Thursday, October 20, 2016

સ્વાર્થ ની સગાઈ

સ્વાર્થ ની સગાઈ

સાખી-સગા ને સ્નેહીઓ સઘળા
સ્વાર્થ મહીં ગરકાવ છે.  
સંબંધ છે શ્વાસ સાથે નો,
પછી ક્યાં યાદ રાખે છે

સાખી-રડે સૌ રાગ તાણી ને મલાજો મોત નો કરવા.  
સમય જાતાં વિસારી દે,
પછી ક્યાં યાદ રાખે છે....

સ્વાર્થ તણી છે સગાઈ, જગત માં બધી.....

સ્વાર્થ ના બંધન,
સ્વાર્થ ના વંદન, સ્વાર્થ તણી સૌ ભલાઇ..

પુત્ર કમાણી કરી ઘર લાવે તો,  દીપક કુળ ગણાઈ
શરીર ઘટે કે રોગ સતાવે તો,  બોજ બને ઘર માંઈ......

માત પિતાની સેવા કરતો-કેમકે-, થઈ નથી ભાગ બટાઈ
વારસો મળતાં વસમા લાગે,  હવે ડોસો ને ડોશી છે ગંધાઈ...

હરખે સ્વામી હાર ઘડાવે તો, સેવા કરતી સવાઈ
ભાગ્ય ફરે ને ભૂખ સતાવે તો, નિશ દિન કરતી લડાઇ...

પુત્રી કેરાં પાય પખાળે તો,  વહાલો લાગે જમાઈ   
જો સૂત નારી સંગે હસે તો, લાજ કુટુંબ ની લૂંટાઈ...

દીન " કેદાર "પર દયા દરશાવી મારી, અળગી કરો અવળાઈ
સ્વાર્થ સઘળા મારા મનથી મટાડી, પ્રેમ થી લાગુ હરિ પાઇ....

સાર-આ જગતમાં મોટા ભાગે બધી સગાઈ સ્વાર્થ થીજ ભરેલી હોય એવું આપણને દેખાઈ આવે છે. એ પણ ત્યાં સુધી કે કોઈ કોઈ જનેતા પણ સ્વાર્થ થી ભરેલી દેખાય છે. સાસુને તો પોતાની પુત્રી પ્રત્યે સ્વાર્થ હોય, તે સહજ માનવ સ્વભાવ ગણાય. પણ મા? ક્યારેકતો બે પુત્રોમાં પણ મા ની અલગ અલગ લાગણી દેખાયછે. 

૧-પુત્ર ને સારી નોકરી કે ધંધો હોય, સારી આવક હોય, બધા માટે ભેટ સોગાદો લાવતો હોય, તો તેના વખાણ કરવામાં કશી કમી રહેતી નથી. એજ પુત્ર ને સંજોગો વસાત, કે કોઈ રોગ વસ નોકરી કે ધંધામાં આવક બંધ થાય, દેણું થવા લાગે કે સારવાર નો ખર્ચ વધે તો તે ઘરમાં તો બોજ બનેજ, પણ  આ હળાહળ કળિયુગમાં  કોઈ કોઈ માં પણ પુત્રને તરછોડવા લાગે છે.

૨-પૈસાપાત્ર ઘર હોય, મા બાપ પાસે સારો એવો ધન નો ભંડાર હોય, અને એથી પણ વિશેષ કે મિલકત માં ભાઈઓનો ભાગ ન પડ્યો હોય,ત્યાં સુધી પુત્રો અતિશય પ્રેમ થી માં બાપ ની સેવા કરે, પણ જેવો ભાગ પડી જાય, હિસ્સો વહેંચાય જાય, પછી કોઈ મા બાપ ને સાંચવવા પણ તૈયાર થતા નથી.

૩-પતી પોતા માટે ઘરેણા ઘડાવી લાવે, સારી સારી ભેટ સોગાદો લાવે, કે પડ્યો બોલ ઉઠાવતો હોય તો પત્ની અર્ધાંગની બની ને રહે છે. પણ ભાગ્ય વશ નાણાભીડ આવે, માગણીઓ સંતોષી શકાય નહિ, તો પછી એજ પત્ની કર્કશા નારી બનીને ઘરને નરક બનાવીદે છે.

