ગરબો-કચ્છ ની ધરતી
સાખી:-સરસ્વતી શ્વર દીજીએં, લક્ષમી દે શુભ ધન
અંબા અભય પદ દીજીએં, સદા કરૂં હું નમન..
કચ્છ કેરી ધરતી માથે ગરબા ગવાય છે, જામે રૂડિ ગરબી જોવા દેવીઓ લોભાય છે..
માતા ના મઢ થી મા આશાપૂરા આવીયા,
રવ છોડી ને રવેચી માં સંગે પધારીયા
જોગણી માં નો રંગ અનેરો, સાંભળ્યો છે સ્વર ઘેરો ઘેરો,
સ્વર સુણી ને માડી મારી, જોવા લલચાય છે...જામે..
ગબ્બર ના ગોખ થી અંબામાં આવીયા
ચોટીલા વાળી ચંડી સંગે પધારીયા
માટેલ છોડી ખોડલ આવી, શંખલપુર થી બહુચર આવી
પાવાગઢ વાળી કાળી સંગ માં જોડાય છે..જામે..
રાણી રાધિકા આજ રૂસણે ભરાયા
રમી રમી ને રાસ કાના મનડા ધરાયા
જઈશું હવે ગરબો જોવા, નહિં અમૂલખ લહાવા ખોવા
રાણી રાધિકા સંગે રુક્ષમણા જોડાય છે..જામે..
ઇંદ્ર ઇંદ્રાણી બ્રહ્મા ને બ્રહ્માણી
આવી આકાશ સૌ રહ્યાં રંગત માણી
શોભા બની આજ અનેરી, ભુલ્યા વાયુ દેવ હેરા ફેરી
ભાળી રંગત ગરબા કેરી સ્વર્ગ સરમાય છે.. જામે..
ઢોલ નગારાં નોબત વાગે
શરણાઇ ના સુર સંગે મીઠાં મીઠાં લાગે
ઝાલર વાગે ઝમક ઝમક, ચાલે દેવી ઠંમક ઠંમક
ગરબો " કેદાર " ગાય ઘેલો ઘેલો થાય છે..જામે..
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365
No comments:
Post a Comment