હું કાર
ઢાળ-તું રંગાઈ જાને રંગ માં જેવો.
સાખી-વાયુ અગન આકાશ ને માટી ચપટી ચાર
બિંદુ જળ થી તું બન્યો, આમાં ક્યાં "હું" નો વિસ્તાર..
શાને ધરે હું કાર તું ધન નો,
ખબર નથી ક્યારે ખોળિયું પડશે, નાશ થશે તુજ તન નો..
અવિનાશી ની અધિક કૃપા થી, માનવ દેહ મળ્યો છે તને..
આવ્યાં જેને જેને યમના તેડા, જઈ ભભૂત માં ભળ્યો છે..
હિસાબ દેવો પડશે ત્યારે, સારા નરસા કરમ નો......શાને..
કોઈ ને ચિત્તા મળે ચંદન ની, કોઈ બળે બાવળીએ..
જાવું અંતે અંગ ઉઘાડે, જણ્યો જેવો માવડીએ
સગા સ્નેહી સૌ સંગે ચાલે પણ, નાતો દેહ દહન નો..શાને..
માટે-શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, હરદમ જાપ હરિ નો..
સમય પારખ પામર પ્રાણી, નહિ વિશ્વાસ ઘડી નો..
છોડ કપટ કિરતાર ભજીલે, રાખીલે નાતો નમન નો..શાને..
અવસર જો આ ગયો હાથથી, મૂલ ચુકાવવા પડશે એના..
જનમ જનમ ના ફેરા માં જીવ, જઈ ચકડોળે ચડશે..
" કેદાર "કરીલે પૂજા એવી, પ્રેમ રહે પ્રીતમ નો....
સાર:-જો આ શરીર વાયુ/અજ્ઞિ/અવકાશ અને માટી તેમજ જળમાંથી બનેલું છે. તો પછી આમાં "હું" ક્યાં છે? અને એ પણ ખબર નથી કે આ નશ્વર શરીર ક્યારે માટીમાં મળી જશે? આતો ઉપર વાળએ મહેરબાની કરીને ભજન કરવા માટે માનવ શરીર આપ્યું છે, જેવા કર્મો કરશો તેવું પામશો, કોઈ કોઈ ખોળિયું ચંદનના લાકડાથી ધૂપ દીપ ના ભપકા અને હજારો લોકોની ભીડ સાથે શ્મશાન યાત્રા માં જઈને બળેછે, તો કોઈ જ્યાં ત્યાં બાવળના ઠૂંઠા માં એકલ દોકલ ની હાજરીમાં સળગાવી નાંખવામાં આવેછે.
"હું કરૂં હું કરૂં એજ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે" ઘણા લોકોને આવો વહેમ હોયછે કે જો હું ન હોત તો આ કાર્ય થાતજ નહીં, પણ આ પામર જીવને ખબર નથી કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા જતા રહ્યા તો પણ આ સંસાર ચાલે છે. રાવણ મહા વિદ્વાન, શિવજીનો અનન્ય ભક્ત, શાસ્ત્રોનો જ્ઞાતા, વેદોનો જાણકાર, એક સમય એવો આવ્યો કે ભગવાન મહાદેવ શિવજી કૈલાસ પર બિરાજમાન હતા તો પણ તેણે મહાદેવ સહિત કૈલાસ પર્વત ઉઠાવી લીધેલો. પણ એક અભિમાન રાવણને ભારે પડ્યું અને લંકા જેવી સુવર્ણ નગરી છોડવી પડી અને તેનું પતન થયું.
{ આમતો જોકે આ બધી લીલા એવી છે કે શું લખવું તે જ સમસ્યા છે, કારણ કે જય અને વિજય નામના બે ભગવાનના પાર્ષદ-હજૂરિયા-દરવાન પોતાની ફરજ બજાવતા હતા, ત્યારે સનકાદિક [બ્રહ્મદેવના ચાર માનસ પુત્રો ] ભગવાનના દર્શને પાધાર્યા, ફરજ પરસ્ત જય અને વિજયે તેમને રોક્યા તેથી ગુસ્સે થઈને સનકાદિકે તેમને શાપ આપ્યો કે જાવ મૃત્યુ લોકમાં રાક્ષસ યોનિમાં સાત જન્મ માટે પડો, જય વિજય ભગવાનના ચરણોમાં પડીને કરગરવા લગ્યા કેનાથ, અમારો શો ગુનો? અમેતો અમારી ફરજ બજાવી, ખૂબ આજીજી કરી ત્યારે ભગવાને કહ્યું કે તમારી વાત સાચી છે, પણ સનકાદિક નો શાપ અફળ તો નજ રહે, પણ હું તમને વચન આપુછું કે જો મને પ્રેમ ભાવે ભજશો તો સાત જન્મે પાર થશો અને જો વેર ભાવે ભજશો તો ત્રણ જન્મે પાર થશો. તેથી ભગવાન શિવનો મહાન ભક્ત હોવા છતાં રાવણ ભગવાનને વેર ભાવે ભજવા લાગ્યો, તેના ફળ સ્વરૂપ તેનું પતન [પતન કે મોક્ષ?]થયું. }
આ બધી ઈશ્વરની લીલાને સમજવી અઘરી છે, બસ હરિ નામ ભજ્યાકરો, ભજન કરો. સાચા રસ્તે ધન વાપરો, નામ કમાવા માટે દાન ન કરો, મોટા મોટા મંદિરો બાંધીને ભગવાનને એ.સી.માં બિરાજમાન કરવા કરતાં સાચેજ જે ભૂખ્યા છે તેને ભોજન આપો, પેટ ભરા ઢોંગીઓને જમાડવાથી આર્થિક નુકશાન થાય પણ ફાયદો તો નજ થાય.
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365
No comments:
Post a Comment