૪-જમાઈ એવો મળ્યો હોય કે પોતાની પુત્રીના પડ્યા બોલ પાળતો હોય, સ્વાસ્થ્ય બગડે તો સારવાર કરવામાં કોઈ કચાશ રાખતો ન હોય, તો આવા જમાઈ મળવા બદલ ભગવાન નો પાળ માને છે.પણ જો આજ લક્ષણ પુત્રમાં દેખાય, તો પત્ની નો ગુલામ ગણી ને ઉતારી પાડવામાં આવે છે.

૫-પણ હે પ્રભુ, આવી કોઈ પણ સ્વાર્થ ની ભાવના મારામાં ન આવે, નિઃસ્વાર્થ ભાવે જગત ને જોઇ ને તારા ગુણગાન કરતો રહું એજ આશા રાખું છું.                    
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Tuesday, October 18, 2016

સદ ગુરુ  

સદ ગુરુ  
ઢાળ-ગુરુ કરોતો જ્ઞાન બતાવે..

સાખી-સદ ગુરુ સમજવો તેમને, જે ભરે ભક્તિ નો રંગ
કુપાત્રને સુપાત્ર કરે,
બદલે બધાય કઢંગ                 

સાખી-પાત્ર વિનાનું પીરસો,  ભલે છપ્પન ભોગ ધરાય
છલકે પણ છાજે નહીં,  
ભુખ ભાવઠ ના જાય..

સાખી-ઊલટો અમૃત કુંભ પણ, ઠીકરે ના ઠેરાય
સિંહણ કેરું દુધ તો,
કંચન પાત્ર ભરાય..

સાખી-સાજ તુરંગ ને શોભતો,  લગડું ગર્દભ સોય       
કુંજર બેઠો કર ધરે,    
માંગણ ટેવ ન ખોય  

સદ ગુરુ એજ કહાવે,
અવગુણ સઘળાં અળગાં કરીને જે  સત્યનો માર્ગ બતાવે..

નેકી ટેકી થી રહે સંસારે, સમતા સ્નેહ ધરાવે
સંત સમું સૌ વર્તન રાખે,
ઊર અભિમાન ન આવે...

અજ્ઞાની ને જ્ઞાન ની વાતો, સહજ કરી સમજાવે, 
રોમે રોમ જે ભક્તિ ભરીદે, મનનો મેલ મિટાવે... 

મૂંઢ મતી ને માર્ગ બતાવી, ભક્તિ રસ પિવડાવે
સમજણ આપે સ્નેહ સહિત ને, પ્રેમથી પથ જે બતાવે...

નાટક ચેટક નખરા કરે નહીં, ધન લાલચ ના ધરાવે
ભેદી કોઈ ભ્રમ જાળ બનાવી, ભક્ત ભોળા ના ફસાવે...

"કેદાર"મળે જો કૃપા રઘુવીર ની, ગુરુ ગોવિંદ બતાવે
જનમો જનમ ના ફેરા મિટાવી, શિવ માં જીવ ને મિલાવે... 

સાર-ગુરુ શબ્દનો અર્થ આજે ઘણાં લોકો શિક્ષક/ધર્મના વડા કે સાધુ સંત પુરતો મર્યાદિત સમજે છે, આમતો ગુરુ એટલે કોઈ પણ વ્યક્તિ સારી શિખામણ આપે તેને ગણવો જોઇએ એમ ભગવાન દતાત્રેય ના મત મુજબ કહેવાય, પણ સદ ગુરુ તો શિષ્યના ભાગ્ય હોય તોજ મળે, અને તોજ ૮૪ લાખ યોનિમાંથી ભટકી ભટકીને મળેલા માનવ દેહ દ્વારા ગુરુ વચને મુક્તિ પામે.

