડતા રહેજો.
જય માતાજી.



 

No comments:

Post a Comment