Thursday, October 20, 2016

સ્વાર્થ ની સગાઈ

સ્વાર્થ ની સગાઈ

સાખી-સગા ને સ્નેહીઓ સઘળા
સ્વાર્થ મહીં ગરકાવ છે.  
સંબંધ છે શ્વાસ સાથે નો,
પછી ક્યાં યાદ રાખે છે

સાખી-રડે સૌ રાગ તાણી ને મલાજો મોત નો કરવા.  
સમય જાતાં વિસારી દે,
પછી ક્યાં યાદ રાખે છે....

સ્વાર્થ તણી છે સગાઈ, જગત માં બધી.....

સ્વાર્થ ના બંધન,
સ્વાર્થ ના વંદન, સ્વાર્થ તણી સૌ ભલાઇ..

પુત્ર કમાણી કરી ઘર લાવે તો,  દીપક કુળ ગણાઈ
શરીર ઘટે કે રોગ સતાવે તો,  બોજ બને ઘર માંઈ......

માત પિતાની સેવા કરતો-કેમકે-, થઈ નથી ભાગ બટાઈ
વારસો મળતાં વસમા લાગે,  હવે ડોસો ને ડોશી છે ગંધાઈ...

હરખે સ્વામી હાર ઘડાવે તો, સેવા કરતી સવાઈ
ભાગ્ય ફરે ને ભૂખ સતાવે તો, નિશ દિન કરતી લડાઇ...

પુત્રી કેરાં પાય પખાળે તો,  વહાલો લાગે જમાઈ   
જો સૂત નારી સંગે હસે તો, લાજ કુટુંબ ની લૂંટાઈ...

દીન " કેદાર "પર દયા દરશાવી મારી, અળગી કરો અવળાઈ
સ્વાર્થ સઘળા મારા મનથી મટાડી, પ્રેમ થી લાગુ હરિ પાઇ....

સાર-આ જગતમાં મોટા ભાગે બધી સગાઈ સ્વાર્થ થીજ ભરેલી હોય એવું આપણને દેખાઈ આવે છે. એ પણ ત્યાં સુધી કે કોઈ કોઈ જનેતા પણ સ્વાર્થ થી ભરેલી દેખાય છે. સાસુને તો પોતાની પુત્રી પ્રત્યે સ્વાર્થ હોય, તે સહજ માનવ સ્વભાવ ગણાય. પણ મા? ક્યારેકતો બે પુત્રોમાં પણ મા ની અલગ અલગ લાગણી દેખાયછે. 

૧-પુત્ર ને સારી નોકરી કે ધંધો હોય, સારી આવક હોય, બધા માટે ભેટ સોગાદો લાવતો હોય, તો તેના વખાણ કરવામાં કશી કમી રહેતી નથી. એજ પુત્ર ને સંજોગો વસાત, કે કોઈ રોગ વસ નોકરી કે ધંધામાં આવક બંધ થાય, દેણું થવા લાગે કે સારવાર નો ખર્ચ વધે તો તે ઘરમાં તો બોજ બનેજ, પણ  આ હળાહળ કળિયુગમાં  કોઈ કોઈ માં પણ પુત્રને તરછોડવા લાગે છે.

૨-પૈસાપાત્ર ઘર હોય, મા બાપ પાસે સારો એવો ધન નો ભંડાર હોય, અને એથી પણ વિશેષ કે મિલકત માં ભાઈઓનો ભાગ ન પડ્યો હોય,ત્યાં સુધી પુત્રો અતિશય પ્રેમ થી માં બાપ ની સેવા કરે, પણ જેવો ભાગ પડી જાય, હિસ્સો વહેંચાય જાય, પછી કોઈ મા બાપ ને સાંચવવા પણ તૈયાર થતા નથી.

૩-પતી પોતા માટે ઘરેણા ઘડાવી લાવે, સારી સારી ભેટ સોગાદો લાવે, કે પડ્યો બોલ ઉઠાવતો હોય તો પત્ની અર્ધાંગની બની ને રહે છે. પણ ભાગ્ય વશ નાણાભીડ આવે, માગણીઓ સંતોષી શકાય નહિ, તો પછી એજ પત્ની કર્કશા નારી બનીને ઘરને નરક બનાવીદે છે.

૪-જમાઈ એવો મળ્યો હોય કે પોતાની પુત્રીના પડ્યા બોલ પાળતો હોય, સ્વાસ્થ્ય બગડે તો સારવાર કરવામાં કોઈ કચાશ રાખતો ન હોય, તો આવા જમાઈ મળવા બદલ ભગવાન નો પાળ માને છે.પણ જો આજ લક્ષણ પુત્રમાં દેખાય, તો પત્ની નો ગુલામ ગણી ને ઉતારી પાડવામાં આવે છે.

૫-પણ હે પ્રભુ, આવી કોઈ પણ સ્વાર્થ ની ભાવના મારામાં ન આવે, નિઃસ્વાર્થ ભાવે જગત ને જોઇ ને તારા ગુણગાન કરતો રહું એજ આશા રાખું છું.                    
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

No comments:

Post a Comment