મારા મતે આ બધું ઈશ્વરનું બનાવેલુંજ ચક્રછે, જીવ ખબર નહીં ક્યારે કઈ યોનિમાં પ્રથમ જન્મ લેતો હશે? ત્યાં કયા કર્મો કરતો હશે? જેના પ્રતાપે બીજો અવતાર માનવ બનવાના લક્ષ તરફ પ્રયાણ કરતો હશે? બીજો જન્મ ક્યાં લેતો હશે? ત્યાં શું કર્મ કરતો હશે? આમ ક્યારે માનવ બનતો હશે કે જ્યાં તેને સદગુરુ મળે અને તે પાર થઈ જાય, આ બધું ઈશ્વરે બનાવેલુ એક એવું ચક્ર છે કે જે આજ દિવસ સુધી કોણ કોણ સમજી સક્યું છે તે ખબર નથી, જો ઈશ્વરની ઇચ્છા વિના પાંદડું પણ હલતું ન હોય તો પાપ શું અને પુણ્ય શું? આ બધું એક એવું ગુંચવાળા ભરેલું છે કે માનવ જેમ જેમ વિચારે તેમ તેમ અંદર અને અંદર ઉતરતો જાયછે.

ગુરુ મળે તો આ બધા તાણા વાણા ઉકેલીને સાચો માર્ગ બતાવે, પણ જો ભાગ્ય હોય અને સદગુરુ મળે તો એક એક તાણો એવો ઉકેલે કે જીવને શિવ સુધી પહોંચાડીદે, ગુરુ માર્ગ દર્શક છે તો સદગુરુ અપાર દર્શકછે, જે ગુરુ નથી બતાવી શકતા તે સદગુુરુ ક્યારેક એક ક્ષણમાં એવી સરળ રીતે બતાવી દેછે કે શિષ્યને પાર કરાવી શકેછે, વાલીયા લુટારા કે પ્રહ્રાદ જેવા ઘણાં શિષ્યોને નારદજીએ એકજ શબ્દમાં એવું જ્ઞાન આપી દીધું કે સાક્ષાત્ ઈશ્વરે દર્શન આપવા દોડવું પડ્યું. 
જય ગુુરુદેવ.

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Friday, October 14, 2016

સખુબાઈ


સખુબાઈ

                                                                                      

ઢાળ:- હું તો કાગળિયા લખી લખી થાકી- ગવાય છે એવો.


ખાસ નોંધ:-સખુબાઈ વિષે બે ત્રણ પ્રકારની વાતો સાંભળવા મળે છે, પણ જે વધારે સમર્થન પામે છે તેના પર થી મેં આ ભજન બનાવ્યું છે, છતાં જો કોઈ ભૂલ હોય તો તે મારી જ હશે, અને આપને પણ કોઈ ભૂલ જણાય તો સૂચન કરવા વિનંતી.                    

  

વહાલો ઘૂંઘટમાં લાગે વહાલો વહાલો, બન્યો છે સખુ સામળિયો.. 

વહાલો ભક્તોના ભાર હરનારો, બન્યો છે સખુ સામળિયો..


સખુ સિધાવી જ્યારે સાધુઓની સાથે, ભક્ત કેરો ભાર લીધો ભૂધરા એ માથે

                                         આવ્યો સખુનું રૂપ લઈ રસાળો...બન્યો...


ઊઠી  અંધારે નિત દરણા દળાવે,  શિર પર ચડાવી હેલ પાણીડા ભરાવે

                                     રૂડિ ચાલે છે ચાલ ચટકાળો...બન્યો..


બની ગોવાલણ દૂધ દોવડાવે,   મારી કછોટો માવો મહીડા વલોવે

                                   ગાય ગીતો ગીતાનો ગાનારો...બન્યો..


ઈંધણા વીણીને રૂડિ રસોયું બનાવે, સાસુ સસરાને વહાલો પ્રેમે પિરસાવે

                                     માંજે વાસણ છે મોરલી વાળો...બન્યો..


સાસુ નણંદના પાવલાં દબાવે, શેષ ઉપર સુતો જે ગોદડી બિછાવે

                              વહાલો ભક્તોની ભીડ ભાંગનારો...બન્યો...


સાસુ નણંદ સૌ મનમાં વિચારે, શાણી થઈ સખુ હવે સોટીના મારે

                                    મુખ મલકાવે નંદનો દુલારો...બન્યો...     


સખુ સિધાવી સ્વર્ગ સંત સંભળાવે, જીવન મરણ હરિ હાથ સત્ય સમજાવે

                                       જે જનમ્યો તે એક દિ’ જવાનો..બન્યો..


શાનો છે સંઘને શાની કરો વાતો, સખુ તો રહેતી સંગ દિવસને રાતો

                                         કર્યો સંતો એ ઈશનો ઇશારો...બન્યો...


સાસુ સસરા સૌ પડ્યા હરિ પાયમાં, પ્રભુ દુભાવ્યા હવે મુક્તિ કેમે થાય ના

                                              ફટ ફટ અવતાર અમારો...બન્યો...


ભક્તો કેરી ભક્તિ ભાળી ભૂધરાએ ત્યારે, કીધી સજીવન સખુબાઈને પ્યારે

                                           એણે કીધો જનમ ઊજિયારો...બન્યો...


દિન "કેદાર"ના દામોદર રીઝતાં, સાસુ સસરા નણંદ પર નહીં ખીજતાં

                                         એણે કીધો અધમનો ઉદ્ધારો...બન્યો...


રચયિતા:-            

કેદારસિંહજી મે. જાડેજા

Kavi Kedar's"દીન વાણી" ગ્રૂપ, 

ગાંધીધામ, 

૯૪૨૬૧૪૦૩૬૫. 

Email-kedarsinhjim@gmail.com      

ફોટો ગુગલાના સહયોગ થી.

Thursday, October 13, 2016

શ્રાદ્ધ પ્રસંગ

શ્રાદ્ધ પ્રસંગ

આવ્યો સમય આજે શ્રાદ્ધ નો રે કરે નરસિંહ વિચાર.  મેહેણા મોટા ભાઇ મારતા,  આપે કષ્ટો અપાર
 કરવું પિતાનું મારે શ્રાદ્ધ છે...

પાંચ બ્રાહ્મણ ને બોલાવશું રે, સંગે ગોર પરીવાર.  વાળી વેચી ને સીધું લાવશું,
સાથ દેશે સરકાર
 મોટો દ્વારિકા નો નાથ છે...

લાવ્યા સામાન સૌ સાથમાં રે, ઘી નહી ઘરમાં લગાર.  આપો ઉધારે આટલું,   કરે નરસિંહ પોકાર
 દેવા મારે તો પછી દામ છે...

મારે મહેતાને નાગર મેણલા રે, આજ આનંદ અપાર.  આવે તેડા જો આપના,  જાવું ભક્ત કેરે દ્વાર
 લેવો પ્રભુ નો પરસાદ છે...

બોલ્યા મહેતાજી ત્યારે ભાવમાં રે, સકળ નાગર સંગાથ.  આવો અમારે આંગણે, લેશું ભોજન સૌ સાથ
 સાચી પ્રભુજી ની મહેર છે...

નાગર કરે છે ઠઠ્ઠા ઠેકડી રે, સુણી નરસિંહ ની વાત.  સાત માણસ નું સીધું નથી, કહે જમાડશું  નાત
વાતો કરવામાં હોશિયાર છે.

સાચો વહેવાર વંશીધરે રે,  નથી નરસિંહ નું કામ.  કેવાં ભોજન ને કેવી વાત છે, ક્યાં છે દમડી કે દામ
ફોગટ ફૂલણશી ફૂલાય છે...

મળ્યો મહેતા ને એક માલમી રે, આપું ઘી ના ભંડાર.  દામ ન હોય દામોદર ભજો, એજ સાચા કલદાર
પછી-નરસિંહ નારાયણ ગાય છે

સાદ સૂણીને જાગ્યો જાદવો રે, કીધાં સૌને ફરમાન.  ભક્ત મારો ભજને ચડ્યો, નહી રહે હવે ભાન
જાવું મહેતાજી ને દ્વાર છે...

નાગર બનીને વહાલો આવ્યા રે, આવ્યા જૂનાગઢ મોજાર.  શોભે છે રૂપ નરસિંહ તણું,   હૈયે હરખ  અપાર
કરવાં સેવક ના મારે કામ છે...

કાન ટોપી ધરી ભૂધરે રે, હાથ લીધી કરતાલ.  ભાલે તિલક અતિ શોભતું, સંગે તંબૂર નો તાલ
ગોવિંદ ગોવિંદ ના ગુણ ગાય છે..

ગોર બાપા બેઠાં રૂસણે રે, નહી આવું તારે દ્વાર.  કોડીનું દાન કરતો નથી, ખોટો તારો વહેવાર
વંશીધર સાચા યજમાન છે...

વિપ્ર બોલાવ્યો એક વિટ્ઠલ રે, નહી જાણે કોઈ જાપ.  પામ્યો મહેર માધવ તણી, મુખે મંત્રો અમાપ
વાણી વેદો ની જાણે ખાણ છે.

પોઠું આવી કોઈ ભાત ની રે, સંગે સાજ શણગાર.  સેવક આવ્યા સૌ સાથમાં, પૂછે નરસિંહ ના દ્વાર
ક્યાં મહેતાજી ના મહેલ છે...

નાગર લાગ્યા સૌ જાણવા રે, ક્યાંથી આવ્યા કયું કામ.  કોના સેવક ને કોના દાસ છો, શું છે માલિક નું નામ
કેવું નરસિંહ કેરું કામ છે...

હરિપૂર વાસી હરજીવન, રાખે મહેતા ના માન.  જાણી પ્રસંગ આજે શ્રાદ્ધ નો, એણે કીધાં ફરમાન
 કરવા મહેતાજી ના કામ છે...

નાગર બેઠાં સૌ ચીતવે રે, કીધો મોટેરો માર.  ભીખ મંગાને શાની ભીડ છે, ક્યાં છે વળતો વહેવાર 
નથી કંઈ લાજ શરમ છે...

દ્વારે આવી ને કરે ડોકિયાં રે, દીઠાં પિતૃ પરિવાર.  ભાવે ભોજન આરોગતાં, આપે આશિષ અપાર
બોલે નરસિંહ નો જય કાર છે

વિધ વિધ જાત ની વાનગી રે, જેની ફોરમ ફેલાય.  નાગર લાગ્યા સૌ નાચવા, લહાવો છોડ્યો નહી જાય
જમવું મહેતાજી ને ધામ છે...

સઘળા કુટુંબ સંગે આવ્યા રે, નાગર નરસિંહ ને દ્વાર.  સોના બાજોઠ બિછાવીયા, આપ્યાં સુંદર શણગાર                
હીરા મોતી થી ભર્યા થાળ છે.

ભાવતાં ભોજન આવતાં રે, આવ્યાં મેવા મોહનઠાર.  ખાધું પીધું ને ભાતું ભર્યું, બોલે નરસિંહ જયકાર
ધન્ય મહેતાજી તારી સેવ છે.

સોના રૂપા ના દાન દેવાયા, નથી પૈસા નો પાર.  કુળના ગોર ને રિઝાવીયાં, આપ્યાં અઢળક ઉપહાર
પછી-દામોદર દામાકુંડે જાય છે.

આવ્યા નરસિંહ જ્યારે આંગણે રે, વાત જાણી વિસ્તાર.  કીધી અરજ કૃપાલને, કરો કરુણા કિરતાર
શાને-ભૂખ્યા ભગવાન ને ભક્ત છે.

આવ્યા દામોદર દોડતાં રે, રાધા રૂક્ષમણા સંગાથ.  ભાવે થી ભક્ત ને જમાડીયા, જમે દ્વારિકા નો નાથ
ભક્ત વત્સલ ભગવાન છે...

કરે ભરોંસો જે કાન નો રે, ગીત ગોવિંદ ના ગાય.  કાર્ય સુધારે એના શામળો, વાસ વૈકુંઠ માં થાય
" કેદાર " ગુણ ગાન એના ગાય છે...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Wednesday, October 12, 2016

શું સમજાવું ?

શું સમજાવું ?

પ્રભુ તને શું સમજાવું મારા તાત
નાના મુખથી કરવી પડે મારે, મોટી મોટી વાત...

સૃષ્ટિ કેરું સર્જન કરીને, સૂર્ય ચંદ્રની ભાત
જલચર સ્થલચર નભચર રચ્યા તેં, ઉત્તમ માનવ જાત..

તું સમજ્યો’તો માનવ મારી, સેવા કરે દિન રાત
મન નો મેલો કામ નો કુળો, શું કરે સુખરાત..

મંદિર આવે શીશ નમાવે, જાણે નહીં તું એની જાત
કાળા નાણાનો ભોગ ધરાવે, મોટી દેશે તને માત..

તું છે ભોળો જો પાથરે ખોળો તો આપી દે જર જવેરાત
સમજી ના લે સૌને સેવક, નથી કહેવા જેવી વાત..

મેં બનાવ્યો શું મને બનાવે, હું સમજુ સૌની ઓકાત
મુખથી ભલેને મીઠું બોલે, હૂંતો જાણું મનની વાત..

એક અરજી સાંભળ હરજી, દીન "કેદાર" ની વાત
તુજ માં મુજને લીન કરીને, તારી દેજે મને તાત...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Tuesday, October 11, 2016

ગરબો-શું વખાણું ?

ગરબો-શું વખાણું ?

રાવણ સરીખો રાજિયો હો, જાણે પાપ ની ખાણું
કે રામજી ના રાજ ને વખાણું, કે સીતાજી ના સત ને વખાણું...

રૂસીઓ કેરી રાવ સૂણી ને, શેષ કેરો સંગાથ કરી ને
ભરત શત્રુઘ્ન ભ્રાતા કરી ને,   દશરથ ઘેર પધારે...

વિશ્વામિત્ર નો યજ્ઞ સુધારી, અસુર નારી તાડકા મારી 
શિલા હતી તે અહલ્યા તારી,    જનકપુરી માં પધારે...

વ્યથા જનક ની ઉર માં ધરી ને, શિવ ધનુષ નો ભંગ કરી ને
જનક દુલારી કર ગ્રહી ને,       સીતા રામ કહાવે...

કૂબડી વચને કૈકેઇ લોભાણી, માંગ્યા વચન દયા ઉર ન આણી
પિતાજી કેરી આગ્યા પાળી,      વન વગડા માં પધારે...

પંચવટી વન પાવન કીધાં, સુર્પણખા ના મદ હરિ લીધાં
સીતા રૂપ માયા ના કીધાં,   માયા હરણ કરાવે... 

શબરી કેરો પ્રેમ પિછાણી, એઠાં ફળ ની મીઠપ માણી
સ્નેહ થકી સમર્પિત જાણી,  નવધા ભક્તિ ભણાવે...

બજરંગ જેવા બળિયા મલિયા, વિભીષણ સરીખાં ભક્તો ભળિયા
સુગ્રિવ અંગદ યુદ્ધે ચડિયા,      રાવણ કુળ સંહારે...

અયોધ્યા કેરી ગાદી માંડી, ધોબી વચને વૈદેહી છાંડી
માયા ઉપર મીટ ન માંડી,     " કેદાર " ગુણલા ગાવે... 

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Monday, October 10, 2016

ગરબો-હેલે ચડી

ગરબો-હેલે ચડી
        
હેલે ચડી આજ હેલે ચડી, અંબા ની ગરબી હેલે ચડી...
ઘેલી કરી છે માં ઘેલી કરી, માનવ મેદની ને ઘેલી કરી..

આસો માસ ની આવી નવરાત્રિ, અંબા ને આજે મળવા ની ખાતરી
સહસ્ત્ર સખીઓ ની સંગે પધારશે,      હેતે કરી માં હેતે કરી...અંબાની..

શેરી વળાવી મેં સાથિયા પૂરાવ્યા, નવદુર્ગા ચોક માં નવરંગ બિછાવીયા
ચંદ્રિકા રચાવી દરવાજે દીવડી,
તોરણ કરી માં તોરણ કરી...અંબાની..

ઝીણી ઝીણી પાયલ ની સાંભળી મેં ઘૂઘરી, આવી કાં તો અંબિકા આવી ભુવનેશ્વરી
ઊમટ્યો માનવ સમાજ શરણે અંબાને,       ભાવે કરી માં ભાવે કરી...અંબાની..

દીન " કેદાર " ની દેવી જગદંબા, દર્શન દેવાને આવી અવલંબા
ધન્ય કર્યું મારું જીવન જગ જનની,    સ્નેહે કરી માં સ્નેહે કરી...અંબાની..

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365